૧-૧-૨૦૦૧ થી ૩૧-૪-૨૦૦૫ સુધીના સુચિતમાં થયેલા બાંધકામને નિયમિત કરવા વહીવટી તંત્ર દ્વારા અરજીઓ મંગાવાઈ: તાત્કાલીક માપણી સહિતની કાર્યવાહી હાથ ધરાશે
રાજય સરકારે ૨૦૦૫ સુધીની સુચિત સોસાયટીઓને રેગ્યુલાઈઝડ કરવાનો આદેશ આપતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રાંતને ૧-૧-૨૦૦૧ થી ૩૧-૪-૨૦૦૫ સુધીના સુચિતમાં થયેલા બાંધકામને નિયમીત કરવાની કાર્યવાહી ૧૫ દિવસમાં શરૂ કરવાની સુચના આપવામાં આવી છે. જેના પગલે હવે પ્રાંત અધિકારીઓ સુચિત સોસાયટીઓની અરજી મંગાવીને માપણી સહિતની કાર્યવાહી તાકીદે શરૂ કરશે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અગાઉ વર્ષ ૨૦૦૦ સુધીના સુચિત બાંધકામોને રેગ્યુલાઈઝડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ તાજેતરમાં રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૦૧ થી ૨૦૦૫ વચ્ચે થયેલા સુચિત બાંધકામોને રેગ્યુલાઈઝડ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જેના પગલે આજે જિલ્લા કલેકટર દ્વારા તમામ પ્રાંત અને મામલતદારો સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરે તમામ પ્રાંત અને મામલતદારને ૧-૧-૨૦૦૧ થી ૩૧-૪-૨૦૦૫ સુધીના સુચિતમાં થયેલા બાંધકામોને નિયમીત કરવાની કાર્યવાહી દિવસ ૧૫માં શરૂ કરી દેવાનો આદેશ કર્યો છે.
જિલ્લા કલેકટરના આદેશના પગલે પ્રાંત અને મામલતદારો દ્વારા સુચિત સોસાયટીઓની નવી અરજીઓ મંગાવવામાં આવશે અને ૧૫ દિવસની અંદર આ અરજી મંગાવી માપણી સહિતની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉની ઝુંબેશમાં ક્રાઈટ એરીયા બહારની ૧૨૦૦થી વધુ અરજીઓ પેન્ડીંગ હાલતમાં હતી. આ અરજીઓનો પણ ઘટતું કરી નિકાલ કરવામાં આવનાર છે.
જે સુચિત સોસાયટીઓનું બાંધકામ ૧-૧-૨૦૦૧ થી ૩૧-૪-૨૦૦૫ દરમિયાન થયું હોય તેઓએ જે તે પ્રાંત કે મામલતદારને પોતાનું સુચિત બાંધકામ રેગ્યુલાઈઝડ કરાવવા માટે અરજી કરવાની રહેશે. બાદમાં તંત્ર દ્વારા ૧૫ દિવસની અંદર માપણી સહિતની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.