૫મી જુને પરિણામ જાહેર કરાશે: એકંદરે પેપર સરળ નીકળતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા મેડીકલ-ડેન્ટલ સહિતના પાંચ કોર્સ માટે લેવાનારી નીટની પરીક્ષા ગઈકાલે ભારે ઉત્તેજનાભર્યા વાતાવરણમાં લેવાઈ હતી, જેમાં ગુજરાતમાં આશરે ૧૪૨ કેન્દ્રોમાં ૭૫ હજારથી વધુ અને રાજકોટમાં ૨૧ કેન્દ્રોમાં ૧૧ હજાર વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી અને નીટનું પરિણામ આગામી તા.૫મી જુનના રોજ જાહેર કરવામાં આવશે.
વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ પેપર એકંદરે સરળ રહ્યું હતું. ફિઝીકસ, કેમેસ્ટ્રી અને બાયોલોજીના ૧૮૦ પ્રશ્ર્નો હતા. જેમાં ફિઝીકસના ૯૦ પ્રશ્નોમાં ઘણા પ્રશ્નો થોડા અઘરા હતા. એવરેજ વિદ્યાર્થીઓ માટે અને ખાસ તો ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને ફિઝીકસના પ્રશ્નો અઘરા લાગ્યા હતા.
જો કે કેમેસ્ટ્રીના પ્રશ્નો સરળથી મધ્યમ કહી શકાય તેવા હતા જયારે બાયોલોજીના પ્રશ્નો સૌથી સરળ હતા. ફિઝીકસના કેટલાક પ્રશ્નો અટપટા હોવાથી વિદ્યાર્થીઓ મુંઝાયા હતા. હોશિયાર વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ મોટાભાગના પ્રશ્નો ટેકસ બુક આધારીત જ હતા. ગત વર્ષની સરખામણીએ પેપર એકંદરે ખુબજ સરળ નીકળ્યું હતું. આ વર્ષે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સહિત ૧૦ ભાષામાં નીટ લેવાઈ હતી.
આ વર્ષે દેશભરમાં ૧૫ લાખથી વધુ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી જયારે ગુજરાતમાંથી ૭૦ હજારથી વધુ વિદ્યાર્થીએ નીટ આપી હતી. ગત વર્ષની સરખામણીએ ગુજરાત સહિત દેશભરમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે. પેપર એકંદરે સરળ રહેતા વિદ્યાર્થીઓ પણ વધતા મેડિકલ-ડેન્ટલ પ્રવેશ માટે કટ ઓફ પણ ઉંચુ જશે.