પાણી પુરવઠા વિભાગના કેબીનેટ મંત્રીના વતન જસદણ-વિંછીયામાં જ પાણીના ધાંધીયા હોવાના કોંગ્રેસના આક્ષેપ બાદ કુંવરજીભાઈ બાવળીયાએ આપી પ્રતિક્રિયા
પાણી પુરવઠા વિભાગના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના વતન જસદણ-વિંછીયા પંથકમાં જ પાણીના ધાંધીયા હોવાના કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યા હતા જેની સામે પ્રતિક્રિયા આપતા કુંવરજીભાઈ બાવળીયાએ કહ્યું કે, જસદણમાં માત્ર ૨ થી ૩ જ વધ્યા-ઘટયા કોંગ્રેસીયાઓ છે જેઓ ખોટા પ્રશ્ર્નો ઉભા કરી રહ્યાં છે. હાલ જયાં કયાંય નાના પ્રશ્ર્નો છે ત્યાં સ્થાનિક તંત્રને ઘટતુ કરવાની સુચના પણ આપી દેવામાં આવી છે.
પાણી પુરવઠા વિભાગના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું કે, કચ્છ-સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં પાણીની મુશ્કેલી ન થાય તે માટે તંત્રને જરૂરી સુચનાઓ આપવામાં આવી છે. જિલ્લા પ્રભારીઓએ તમામ જિલ્લાઓનો પ્રવાસ ખેડીને પરિસ્થિતિઓનો તાગ મેળવ્યો છે.
જયાં જયાં પાણીની સમસ્યા છે ત્યાં બોર અને હેન્ડપંપ નાખવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. પાણી અંગેની જેવી ફરિયાદો મળે છે ત્યારે તુરંત જ જ‚રી સુચનાઓ આપી દેવામાં આવે છે. હાલ જસદણમાં બે થી ૩ વધ્યા-ઘટયા કોંગ્રેસીયાઓ છે જેઓ ખોટા પ્રશ્ર્ન ઉભા કરી રહ્યાં છે. હાલ જસદણમાં વોર્ડ વાઈઝ ત્રીજા કે ચોથા દિવસે પાણી અપાય છે.
જયાં કયાંય છેવાડાના ગામડાઓમાં પાણીના નાના એવા પ્રશ્નછે તો આવા પ્રશ્ર્નોની જવાબદારી પાલીકા કે ગ્રામ પંચાયતની હોય છે પાણી પુરવઠા બોર્ડની જવાબદારી સંપ સુધી પાણી પહોંચાડવાની હોય છે. હાલ જસદણ અને વિંછીયા પંથકમાં પાણીનું સ્ટોરેજ પુરતા પ્રમાણમાં છે ઉપરાંત આ સ્ટોરેજ વધારવા જરૂરી સુચનાઓ આપી દેવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, જસદણના સ્થાનિક કોંગ્રેસના આગેવાનો પાણી પ્રશ્ર્ને તંત્રને રજૂઆતો કરી રહ્યાં છે. ત્યારે જસદણના વતની એવા પાણી પુરવઠા વિભાગના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આ પ્રશ્નને નકારી કાઢયો છે.