ગોકુલ તેજપાલનું વસિયતનામુ
તા.૧૯મી નવેમ્બર, ૧૮૬૭ અને સંવત ૧૯૨૪ના કારતક વદ આઠમના દિવસે મરણ પામનાર મુંબઈના શ્રીમંત શેઠિયા ઠાકર ગોકુલદાસ તેજપલનું વસિયતનામું એક નિરાળો ઈતિહાસ ધરાવે છે. આ ઠાકર ગોકુલદાસ તેજપાલ તે જ મુંબઈની જાણીતી હોસ્પિટલ ‘જી.ટી. હોસ્પિટલ’ માટે ગંજાવર દાન આપનાર.
શ્રી ગોકુલદાસ તેજપાલે ૪૬ વર્ષની વયે જ પોતાના ધારાશાસ્ત્રીઓ પાસે વસિયતનામું તૈયાર કરાવ્યું હતુ. એમને પોતાના મૃત્યુની આગળથી આગાહી થઈ ગઈ હોય તેમ એક વર્ષ પહેલા જ તા.૬ઠી સપ્ટેમ્બર ૧૮૬૬ના દિવસે વસિયત નામું તૈયાર કરાવ્યું હતુ શેઠ ગોકુળદાસ કચ્છી ભાટીયા હોવાથી એમણે કચ્છ અને ભાટીયા જ્ઞાતિ માટે પણ વસિયતમાં વિશેષ ધ્યાન રાખ્યું છે. તે વખતે પણ શેઠિયાઓ પોતાની કેટલીક ચોકકસ મિલ્કતો સગા સંબંધીના નામે રાખતા હતા આથી જ વસિયતનામામાં શ્રી ગોકુલદાસ જણાવે છે કે, ‘કેટલીએક માહારી મિલકત વૈકુંઠવાસી મારા કાકા ઠકકર નાનજી ખટાઉના નામ ઉપર છે તે, માહારા મરણ પછી તે સર્વે પ્રકારની સર્વે મિલકતની વ્યવસ્થા લખ્યા પ્રમાણે માહારા વારસ વકીલોએ કરવી.
તે જમાનામાં એટલે કે ઓગણીસમી સદીમાં ધાર્મિક રૂઢીઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવતું હતુ વસિયતનામાની ચોથી કલમમાં જણાવવામાં આવ્યું છે કે, માહારા મરણ પછી માહારી ઉત્તરક્રિયાનું ખર્ચ માહારી નાતની રીત પ્રમાણે માહારી મિલ્કતમાંથી માહારી વરસી સુધી રૂપિયા પચ્ચીસ હજારને ખર્ચે આશરે કરવું. એ ઉત્તરક્રિયાની વિગત પણ આપી છે.
‘બારમાની થાનશુધ્ધ એક પૃશ્કરણા બ્રાહ્મણોની કરવી, તેમને જમાડીને દર બ્રાહ્મણને એક એક રૂપીયો દક્ષિણા આપવી. ચોરાશી એક અત્રેના બ્રાહ્મણોની કરવી તેમને ઈચ્છા ભોજન આપવું થાનશુધ્ધ છમાશીની કરવી. તે વારે પણ દર બ્રાહ્મણને એક એક રૂપીયો દક્ષિણા આપવી. વરસી ઉપર થાનશુધ્ધ એક પોકરણાની કરવી તે વારે પણ દર બ્રાહ્મણને એક એક રૂપિયો દક્ષિણા આપવી. તેરમાના દિવસે સમગ્ર નાત જમાડવી. વરશી વાળીને નાતખરચ કરવું. મોજે કોઠારામાં નજરમાં આવે તે રીતે ખરચવું. માહારા ગૂરૂ કનૈયાલાલજી મહારાજ કોટાવાળાને રૂપીયા પાંચ હજાર આપવા, કુલ રૂ.૨૫ હજાર ખરચવા.
મોટા કુટુંબમાં મતભેદો થવા પામે એ સ્વાભાવિક છે. પણ એ સમયે ક્ષમા પણ એટલા જ ઉદાર હૃદયથી કરવામાં આવતી હતી. ૬ઠી કલમમાં લખાવવામાં આવ્યું કે, ભાઈ મૂળજી ધરમશી ઉપર જે અમા‚ જૂનુ લેણુ હમણા રૂ.૧૦ હજારનું છે. સર્વે માંડી વાળવું તથા માફ કરવું અને તે સિવાય રૂપીયા દશ હજારા રોકડા લેગેસીના આપવા.
ઘરના અને પેઢીના નોકરોને પણ ભૂલવામાં આવ્યા નથી અને ઘરના ઘાટીને પણ રૂપીયા એક હજાર આપવામાં અવ્યા છે. આ રકમ રૂ.૫ હજારથીમાંડી રૂ.૨૦૦ સુધીની છે. સાથે સાથે જણાવ્યું છે કેભાઈ ગોધુ અંદરજી માહારી ઉત્તરક્રિયા વરશી સુધી કરશે તેને રૂ.૫ હજાર રોકડા આપવા.
સંસ્કૃત પાઠશાળા માટે રૂ.૪૦ હજાર આપવા જણાવ્યું છે અને તેમાં સંસ્કૃત વિદ્યા શીખવવી. એ પાઠશાળાને ‘ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત વિદ્યાલય એવું નામ આપવું કચ્છ માંડવીમાં પણ સંસ્કૃત પાઠશાળા માટે ૧૫ હજાર આપવા જણાવ્યું હતુ.કચ્છ ખાતે મોજે કોઠારામાં એક તળાવ બંધાવવું અને રૂ.૧૦ હજાર ખરચવા ‘તે જો મોજે મજકુરના ગરાશિયાઓ ખુશી થઈને રજા આપે તો…’ મોજે કોઠારામાં એક ધર્મશાળા અને શ્રી લક્ષ્મીનારાયણની મૂર્તિ બેસાડી મંદિર બાંધવા રૂ.૧૦ હજાર ખર્ચવા.
શેઠ ગોકુલદાસે આ સંસ્થાઓ માટે ભવિષ્યની પણ ચિંતા કરી છે અને એટલે જણાવ્યું છે કે માહારી મિલકતમાંથી રૂ.૭,૯૨,૦૦૦ની ગવર્નમેન્ટ પ્રોમિસરી નોટો લેવી અને તેના વ્યાજમાંથી ધર્મના કામો યાવચ્ચન્દ્ર દિવાકરી ચલાવવા એ નાણાંનું વ્યાજ કોઈ બીજે રસ્તે વાપરવું નહિ.
એ ઉપરાંત રૂ.૧,૬૦,૦૦૦માંથી અત્રે (મુંબઈમાં) અકે બોર્ડિંગ સ્કૂલ માહારા નામની સ્થાપવી. તેમાં બ્રાહ્મણ, વાણીયા, ભાટીયા, લુવાણા, વગેરે ઉચ્ચ વર્ણના ગરીબ હિન્દુ છોકરાઓને રાખવા અને તેઓને ગુજરાતી તથા અંગ્રેજી વિદ્યા બીજી સ્કુલોમાં મોકલીને શીખવવી. કોલેજમાં પણ મોકલવા અને પાસ થાય ત્યાં સુધી મદદ કરવી. બોર્ડીંગમાં રહેવા, જમવાની સગવડ ઉપરાંત વસ્ત્રો, અભ્યાસનાં પુસ્તકો પણ આપવા.
માહારી નાતની વિધવા સ્ત્રીઓ જેઓ નિરાધિત હોય તે દરેકને દર મહિને રૂ. ૮ લેખે પગાર આપવો રૂ.૨૫,૦૦૦માંથી માહારી નાતની મા-બાપ વિનાની છોકરી નિરાશ્રિત હોય અથવા તેના મા બાપ શકિતમાન નહિ હોય તો દરેક છોકરી પરણાવી આપવી. દરેક છોકરીના લગ્ન પાછળ રૂ.૨૫૦ સુધી ખર્ચવા.
શેઠ ગોકુલદાસ ક્ધયા કેળવણીના પણ મોટા હિમાયતી હતા. કોર્ટમાં ક્ધયાઓ માટે ગુજરાતી ક્ધયાશાળા શોધી કાઢવા રૂ૪૦ હજાર આપવાનું જણાવ્યું છે. આ ઉપરાંત કચ્છ માંડવીમાં અંગ્રેજી શાળા માટે રૂ.૫૦ હજાર અને જખાઉમાં ગુજરાતી શાળા માટે રૂ.૧૦ હજાર આપવા જણાવ્યુંં છે. કોઠારામાં નલીઆમાં અને વીઝાણામાં ગુજરાતી શાળા માટે રૂપીયા દશ દશ હજાર આપવા જણાવ્યું છે.
શેઠ ગોકુલદાસની પુત્રી જમના અને બહેન માણેકબાઈ બાળવિધવા હતા અને દરેક માટે રૂ.૨૦ હજાર અલગ અલગ આપવા જણાવ્યું છે.રૂ.૫૦ હજાર એમણે ભાટીયાના કોઈ પણ છોકરાને વકીલ, બેરિસ્ટર, ડોકટર વગેરે માટેની ઉચ્ચ કેળવણી મળી શકે તે માટે અલગ કાઢવા જણાવ્યું હતુ. એ રકમમાંથી ‘યાવચ્ચન્દ્ર દિવાકરી’ મદદ કરવી. જો કોઈ ભાટીયાનો છોકરો ઉમેદવાર નહિ હોય તો ઉચ્ચ વર્ણના હિન્દુને મદદ કરવી.
એમણે આ વસિયતની વહીવટી કમિટીમાં સભ્ય બનાવવા જે નામો, સુચવ્યાં હતા તેમાં હિન્દુ, પારસી મુસલમાન, ગુજરાતી, મરાઠી વગેરેનો સમાવેશ થાય છે. કેટલાક નામોમાં સર જમશેદજી જીજીભાઈ, ફરામજી નસરવાનજી પટેલ, બેરામજી જીજીભાઈ, ખરશેદજી નસરવાનજી કામા, અસલામ હબીબ, બાલાજી પાંડુરંગ, ડો.ભાઉદાજી, ડો.આત્મારામ પાંડુરંગ, વરજીવનદાસ માધવદાસ, મોરારજી ગોકુલદાસ વગેરેનો સમાવેશ થાય છે.
અગિયારમી કલમમાં જણાવ્યું છે કે, ‘હાલ હું માહારી વાલકેશ્વરવાળી વાડીમાં રહું છું પણ માહારા મરણ પછી એ માહારી વાડી બંગલો ભાડે આપી દેવા અને માહારી સ્ત્રીએ મારા કોટવાળા ઘરમાં જઈને રહેવું તે સિવાય બીજી કોઈ જગાએ રહેવું નહિ. તથા કોઈ મોહોટી યાત્રાએ જવું નહિ સબબ કે તે એક વેળા આવી યાત્રા કરી આવેલ છે. માટે મોહોટી યાત્રાએ જવાની માહરી સ્ત્રીને સાફ મના કરૂ છું.મારી સ્ત્રી શામાવહુ તથા માહરા માતાજીની ગંગાબાઈએ ઘરમાં ભેગા રહેવું.
માહરી માતાજી ગંગાબાઈની ઉત્તરક્રિયા માટે રૂ.૨૫ હજાર અને માહરી સ્ત્રી શમાવહુની ઉત્તરક્રિયામાં રૂ૧૦ હજાર ખર્ચવા.૨૫મી કલમમાં જણાવવામાં આવ્યું છે કે, માહરા નામની એક હોસ્પિટલ અત્રેનાં મેદાનમાં કરવી તે એવી રીતે કે જમીન સરકાર મફત આપે અને તે જમીન ઉપર હોસ્પિટલ વાસ્તે ઈમારત બાંધવા સા‚ માહરી મિલ્કતમાંથી રૂપિયા એક લાખ પચાસ હજાર આપવા.આજે પણ એમના નામની યાદ અપાવતી જીટી હોસ્પિટલ અડીખમ ઉભી છે.જૂના જમાનામાં તો આપણા સમાજના આવા મહાજનોએ ‘સુવર્ણયુગ’ની છાપ ઉપસાવી હતી.
આપણાદેશે અને આપણા સમાજે મહાજન-પ્રથાને લુપ્ત થવા જઈને ઘણુ બધુ નુકશાન પહોચાડયું છે. આવું જ નુકશાન સંયુકત અર્થાત અવિભકત કુટુંબ-પ્રથાને લુપ્ત થવા દઈને પહોચાડયું છે.મહત્વના દાન આપીને આપણા પુર્વ જ મહાજનોએ એવાં સારાં અને સંસ્કૃતિને ઉજાળતાં કાર્યો કર્યા છે. કે એનું યથાર્થ વર્ણન થઈ શકે તેમ નથી એના વિષે વિલંબ વિના પુન: વિચારાય એ ડહાપણ ભર્યું લેખાશે.આપણી જૂની કહેવત કેટલી સાચી છે: ‘નામ રહંતા ઠકકરા, નાણશં નહીં રહંત.. કીર્તિ કેરા કોટડાં પાડયા નવ પડંત!આ વસિયતનામું એની પ્રતીતિ કરાવે છે!