પતિએ ફ્રીઝ પર મુકેલો મોબાઈલ ફોન લાવતી વખતે પત્નીના હાથમાંથી પડી જતાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીને કેરોસીન છાંટી દિવાસળી ચાપી: ગંભીર

ભુજની ભાગોળે આવેલાં ભારાપર ગામે આજે સવારે ૮ વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. આગથી ગંભીર રીતે દાઝી ગયેલી ૨૪ વર્ષની પરિણીતાએ આપેલા નિવેદનના આધારે માનકૂવા પોલીસે પતિ વિરુધ્ધ હત્યાની ફરિયાદ નોંધી છે. ૧૦૮ મારફતે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલના બર્ન્સ વોર્ડમાં ખસેડાયેલી શરીફાબાઈ કુંભારે હોસ્પિટલના બિછાનેથી પોલીસને જણાવ્યું કે તેના લગ્ન ૩ વર્ષ અગાઉ આમદ ઓસમાણ કુંભાર સાથે થયાં હતા.

પતિ  (છોટા હાથી) ચલાવે છે. બે વર્ષથી પતિ-પત્ની સ્વતંત્ર રીતે ભારાપર ગામે મફનગરમાં તૈયબા મસ્જિદ પાસે રહે છે. સંતાનમાં બે વર્ષની પુત્રી આલિયા છે. ૩ વર્ષના લગ્નજીવન દરમિયાન પતિ આમદ અનેકવાર તેની સાથે વાતે અને ઘરના કામકાજ બાબતે મારકૂટ કરી માનસિક શારીરિક ત્રાસ આપતો રહ્યો છે. આમદે પત્નીને ઘરના ફ્રીજ પર મુકેલો મોબાઈલ ફોન આપવા જણાવ્યું હતું. શરીફાબાઈ ફોન લઈ પતિને આપવા જતી હતી.

તે સમયે અચાનક તે તેના હાથમાંથી પડી જતાં સ્વિચ ઑફ્ થઈ ગયો હતો. આટલી નજીવી બાબતે આમદ ઉશ્કેરાઈ ગયો હતો અને પત્નીને તું મને હવે જોઈતી જ નથી. આ ઘરમાંથી ચાલી જા… તેમ કહી માર મારવા માંડ્યો હતો. પતિની મારકૂટ વખતે શરીફાબાઈએ હું છોકરી સાથે ક્યાં જઉં? તેમ કહેતાં જ તે વધુ ઉશ્કેરાયો હતો અને ઘરમાં પડેલો કેરોસીનનો કેરબો લાવી પત્ની પર કેરોસીન છાંટી દઈ દિવાસળી પેટાવી ચાંપી દીધી હતી.

પત્ની આગમાં લપેટાતાં જ આમદ ઘર બહાર નાસી ગયો હતો. શરીફાની બુમાબુમ સાંભળી નજીકમાં રહેતી તેની જેઠાણી અને પડોશીઓ એકઠાં થઈ ગયાં હતા અને આગ ઓલવી દીધી હતી.અત્યંત ગંભીર રીતે દાઝી ગયેલી શરીફાબાઈને ૧૦૮ મારફતે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાઈ છે. જ્યાં તે જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે. પોલીસે આરોપી પતિને રાઉન્ડ અપ કરી  લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.