૫ુરક પરીક્ષાથી છાત્રોનું એક વર્ષ બગડતું બચાવી શકાય: ડો.પ્રિયવદન કોરાટ
ગઈકાલે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહનું નબળું પરીણામ આવ્યું છે. છેલ્લા ૭ વર્ષની તુલનામાં ચાલુ વર્ષે સૌથી ઓછું પરીણામ આવ્યું છે જેમાં બે વિષયમાં મોટાપ્રમાણમાં છાત્રો નાપાસ થયા છે તો ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં બે વિષયની પુરક પરીક્ષા લેવા માટે માંગ ઉઠી છે.
આ અંગે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનાં સભ્ય ડો.પ્રિયવદન કોરાટે બોર્ડનાં અધ્યક્ષને રજુઆત કરી છે અને આગામી શિક્ષણ બોર્ડની જનરલ મીટીંગમાં પણ આ એજન્ડા મુકયો છે જેમાં તેઓએ જણાવ્યું છે કે, ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું ઓછું પરીણામ આવ્યું છે. વિદ્યાર્થી પર પરીણામની માઠી અસર ન પડે એટલા માટે બે વિષયમાં અનઉર્તિણ થયેલા ધો.૧૨નાં વિજ્ઞાન પ્રવાહનાં વિદ્યાર્થીઓની પુરક પરીક્ષા લેવામાં આવે અને આ પુરક પરીક્ષાનાં કારણે છાત્રોનું કિંમતી વર્ષ બચી જાય તેમ છે. આ ઉપરાંત માર્ચ-૨૦૧૯માં લેવાયેલ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ શાસ્ત્રનું પ્રશ્ર્નપેપર બ્લુ પ્રિન્ટ આધારીત ન હતું અને ટવીસ્ટ કરીને અઘરું પ્રશ્ર્નપેપર કાઢવામાં આવ્યું છે જેને કારણે રાજયનાં લાખો પરીક્ષાર્થીઓની કારકિર્દીને નુકસાન થયું છે. આ અંગે નકકર પગલા ભરવા અને પ્રશ્ર્નપેપર સંબંધિત માપદંડ નકકી કરવા રજુઆત કરાઈ છે.
વધુમાં ડો.પ્રિયવદન કોરાટે જણાવ્યું હતું કે, આગામી ૨૧ દિવસની અંદર જનરલ બોર્ડની મીટીંગ મળનાર છે ત્યારે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં નાપાસ થનારની પુરક પરીક્ષા એક વિષયની લેવાનું શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ગત વર્ષે બે વિષયની પુરક પરીક્ષા લેવામાં આવી હતી આ વર્ષે પણ જનરલ બોર્ડની બેઠકમાં ચર્ચા-વિચારણા કરી વિજ્ઞાન પ્રવાહમાં બે વિષયની પુરક પરીક્ષા લેવામાં આવે તેવી માંગણી ઉઠી છે.