કર્મચારીઓ કામ ન કરતા હોવાથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બાંધકામના અનેક કામો અટકી પડ્યા: કરોડો રૂપિયાના મંજૂર થયેલા કામો ઠપ્પ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાંધકામ વિભાગમાં કામ કરતા ૧૭ કરારી કર્મચારીઓ સામે યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ લાલ આંખ કરી છે. બાંધકામ વિભાગમાં કામ કરતા ૧૭ જેટલા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કામચોરી કરતા હોય તેવું બહાર આવ્યું છે જેના લીધે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બાંધકામના અનેક કામો અટકી પડ્યા છે છતાં આ ૧૭ જેટલા કર્મચારીઓએ હજુ કામચોરી બંધ કરી નથી.મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાંધકામ વિભાગમાં કામ કરતા ૧૭ જેટલા કરારી કર્મચારી ફક્ત ને ફક્ત યુનિવર્સિટીમાં આરામ કરવા જ આવતા હોય તેવું લાગે છે. આ ૧૭ જેટલા કર્મચારીઓ દ્વારા છેલ્લા ૬ માસમાં એક પણ બાંધકામ ન થયું હોય તેવું જાણવા મળ્યું છે.
યુનિવર્સિટીમાં ટ્રાન્જીટ હાઉસનું પણ કામ મંદ ગતીએ થઈ રહ્યું છે બીજી તરફ થોડા સમય પહેલા જ હજુ સીસીડીસીની લાઈબ્રેરીનું કામ પણ ધીમી ધારે થયું છે. આ ઉપરાંત વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લાં ૬ માસમાં કરોડોના કામકાજ ઠપ્પ થયા છે. છતાં યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કોઈ એકશન લેવામાં આવી ન હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાંધકામ વિભાગમાં કામ કરતા કરારી ૧૭ કર્મચારીઓમાં યુનિવર્સિટી ઈજનેર કાયમી કર્મચારી એ.સી.દવે, અન્ય ૧૬ જેટલા પ્લેસમેન્ટ કર્મચારીઓમાં વી.એચ.ડાંગસિયા, એમ.બી.જાદવ, નિલેશ બરોચિયા, અનીરૂઘ્ધસિંહ વાઘેલા, કિશનસિંહ હિરપરા, મંદીપસિંહ વાઘેલા, હાર્દિક માદળીયા, સી.બી.ગુજરાતી, સપનાબેન ગજ્જર, ચેતનાબેન ચૌહાણ, પરેશ ગોસ્વામી, પ્રવીણ શાહ, એમ.આઈ.બેલીમ, યશરાજ ઝાલા અને જગતસિંહ ગોહિલ આ તમામનો ૧ માસનો પગાર ૩ લાખ ૬૪ હજાર જેટલો થાય છે અને વાર્ષિક પગાર ૪૧ લાખ જેટલો થાય છે. આટલો પગાર યુનિવર્સિટી દ્વારા ચૂકવવા છતાં પણ ઝડપી કામો થતા નથી તેની સામે તાત્કાલીક પગલાં લેવા માંગ ઉઠી છે.
જરૂરિયાત કરતા વધારાના કર્મચારીને છૂટા કરી દેવાશે: દેસાણી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ૬ માસથી કરોડોના મંજુર થયેલા કામો કર્મચારીઓની કામચોરીના હિસાબે ઠપ્પ થયા છે આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાંધકામ વિભાગમાં ૧૭ જેટલા કર્મચારીઓ કામ કરે છે આ તમામના કામનો રિપોર્ટ મંગાવ્યો છે રિપોર્ટ આવ્યા બાદ જે પણ કર્મચારી કામચોરી કરતો જણાશે કે જેની જરૂરિયાત નહીં હોય તેને છુટા કરી દેવામાં આવશે જેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને વધારનો આર્થિક બોજો ના આવે.