શહેરના ઢેબર રોડ પર આવેલા જૂના જકાત નાકા પાસે સલુજા ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા ત્રણ શખ્સોએ રૂ.૧.૦૬ લાખની ચલાવેલી લૂંટના ગુનામાં સંડોવાયેલા ત્રણેય શખ્સોને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે સીસીટીવી ફુટેજ અને સુરક્ષા કવચ એપ્લીકેશનની મદદથી ગોંડલ ચોકડી એસટી વર્કસ સોપ પાસેથી ઝડપી પૂછપરછ કરતા ત્રણેય શખ્સોએ સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં પરપ્રાંતિય શખ્સનો મોબાઇલ લૂંટી લીધાની કબુલાત આપી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત રેલનગરમાં રહેતા અને વિરાણી અઘાટમાં સલુજા ટ્રાન્સપોર્ટની ઓફિસ ધરાવતા બલદેવ સલોજા તેની ઓફિસે બેઠા હતા ત્યારે ત્રણ શખ્સો સાંજના સમયે ગ્રાહકના સ્વાંગમાં આવી છરી બતાવી રૂ.૩૫ હજાર રોકડા, સોનાનો ચેન અને લેપટોપ તેમજ મોબાઇલ મળી રૂ.૧.૦૬ લાખની લૂંટ ચલાવ્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.
ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. પી.એમ.ધાખડા, એએસઆઇ વિજયસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ ઝાલા, ફિરોઝભાઇ શેખ, કોન્સ્ટેબલ શોકતખાન ખોરમ અને યોગેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે ગોંડલ ચોકડી પાસે એસટી વર્કસ સોપ પાસેથી પુનિતનગરના કિશન ભરત ડોડીયા, આંબેડકરનગરના તિરંગા ઉર્ફે અપ્પુ નાનજી દવેરા અને નિતીન ઉર્ફે કાનો વલ્લભ વાઘેલા નામના શખ્સોને ઝડપી લીધા હતા.
ત્રણેય શખ્સોએ વિરાણી અઘાટ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં લૂંટ ચલાવ્યાની કબુલાત આપી હતી. તેમજ સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં રામબાબુ જટુલી શાહનો રૂ.૪૫૦૦ની કિંમતના મોબાઇલની લૂંટ ચલાવ્યાની તેમજ ઢેબર રોડ એક દુકાનમાં ઘુસી વેપારીને છરી બતાવી લૂંટ ચલાવ્યાની કબુલાત આપી છે.