વડાપ્રધાને ગુજરાતમાં ખુલ્લી જીપમાં જઈને મતદાન કર્યું, વિપક્ષે તેને રોડ શો ગણાવીને આચારસંહિતા ભંગની ફરિયાદ કરી ‘તી
લોકસભા ચૂંટણી દરમિયાન વિપક્ષે અનેક વખત વડાપ્રધાન મોદી વિરૂદ્ધ આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદ કરી છે. પરંતુ દર વખતે ચૂંટણી પંચ તરફથી પીએમ મોદીને ક્લિન ચીટ મળી છે. ત્યારે આજે મંગળવારે વડાપ્રધાનને આઠમી અને નવમી ફરિયાદમાં પણ ક્લિન ચીટ મળી ગઈ છે. તેમાં એક ફરિયાદ ૨૩ એપ્રિલે અમદાવાદમાં કથિત રોડ શો વિશે હતી અને બીજી ફરિયાદ કર્ણાટકના ચિત્રદુર્ગમાં એક ભાષણનો કેસ હતો.
૨૩ એપ્રિલે વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં મતદાન કર્યું હતું. તેઓ મતદાન કરવા ખુલી જીપમાં ગયા હતા. તે વિશે જ વિપક્ષે ફરિયાદ કરી હતી કે આ એક રોડ શો સમાન છે અને તેમણે આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. જે વિશે હવે ચૂંટણી પંચ તરફથી પીએમ મોદીને ક્લિન ચીટ આપવામાં આવી છે. આ સિવાય કર્ણાટકના ચિત્રદુર્ગમાં આપવામાં આવેલા ભાષણમાં પણ વડાપ્રધાનને ક્લિન ચીટ મળી છે. આ ભાષણમાં વડાપ્રધાને મતદારોને અપીલ કરી હતી કે તેઓ બાલાકોટ હવાઈ હુમલાના નાયકોને સમર્પિત કરવા માટે મતદાન કરે.
પીએમના આ નિવેદન વિશે વિપક્ષે સેનાના નામ પર મતદાનનો આરોપ લગાવ્યો હતો. આ વિશે પણ હવે ચૂંટણી પંચ તરફથી ક્લિન ચીટ આપવામાં આવી છે.
આ પહેલાં વડાપ્રધાનને આચારસંહિતાના ભંગ મામલે સાત વખત ચૂંટણી પંચમાંથી ક્લિન ચીટ મળી ચૂકી છે. જે વિશે કોંગ્રેસે ઘણાં સવાલ કર્યા છે. કોંગ્રેસે ચૂંટણી પંચ સામે પક્ષપાતનો પણ આરોપ લગાવ્યો છે અને તેઓ આ મામલે સુપ્રીમ કોર્ટ પણ પહોંચ્યા છે. કોંગ્રેસ નેતા સુષ્મિતા દેવે સુપ્રીમ કોર્ટમાં પીએમ મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ પર આચારસંહિતાના ઉલ્લંઘનનો આરોપ લગાવીને અરજી દાખલ કરી હતી. કોંગ્રેસની માંગણી હતી કે, કોર્ટ ચૂંટણી પંચને પીએમ શાહ સામે એક્શન લેવાનો આદેશ આપે.
કોંગ્રેસ તરફથી તાજેતરમાં જ પીએ મોદી સામે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી વિશે કરવામાં આવેલી ટીપ્પણી પર ફરિયાદ કરવામાં આવી છે. પીએમ મોદીએ રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી નંબર-૧ ગણાવ્યા હતા અને તેના કારણે કોંગ્રેસના નેતાઓ ખૂબ ગુસ્સામાં છે.