ખોટા સાટાખતને આધારે ગોંડલની કોર્ટમાં દાવો કરી ખેડૂત પાસે રૂ.૨ કરોડની માંગ
લોધીકા તાલુકાનાં પાળ ગામની કરોડોની જમીનનાં બોગસ દસ્તાવેજોના આધારે સાટાખત ઉભુ કરી જેના આધારે ગોંડલની અદાલતમાં દાવો દાખલ કરી રૂા.૨ કરોડની માંગ કરનાર કૌભાંડ કારો સામે રાજકોટ ક્રાઈમ બ્રાંચમાં ૩ શખ્સો સામે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં ત્રિપુટીની ધરપકડ કરી.
પોલીસ પ્રાપ્ત વિગત મુજબ લોધીકા તાલુકાનાં પાળ ગામે રહેતા ચકુભાઈ મંજીભાઈ મેનપરા નામના વૃઘ્ધ ખેડુતે રાજકોટ ક્રાંઈમ બ્રાંચમાં ઢેબર રોડ પર આવેલા હસનવાડીમાં રહેતો સંજય કિશન ધોળકીયા, રામેશ્વર ૨ માં રહેતો જયદીપ સુરેશ પરમાર અને નામચીન અજય રાયધન બોરીચાએ જમીન હડપ કરવા બોગસ દસ્તાવેજોના આધારે સાટાખત ઉભુ કરી જેના આધારે દાવો દાખલ કરી રૂપિયાની માંગ કર્યાની ફરીયાદમાં જણાવ્યું છે.
ફરીયાદમાં નોંધાવ્યા પ્રમાણે સંજય ધોળકીયા અને જયદીપ પરમારે તેમજ અજય બોરીચા સાથે મળી ખેડુત ચકુભાઈ મેનપરાનુ ચુંટણી કાર્ડ તેમજ ફોટો મેળવી જેના આધારે બોગસ સાટાખત તૈયાર કરી ખેડુત ચકુભાઈ મેનપરાની અંગુઠાની જગ્યાએ અન્ય કોઈ શખ્સ બોગસ અંગુઠો ઉપજાવી ખોટુ સાટાખત તૈયાર કરી જેનો ખરા તરીકે ઉપયોગ કરી લોધીકા મામલતદાર કચેરીમાં વાંધા અરજી જોડી અને ગોંડલની સીવિલ કોર્ટમાં દાવો કરી અને વૃઘ્ધ ખેડુત ચકુભાઈને કહયુ સાટાખત રદ કરવુ હોય તો રૂ.૨ કરોડ આપવા પડશે.
નહીંતર જમીનમાં પગ મુકતા નહીં. તેવી ધીમકી આપી હતી. અને ગુનામાં એકબીજાને મદદગારી કર્યાનુ ફરીયાદમાં જણાવ્યુ હતુ. પોલીસે ત્રણેક કૌભાંડકારો સામે કાવત્રુ અને ઠગાઈ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી એસઓજીનાં પી.આઈ. આર.વાય.રાવલ સહિતના સ્ટાફ દ્વારા ગણતરીના કલાકોમાં ત્રણેયને ઉઠાવી લીધા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જેના નામનું બોગસ સાટાખત ઉભુ કરવામાં આવ્યું છે તે બન્ને શખ્સો મજૂરી કામ કરે છે. ત્યારે ‚રૂ.૫૦ લાખ આવ્યા કયાંથી તે તપાસનો વિષય છે. તેમજ મુખ્ય સુત્રધાર અજય બોરીચા સામે હત્યા, મારામારી અને ખંડણી સહિતના અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. તેમજ સાટાખતમાં નોટરીમાં સહી સિક્કા છે તે વ્યક્તિ હયાત પણ નથી તો આ સાટાખત ઉભુ કરનાર ભેજાબાજ શખ્સ કોણ છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.