મચ્છુ-૧ ડેમથી છોડાયેલુ પાણી ત્રંબા નજીક ત્રિવેણી સંગમથી આગળ પહોંચી ગયું: આજીમાં ૪૦૦ એમસીએફટી જયારે ન્યારીમાં ૧૦૦ એમસીએફટી પાણી ઠાલવાશે
રાજકોટવાસીઓએ ૩૧મી જુલાઈ સુધી પાણી પ્રશ્ર્ને કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જ‚ર નથી તેવી પાણીદાર ખાતરી બે દિવસ પૂર્વે જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આપી હતી. દરમિયાન શહેરીજનોને કાળઝાળ ઉનાળામાં પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે સૌની યોજના અંતર્ગત શહેરના બે મુખ્ય જળાશય આજી અને ન્યારીમાં નર્મદાના નીર ઠાલવવાનું નકકી કરવામાં આવ્યું છે. આજે મોડી રાત સુધીમાં આજી ડેમમાં જયારે આવતીકાલ સાંજ સુધીમાં ન્યારી ડેમમાં નર્મદાનું પાણી આવી પહોંચશે તેવું સિંચાઈ વિભાગના સૂત્રો જણાવી રહ્યાં છે.
રાજકોટવાસીઓને ચોમાસા સુધી પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે આજી ડેમમાં સૌની યોજના અંતર્ગત વધુ ૪૦૦ એમસીએફટી અને ન્યારી ડેમમાં ૨૦૦ એમસીએફટી નર્મદાનું પાણી ઠાલવવા મહાપાલિકા દ્વારા રાજય સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. ગત શનિવારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજયની તમામ આઠેય મહાપાલિકલાના પદાધિકારીઓ અને કમિશનર સાથે પાણી સમીક્ષા માટે બેઠક યોજી હતી અને રાજકોટને પાણી પ્રશ્ર્ને ચિંતા ન કરવાની ખાતરી આપી હતી.
દરમિયાન સુરેન્દ્રનગર નજીક આવેલ ધોળી ધજા ડેમ ખાતેથી એક પમ્પ દ્વારા પમ્પીંગ શ‚ કરવામાં આવ્યું હતું. ગઈકાલે રાત્રે મોરબી નજીક મચ્છુ-૧ ડેમથી નર્મદાના પાણી આજી તરફ રવાના કરવામાં આવ્યા હતા. મચ્છુ-૧થી ત્રંબા નજીક ત્રિવેણી સંગમ સુધી ૩૧ કિ.મી. પાઈપ લાઈનનું અંતર કાપી આજે સવારે નર્મદાના નીર ત્રંબા પાસે આવી પહોંચ્યા હતા.
પાણીની કટોકટીના દિવસોમાં વધુ પાણી ન વેડફાય તે માટે નદીના વહેણમાં પાણી છોડવાના બદલે આજી નદી નજીક આવેલા પમ્પીંગ સ્ટેશન સુધી પાઈપ લાઈન મારફત નર્મદાનું પાણી પહોંચાડી દેવામાં આવ્યું છે અને આ પાણી આજી ડેમ તરફ વોકળા માર્ગે રવાના કરી દેવામાં આવ્યું છે.હાલ બે પમ્પ દ્વારા પમ્પીંગ કરવામાં આવી રહ્યું છે. સાંજે ત્રીજો પંપ પણ શ‚ કરી દેવામાં આવશે એટલે આજે રાત સુધીમાં ફરી એકવખત સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવાનું શ‚ થઈ જશે.
હાલ આજી ડેમ ૧૭.૪૦ ફૂટ ભરેલો છે અને ડેમમાં ૩૨૫ એમસીએફટી પાણી ભરેલ છે. સૌની યોજના અંતર્ગત વધુ ૪૦૦ એમસીએફટી નર્મદાનું પાણી ઠલવાશે જેનાથી ભાદર ડુકયા બાદ પણ રાજકોટવાસીઓને ચોમાસા સુધી નિયમીત ૨૦ મીનીટ પાણી મળતુ રહેશે. બીજી તરફ મચ્છુ-૧ ડેમ ન્યારી ડેમ તરફ પણ પાણી રવાના કરવામાં આવ્યું હોવાનું સિંચાઈ વિભાગના સૂત્રો જણાવી રહ્યાં છે. મચ્છુથી રાવકી અને પાળ ગામ નજીક આવેલી નદીમાં પાઈપ લાઈન દ્વારા નર્મદાનું પાણી ઠાલવવામાં આવશે અને આ પાણી નદીના વહેણમાં છોડવા બાદ ન્યારી ડેમમાં પહોંચશે. સંભવત: કાલે સાંજે અથવા મોડી રાત સુધીમાં ન્યારી ડેમમાં પણ નર્મદા મૈયાની પાવનકારી પધરામણી થઈ જશે.
મહાપાલિકા દ્વારા ન્યારી ડેમમાં ૨૦૦ એમસીએફટી નર્મદાનું પાણી ઠાલવવાની માંગણી કરવામાં આવી છે પરંતુ હાલ સરકાર દ્વારા હાલ ૧૦૦ એમસીએફટી નર્મદાનું પાણી ઠાલવવામાં આવશે અને ભવિષ્યમાં જ‚ર પડશે વધુ ૧૦૦ એમસીએફટી પાણી ઠાલવવાની બાહેધરી આપવામાં આવી છે.