મગફળી, તુવેર બાદ ખાતરનું કૌભાંડ! કૃષિ મંત્રી આર.સી.ફળદુએ આપ્યા તપાસના આદેશ, ખેતીવાડી અધિકારીએ પંચનામાની કાર્યવાહી શરૂ કરી
રાજકોટના બેડીમાં આવેલા કિશાન સુવિધા કેન્દ્રમાં ખેડૂતોને સબસીડી હેઠળ ખાતે પૂરું પાડવામાં આવે છે. આ ખાતરની થેલીનું વજન ઓછુ નીકળતા ખેડૂતો રોષે ભરાયા હોવાનું સામે આવ્યું છે. અધિકારીઓની સામે ખાતરની થેલીનું વજન કરતા ૭૮૦ ગ્રામ જેટલું ખાતર ઓછુ હોવાનું પ્રકાશમાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જો કે હાલ ખેતીવાડી અધિકારીએ પંચનામાની કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.
તાજેતરમાં મગફળી કૌભાંડે ભારે ચકચાર મચાવ્યો હતો. અનેક જગ્યાએ ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં ગોટાળા થયા હોવાના અહેવાલો પ્રસિધ્ધ થયા હતા. ત્યારબાદ તુવેર કૌભાંડ પણ સામે આવ્યું હતું. ત્યારે આજે આજ રીતે ખાતરનું કૌભાંડ સામે આવતા ખેડૂતો રોષે ભરાયા છે.
હાલ રાજકોટના બેડીમાં આવેલા કિશાન સુવિધા કેન્દ્ર ખાતે આજે અધિકારીઓની હાજરીમાં ખેડૂતો દ્વારા ખાતરના વજનની ખરાઈ કરવામાં આવી હતી. ખાતર ઉપર ૫૦.૧૨ કિલો ગ્રોસ વજન લખાયેલું હતું. તેમ છતાં ખાતરનું વજન ૪૯.૩૫ કિલો નોંધાયું હતું. આમ ખાતરમાં ૭૮૦ ગ્રામ વજન ઓછુ હોવાનું ધ્યાને આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા આ ખાતરની થેલી પર ૫૨૦ રૂપિયાની સબસીડી આપવામાં આવી છે. ખાતર જીએસએફસી દ્વારા પૂરું પાડવામાં આવશે ત્યારે અધિકારીઓએ આ અંગે જીએસએફસી પાસેથી જવાબ માંગશે કે કેમ તે જોવું રહ્યું.
ખેડૂતો સમક્ષ અધિકારીઓએ પણ ખાતરની થેલીનું વજન ૭૦૦ થી ૮૦૦ ગ્રામ ઓછુ હોવાનું નજરે નિહાળ્યા બાદ સ્વીકાર્યું હતું. ત્યારબાદ અધિકારીઓ દ્વારા પંચનામાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી હતી. હાલ ખેડૂતો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે. આ ખાતર કૌભાંડમાં સંડોવાયેલા તમામ સામે પગલા ભરવામાં આવે જેથી ખેડૂતો સાથે છેતરપિંડી કરતા શખ્સોને સબક મળે.