૩૧મી મે એ ૧૦ ટકા વેરા વળતર યોજના પૂર્ણ: જૂન માસમાં ૫ ટકા વળતર મળશે
શહેરમાં વિકાસના સારથી એવા પ્રામાણિક કરદાતાઓએ એડવાન્સ ટેકસ પેટે એક માસમાં મહાપાલિકાની તિજોરીમાં રૂ.૫૦ કરોડથી વધુ ઠાલવી દીધા છે. હાલ કોર્પોરેશનમાં ચાલી રહેલી ૧૦ ટકા વેરા વળતર યોજના આગામી ૩૧મી મેના રોજ પૂર્ણ થઈ જશે ત્યારબાદ જૂન માસમાં એડવાન્સ ટેકસ ભરનારને વેરામાં માત્ર ૫ ટકા વળતર આપવામાં આવશે.
વેરા વળતર યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૯-૨૦નો એડવાન્સ ટેકસ ભરનાર કરદાતાને વેરામાં ૧૦ ટકા અને મહિલાના નામે નોંધાયેલી મિલકતમાં ૧૫ ટકા વળતર આપવામાં આવી રહ્યું છે. ગત ૯મી એપ્રીલથી આ યોજના શ‚ કરવામાં આવી છે. જે અંતર્ગત એક મહિનામાં ૧૧૨૦૩૧ કરદાતાઓએ ટેકસ ડિબેટ યોજનાનો લાભ લેતા મહાપાલિકાની તિજોરીમાં રૂ.૫૦.૪૪ કરોડ ઠાલવી દીધા છે.
૪૫૨૫૧ સ્માર્ટ કરદાતાઓએ ઘર બેઠા આંગણીના ટેરવે એટલે કે ઓનલાઈન વેરો ભરપાઈ કરી વધારાના વળતરનો લાભ લીધો છે. આગામી ૩૧મી મે સુધી એડવાન્સ ટેકસ ભરનારને વેરામાં અનુક્રમે ૧૦ અને ૧૫ ટકા જયારે ૧ થી ૩૦ જૂન સુધીમાં ટેકસ ભરનારને વેરામાં અનુક્રમે ૫ અને ૧૦ ટકા વળતર આપવામાં આવશે. ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં ટેકસ નહીં ભરનાર આસામી પાસેથી બાકી વેરા પર સાદુ ૧૮ ટકા લેખે વ્યાજ વસુલ કરવામાં આવશે.