સામુહિક પ્રહારનો ઉપાય જ કારગત નીવડવાનો પ્રબુઘ્ધોનો મત
વૈશ્ર્વિક કટોકટી, બિહામણી આર્થિક કટોકટી, ગોઝારી મોંધવારી, રાક્ષસી ભ્રષ્ટાચાર, ચૂંટણી લક્ષી અને રાજગાદી લક્ષી રાજકારણ તેમજ સામાજીક, આર્થિક, શૈક્ષણિક, વૈચારિક ગરીબાઇ આપણાં દેશની પાયાની સમસ્યાઓ છે. આપણા દેશના રાજકર્તાઓ અને રાજપુરૂષો આ વાત નહિ જાણતા હોય એમ કહી શકાય નહિ! ખરી વાત તો એ છે કે, એમને નિજી સ્વાર્થ પોષવામાંથી નવરાશ હોય એમ કહી શકાય નહિ! ખરી વાત તો એ છે કે, એમને નિજી સ્વાર્થ પોષવામાંથી નવરાશ નથી તથા પ્રજાની આવી સમસ્યાઓ વિષે એમને કશી જ ચિંતા નથી.
અભ્યાસીઓએ આનાં વિષે એવો ધોખો કર્યો છે કે, આપણા દેશને આઝાદ થયે ૭૧ વર્ષ પૂરાં થશે. સ્વાધીનતા મેળવવામાં અનેક મહાન આત્માઓએ લૌકિક કે અલૌકિક, દ્રશ્ય કે અદ્રશ્ય રુપે પોતાના જીવનની આહુતિ આપવી પડી હતી. ત્યારે જ આપણને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. સ્વાધીનતા મેળવવાનો માર્ગ અનેક પડકારોથી ભરેલો હતો. તો સ્વાધીનતા મેળવ્યા પછીનો માર્ગ પણ સરળ નથી. સ્વાધીન ભારતમાં અનેક ઐતિહાસિક પરિવર્તનો થયાં છે, તેમ છતાં આજે આપણી સામે અનેક પડકારો મોં ફાડીને ઉભા છે. જો સમયસર તેમનું સમાધાન શોધવામાં નહિ આવે તો તે આવનારી પેઢીઓ માટે અનેક મુશ્કેલીઓ પેદા કરશે તથા દેશની વિકાસયાત્રામાં મોટા અવરોધો ઉભા કરશે.
આજે ભારતના વિકાસના માર્ગમાં ગરીબી એક ગંભીર સમસ્યા તથા પડકાર બનીને ઉભી છે. એમ છતાં ભારત દુનિયાની એક ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. ગયા દસકામાં ભારતનો વિકાસદર ૬ થી ૭ ટકા જેટલો રહ્યો છે. તો બીજી બાજુ ભારત દુનિયાના ગરીબ દેશોમાં ગણાય છે.
દુનિયાના ગરીબ લોકોમાંના ૨૦.૬ ટકા લોકો ભારતમાં રહે છે. બીજા શબ્દોમાં કહીએ તો દુનિયાનો દરેક પાંચમો ગરીબ માણસ ભારતનો નાગરકી છે. ગરીબીની આ વ્યાખ્યાન મૂળભૂત માનવીય જરુરીયાતોને ઘ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. તે વ્યાખ્યાના આધારે આટલા ગરીબ લોકો ભારતમાં રહે છે. આનો અર્થ એ છે કે આટલા બધા લોકો મૂળભૂત જરુરીયાતોથી વંચિત છે.
ભારત સરકાર દ્વારા આ ગરીબીને જાણવા માટે જુદા જુદા પ્રકારની સમીતીઓ બનાવવામાં આવી હતી. તેમના તારણો પણ જુદા જુદા આવ્યાં. રાજનૈતિક અસ્થિરતાના કારણે તેમની મોટાભાગની ભલામણોને આજ સુધી લાગુ કરી શકાઇ નથી. આ બાબતમાં સુરેશ તેંદુલકરસમીતી દ્વારા સૌપ્રથમ ગંભીરતાપૂર્વક પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તેના અનુસાર વર્ષ ૨૦૦૯-૧૦માં ભારતની ૨૯.૬ ટકા વસ્તી તથા વર્ષ ૨૦૧૧-૧૨ માં ભારતની ૨૧.૯ ટકા વસ્તી ગરીબી રેખા નીચે જીવતી હતી.
એ જ વર્ષોમાં રંગરાજન સમીતીએ કરેલા સર્વેમાં ૩૮.૨ ટકા વસ્તીને ગરીબી રેખા નીચે જીવતી બતાવી હતી. આ જુદા જુદા આંકડાઓના કારણે એક ચોકકસ રણનીતી બની શકી નથી. એનું બીજું કારણ એ છે કે જુદી જુદી સમીતીઓએ ગરીબીની વ્યાખ્યા પણ જુદી જુદી કરી છે. એના કારણે તે સમીતીઓ મૂળ મુદ્દા પહોંચી શકી નહી અને માત્ર ગરીબીની વ્યાખ્યાન કરવામાં જ તેમની મોટાભાગની શકિત વેડફાઇ જાય છે.
ગરીબીની ગમે તે રીતે વ્યાખ્યા કરવામાં આવે તો પણ બધા વિશેષજ્ઞો એ બાબતમાં સંમત છે કે ગુલામીના સમયમાં ભારતમાં સૌથી વધારે ગરીબી હતી, અંગ્રેજ સરકારે ધીરે ધીરે ભારતના ઉદ્યોગધંધા, હસ્તકળા વગેરેને ખતમ કરી નાખ્યા, સાથે સાથે ભારતની ખેતીલાયક જમીનને પણ તેમના પોતાના સ્વાર્થ માટે હડપ કરી લીધી હતી. એના લીધે ભારતની ખેતપેદાશોમાં પણ ઘટાડો થતો ગયો.
અંગ્રેજોએ ગંગાકિનારાની તમામ સિંચાઇ યોગ્ય જમીન, જેમાં સમગ્ર ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ તથા પશ્ર્ચિમ બંગળાના ગંગાતટીય પ્રદેશનો સમાવેશ થતો હતો તે બધામાં અફીણની ખેતી કરાવવા માંડી તે બધું જ અફીણ ચીનથી માંડીને દક્ષિણપૂર્ણ એશિયામાં મોકલવામાં આવતું હતું. તેના દ્વારા ઇસ્ટ ઇન્ડિયા કંપનીને તગડી આવક થતી હતી.
સન ૧૮૫૦ થી એ કામ શરુ કરવામાં આવ્યું હતું. સન ૧૯૦૦ સુધીમાં ભારતની લગભગ ૫ લાખ એકર ખેતીની જમીનમાં અફીણની ખેથી થવા માંડી હતી. એના કારણે અન્નના ઉત્પાદન પર માઠી અસર થઇ સમૃઘ્ધ ખેડુતો ગરીબી અને ભૂખમરાનો શિકાર થવા માંડયા, લગભગ ૭૫ ટકા ખેડુતો પાયમાલ થઇ ગયા હતા.
આ સંસ્થાનવાદી નીતીનું ખરાબ પરિણામ એ આવ્યું કે ભારતના મહેનતુ લોકો બેરોજગાર થઇ ગયા અને તેઓ અફીણની ખેતીના કામમાં લાગી ગયા. એના પરિણામે અકુશળ મજૂરોની ફોજ ઉભી થવા લાગી. લોકો ભૂખે મરી રહ્યા હતા. અને અંગ્રેજ સરકાર ચૂપચાપ તે જોતી રહી. બંગાળમાં દુકાળ પડયો ત્યારે અંગ્રેજ સરકારની ખોટી નીતીઓના કારણે લાખો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા. જે અન્ન પાકતું તે અંગ્રેજો પોતાના માટે રાખી મૂકતા. અંગ્રેજ સરકારે પોતે તૈયાર કરાવેલા લેન્સેટ રિપોર્ટ અનુસાર સન ૧૮૯૬ થી ૧૯૦૦ ની વચ્ચે મઘ્યભારતમાં લગભગ ૧.૯ કરોડ લોકો ગરીબી તથા ભૂખમરાના કારણે મરી ગયા હતા.
સ્વતંત્રતા મળ્યા પછી આ સ્થિતિમાં સુધારો થયો છે એમ છતાં ભારતની અર્થવ્યવસ્થા માટે ગરીબી એક પડકારના રુપમાં ઊભી છે. આજે આ ગરીબીના કારણો જુદા જુદા છે. એમાંનું એક મુખ્ય કારણ ગામડામાં રોજગારના અભાવે લોકો શહેરો તરફ ભાગી રહ્યા છે તે પણ છે. આ જ કારણે શહેરી વસ્તીના લગભગ આઠ કરોડ લોકો આજે ગરીબી રેખાની નીચે જીવી રહ્યા છે.
જેલોકો ગામડામાંથી શહેરોમાં આવે છે તેમને બેંકમાંથી લોન મળતી નથી. તેઓ સ્થાયી નિવાસી ન હોવાના કારણે બેંકમાં ખાતું ખોલાવી શકતા નથી. એક સંશોધન પ્રમાણે એમાંના લગભગ પ૧ ટકા લોકો મજુરી કે બીજું છુટક કામકાજ કરુે છે. તેથી તેઓ દેશની અર્થવ્યવસ્થા કોઇ કાયમી ફાળો આપી શકતા નથી. એમનો પોતાનો યોગ્ય આર્થિક વિકાસ પણ થઇ શકતો નથી. અહીં બીજી ઘ્યાન આપવા યોગ્ય બાબત એ છે કે મોટા ભાગના મજુર મુળ તો ખેડુત હોય છે. તેઓ પોતાનાં ખેતરોમાં પાક વાવીને મજુરી કરવા માટે બીજા પ્રદેશોમાં જતા રહે છે એના લીધે તેમના ખેતઉત્પાદન પર પણ માઠી અસર થાય છે.
ગામડાઓમાં સારી રીતે ખેતી ન થઇ શકવી એ પણ ગરીબીનું એક મુખ્ય કારણ છે. ભારતની ૬૦ ટકા અર્થવ્યવસ્થા ખેતી પર આધારીત છે. પરંતુ મોટાભાગના ખેડુતો પાસે એ માટે જરુરી શિક્ષણ, ખેતીની આધુનિક રીતો, સિંચાઇની વ્યવસ્થા, સારી જાતનું બિયારણ વગેરે ન હોવાના કારણે ખેત ઉત્પાદન સારી રીતે થઇ શકતું નથી. ઘણીવાર પાકનું યોગ્ય મૂલ્ય પણ તેમને મળતું નથી. બીજી બાજુ નિરંતર નવા આવાસો, કારખાનાં, ઉઘોગો, શહેરીકરણ વગેરેના કારણે ખેતી યોગ્ય જમીન ઘટતી જાય છે.
એક બાજુ ખેડુતોની સંખ્યા ઘટતી જાય છે, તો બીજી બાજુ ભારતની વસ્તે આડેધડ વધી રહી છે અમીરો તથા ગરીબો વચ્ચેની ખાઇ વધી રહી છે. એક બાજુ લોકો પાણીની જેમ પૈસા ખર્ચે છે, તો બીજી બાજુ એક મોટો વર્ગ બે ટંકનું ખાવાનું પણ મેળવી શકતો નથી. આ બધા ઉપરાંત ભારતમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. લોકો પાસે કાળુ ધન વધતું જાય છે. એના પરિણામે ગરીબ લોકો વધારે ગરીબ બનીરહ્યા છે.
ગરીબીની આ વિષમ સમસ્યાના કારણે ભયંકર પરિણામો પેદા થઇ રહ્યા છે અને આપણી સામાજીક વ્યવસ્થા નબળી પડતી જાય છે. નિરક્ષરતા, બાળમજુરી, ભૂખમરો, બેકારી વગેરે વધી રહ્યાં છે. વસ્તીવધારાને જો રોકવામાં આવે તો ભારતનો વિકાસ ચરમ સીમાએ બહુ ઝડપથી પહોંચી શકે. ગરીબીને દુર કરવાના અનેક માર્ગ છે. પરંતુ એમાંના મોટાભાગના નીતી વિષયક હોવાના કારણે એ તરફ પુરતુ ઘ્યાન આપવામાં આવતું નથી. ગાયત્રી પરિવારે આ માટે બને તેટલા પ્રયાસ કરવા જોઇએ.
ઘણાં વર્ષો પહેલા ગરીબીની સમસ્યા તરફ બધાનું ઘ્યાન ખેંચવા માટે ગુરુદેવ ગામ જાગશે તો દેશ જાગશે જેવું સૂત્ર આપ્યું હતું. પરમ પૂજય
ગુરુદેવે કહ્યું હતું કે ભારતની મોટા ભાગની વસ્તી ગામડામાં વસે છે. તેથી ગામડાંઓની ગરીબીને દુર કર્યા વગર સમુન્નત ભારતની કલ્પના થઇ શકે નહિ. પુજય ગુરુદેવનું માનવું છે કે જો ભારતમાંથી ગરીબીને નષ્ટ કરવી હોય તો ગામડાઓનો વિકાસ કરી તેમને સમૃઘ્ધ બનાવવા પડશે તો જ રાષ્ટ્ર સમૃઘ્ધ બની શકશે.
પરંતુ એનો સારાંશ તો એ જ છે કે, આપણા દેશમાં સહુ કોઇએ અને આખા દેશે શ્રમ-ઉદ્યમ કરીને સ્વાવલંબી અને આત્મનિર્ભર બનવાની ટેવ પાડવી જોઇએ અને આપણો દેશ સામાજીક, આર્થિક, શૈક્ષણિક તથા વૈચારિક ગરીબાઇની સમસ્યા હલ કરવા એના ઉપર સામુહિક પ્રકારનો ઉપાય હાથ ધરવો જોઇએ.
અત્યારે આખું વિશ્ર્વ ઘણે ભાગે વિવિધ સ્વરુપની કટોકટીઓમાંથી પસાર થયું છે એ ખરું, પરંતુ આપણા દેશ સામેના પડકાર અનેક ગણા ગંભીર પ્રકારના છે જેમાં પરાવલંબનની અને દેશદાઝના દુકાળની બાબતોનો સમાવેશ થાય છે.
આપણા દેશમાં ૬૫ કરોડથી વધુ લોકો એટલે હદે ગરીબીની નાગચૂડમાં છે કે, જો એમને સમયસર સહાય ન મળે તો ‘વર્ગ વિગ્રહ’ કે રાષ્ટ્રીય
સ્તરનો વિદ્રોહ ભભૂકી શકે તેમ છે! ગરીબ પ્રજા રાજપુરુષો અને રાજકારણીઓમાંથી સારી પેઠે વિમુખ બની ચૂકી છે. અને તેમનામાં વિશ્ર્વાસ ખોઇ બેઠી છે.
બકી તો કોઇ અક્ષર એવો નથી જેમાં મંત્ર ન હોય, કોઇ મૂળ એવું નથી જે ઔષધ ન હોય, કોઇ વ્યકિત એવી નથી જે અયોગ્ય હોય માત્ર એને પારખીને એનો ઉપયોગ કરનાર દુર્લભ છે એમ એક સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે આપણા દેશની સામાજીક, આર્થિક, શૈક્ષણિક અને વૈચારિક ગરીબાઇને દુર કરવાનું અશકય નથી જ, પણ આ સંસ્કૃત સુભાષિતને અનુસરવું આ દેશના સુકાનીઓ માટે અનિવાર્ય છે એમ કહ્યા વિના છૂટકો નથી… આ બધું જાણી લીધા પછી ચાલો, ભારતમાંથી આ બધી ગરીબી દૂર કરીએ !