રાજકોટની શાળાઓમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો પરિણામને વધાવી લેતાં રાસની રમઝટ બોલાવી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે જાહેર કરાયેલા ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનાં પરીણામમાં રાજકોટનું પરીણામ મોખરે આવતાં રાજકોટમાં શાળાઓમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો પરીણામ વધાવી લેતા રાસની રમઝટ બોલાવી હતી.
ખાસ તો દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટનું પરિણામ ઝળહળતું આવ્યું છે જેને લઇને વિદ્યાર્થીઓનો ઉત્સાહ સાતમાં આસમાને પહોંચી ગયો છે.મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે ૮:૦૦ વાગ્યા આસપાસ રાજકોટની ધોળકિયા, મોદી, ક્રિષ્ના, ઓસમ પાઠક, ઉત્કર્ષ, ક્રિસ્ટલ, એસઓએસ સહિતની સ્કુલોમાં આજે વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી.
રાજકોટની મોટાભાગની સ્કુલોનું પરીણામ ૯૦ ટકા ઉપર આવ્યું છે. સમગ્ર રાજયમાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરીણામ ૭૧.૯૦ ટકા જેટલું આવ્યું છે જોકે રાજકોટ જ એકમાત્ર જિલ્લો છે કે જેનું પરીણામ રાજયભરમાં ૮૪.૪૭ ટકા સાથે અવ્વલ રહ્યું છે.
રાજકોટમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિનીએ બાજી મારી છે. વહેલી સવારે મોટાભાગની સ્કુલોમાં ૧૨માં ધોરણનાં વિદ્યાર્થીઓ આવી પહોંચ્યા હતા. ડી.જે.ના તાલે વિદ્યાર્થી, વાલી અને શિક્ષકોએ વાજતે-ગાજતે રેલી કાઢીને સ્કુલનાં પરીણામને વધાવી લીધું હતું.ગુજકેટમાં પણ રાજકોટનું પરીણામ શ્રેષ્ઠ રહ્યું છે. સમગ્ર રાજયની વાત કરવામાં આવે તો ગુજકેટમાં ૯૯ પીઆર મેળવનાર ૧૩૧૯ વિદ્યાર્થીઓ નોંધાયા છે.
ગુજકેટમાં ૧૩૧૯ વિદ્યાર્થીઓએ મેળવ્યા ૯૯ પર્સેન્ટાઈલ
નવા શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ માટે નવા અભ્યાસ વર્ષ માટેની ગુજકેટની પરીક્ષાનું પરીણામ બહાર પડયું છે. આ પરીક્ષામાં ગુજરાતનું કુલ ૧.૪૭ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં એ અને બી ગ્રુપમાં મળીને કુલ ૧૩૧૯ વિદ્યાર્થીઓને ૯૯ પીઆર મળ્યાં છે જેમાં ૯૯ પર્સેન્ટાઈલ મેળવનાર એ ગ્રુપમાં ૫૬૪ વિદ્યાર્થીઓ અને ૯૯ પર્સેન્ટાઈલ મેળવનાર બી ગ્રુપમાં ૭૫૫વિદ્યાર્થીઓ નોંધાયા છે.
ધોળકિયા સ્કુલની વણથંભી વિજયકુચ: બોર્ડ ફર્સ્ટ બે વિદ્યાર્થીઓ
માર્ચ-એપ્રિલ-૨૦૧૯માં લેવાયેલી બોર્ડ પરીક્ષાનાં પરીણામો માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ કાગડોળે રાહ જોઈ રહ્યા હતા ત્યારે આજે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરીણામ જાહેર થયું હતું. તે સાથે જ ગુજરાતની ધોળકિયા શાળા પોતાનાં બેસ્ટ પરીણામોથી વિજય પર્વની ઉજવણીમાં મોખરે રહી છે. આજે જાહેર થયેલા પરીણામમાં બી ગ્રુપમાં ૯૯.૯૯ પીઆર સાથે વડાવ્યા ગૌરવ બોર્ડ ફર્સ્ટ તેમજ એ ગ્રુપમાં ૯૯.૯૯ પીઆર સાથે રૂપાલા ધૈર્ય બોર્ડ ફર્સ્ટ બન્યા છે.
આજે પરીણામ જાહેર થતાં ધોળકિયા સ્કુલનાં પરીસરમાં સેંકડો બાળકો ઝુમી ઉઠયા હતા. મેનેજીંગ ટ્રસ્ટી જીતુભાઈ ધોળકિયા અને કૃષ્ણકાંતભાઈ ધોળકિયા ઉપસ્થિત રહીને વિદ્યાર્થી અને વાલીગણને મોં મીઠા કરાવ્યા હતા અને શાળા ઉપર રાખેલા વિશ્વાથી મળેલી સફળતાને બિરદાવી હતી અને આજે પરીણામ જાહેર થયા બાદ ધોળકિયા સ્કુલનાં મેનેજીંગ ટ્રસ્ટી જીતુભાઈ ધોળકિયા અને તેની સ્કુલનાં બોર્ડ ફર્સ્ટ આવેલા બે વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોએ અબતક મિડીયા હાઉસની મુલાકાત લીધી હતી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણીક બોર્ડ દ્વારા ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થઈ ચૂકયું છે. ત્યારે રાજકોટની ધોળકીયા સ્કુલમાં અભ્યાસ કરતા વડાવીયા ગૌરવનું ૯૯.૯૮ પીઆર સાથે પ્રથમ ક્રમાંક આવ્યો છે. દ્વિતિય ક્રમાંકે રૂપાલા ધૈર્ય ૯૯.૭૧ પીઆર અને ૯૯.૯૪ પીઆર સાથે પરમાર જૈનીલનો ત્રીજો ક્રમાંક આવ્યો છે. આ તકે શાળામાં રાસ, ગરબા રમીને હર્ષોલ્લાસ સાથે પરિણામની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત પ્રથમ, દ્વિતિય, તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને ફુલોનો હાર પહેરાવી મોઢુ મીઠુ કરાવીને શાળાના ટ્રસ્ટી તેમજ શિક્ષણગણ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
ડોકટર બનવાનું સ્વપ્ન સાકાર કરતા વડાવીયા ગૌરવ
ધો.૧૨ સાયન્સનાં પરીણામમાં ૯૯.૯૯ પીઆર મેળવનાર ધોળકિયા સ્કુલનાં વડાવીયા ગૌરવે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બે વર્ષ સુધી ટીવી અને મોબાઈલથી હું દુર રહ્યો છે. શાળાનાં કલાકો સિવાય દરરોજ ૬ થી ૮ કલાકથી મહેનત આજે રંગ લાવી છે. ગુજરાત બોર્ડનાં પાઠય પુસ્તકો તેમજ અભ્યાસ દરમિયાન કોઈપણ નાની નિષ્ફળતા મળે ત્યારે સાથે ફરી ચર્ચા કરી આત્મવિશ્વાસ કરી હું મહેનતમાં લાગી જતો. હંમેશા હું આગળનાં અભ્યાસ માટે તૈયાર રહેતો. ભવિષ્યમાં મારે ડોકટર બનવાની ઈચ્છા છે અને આજે મને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૯૯.૯૯ પીઆર મળ્યા છે જેનો જશ હું મારા માતા-પિતા અને શિક્ષકોને આપું છું. હું ભવિષ્યમાં ડોકટર બનીશ તેવો મને પુરો આત્મવિશ્વાસ છે.
કોમ્પ્યુટર એન્જિનીયર બનવાની ઈચ્છા: રૂપાલા ધૈર્ય
ધો.૧૨ સાયન્સમાં ૯૯.૯૯ પીઆર સાથે બોર્ડ ફર્સ્ટ આવેલા ધોળકિયા સ્કુલનાં રૂપાલા ધૈર્યએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નિયમિત રીતે ડિસ્કવરી ચેનલ જોવાની આદતે મને કોમ્પ્યુટર એન્જીનીયર બનવાની પ્રેરણા આપી છે. ધીરૂભાઈ અંબાણી ઈન્સ્ટીટયુટમાં કોમ્પ્યુટર આઈટીસી એન્જીનીયર બનવાનું સ્વપ્ન સેવ્યું છે. આ સાથે જ જુનિયર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા રૂપાલા ધૈર્યએ જણાવ્યું હતું કે, શાળામાં અભ્યાસ કરતી વખતે દરેક બાબતો એકાગ્રતાથી સમજવાની, લખવાની અને ઘરે જઈને રીવીઝન કરવાની જો ટેવ પાડશો તો તમામ વિદ્યાર્થીઓને ખુબ જ સારી સફળતા મળશે. મને આટલા માર્કસ મળ્યા હું આજે ખુબ જ ખુશ છું. હું ભવિષ્યમાં ચોકકસ કોમ્પ્યુટર એન્જીનીયરીંગ બનીશ.
વિદ્યાર્થીઓની કારકિર્દી બનાવવાં ધોળકિયા સ્કુલ હર હંમેશ કટીબઘ્ધ: જીતુભાઈ ધોળકિયા
આ તકે જીતુભાઈ ધોળકીયાએ અબતક જણાવ્યું હતુ કે અમારી શાળાનું ખૂબજ સુંદર પરિણામ આવતા આજે અમારા શાળા પરિવારમાં ખુશીનો માહોલ છવયો છે.પ્રથમ ત્રણ ક્રમાંકમાં આવતા અમારા વિદ્યાર્થીઓએ ખૂબજ મહેનત કરી હતી ઉપરાંત સમગ્ર સ્ટાફ તેમજ તેમના માતા પિતાની પણ મહેનત રહેલી છે. આવી જ રીતે હર વખતની જેમ આ વર્ષે પણ અમારી શાળાનું પરિણામ શ્રેષ્ઠ આવતા હું તમામ વિદ્યાર્થીઓને ખૂબજ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું.