૨૭ આઈસ ગોલાનાં ઉત્પાદકોને ત્યાં ચેકિંગ: ૧૨૯ કિલો વાસી માવો, ટોપરાનું ખમણ સહિતનાં જથ્થાનો નાશ
ઉનાળાની સીઝનમાં પાણીજન્ય અને ખોરાકજન્ય રોગચાળાની અટકાયત માટે આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફુડ વિભાગ દ્વારા શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં ૨૭ આઈસ ગોલાનાં ઉત્પાદકોને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અખાદ્ય જથ્થો પકડાતા અને ગંદકી જોવા મળતાં ૧૨ આઈસ ગોલાવાળાને નોટીસ ફટકારવામાં આવી છે. જયારે ૧૨૯ કિલો વાસી ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો.
આ અંગે વધુ માહિતી આપતાં આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, ફુડ શાખા દ્વારા શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં આઈસ ગોલાનાં ૨૭ ઉત્પાદકોને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત યાજ્ઞિક રોડ પર શિવશકિત ગોલા, ત્રિકોણબાગ ખાતે આઝાદ હિંદ ગોલા, જયુબેલી રોડ પર નૂર ડ્રાયફ્રુટ ડીશ ગોલા, કેનાલ રોડ પર રામ ઔર શ્યામ ગોલાવાળા, મવડી રોડ પર રામ ઔર શ્યામ ગોલાવાળા, પુનિતનગર મેઈન રોડ પર નિલકમલ ગોલાવાળા, ભકિતનગર સર્કલ મેઈન રોડ પર રામ ઔર શ્યામ ડ્રાયફ્રુટ ગોલાવાલા, તકદીર આઈસ ગોલાવાળા, વાણીયાવાડીમાં પટેલ વાડી સામે આઝાદ હિંદ ગોલાવાળા, કોઠારીયા રોડ પર રામ ઔર શ્યામ ગોલાવાળા, રૈયા ચોકડીએ રામ ઔર શ્યામ ગોલાવાળા, કેકેવી સર્કલ ખાતે રામ ઔર શ્યામ ગોલાવાળાને ત્યાંથી વાસી માવો, ટોપરાનું ખમણ, વાસી માવાવાળી મલાઈ તથા અનહાઈજૈનિક ૧૨૯ કિલો અખાદ્ય અને વાસી ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો અને તમામને નોટીસ ફટકારવામાં આવી છે. આઈસ ગોલાનાં ઉત્પાદકોને ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટનાં નિયમોનું ચુસ્તપણે પાલન કરવા પણ તાકીદ કરાઈ છે