સ્ટાફની રજાઓ કેન્સલ કરાઈ: ૬ બોટ, જીવન રક્ષક સાધનો સાથે ફાયર બ્રિગેડનાં ૨૦ જવાનો સ્ટેન્ડ ટુ: જરૂર પડયે ઓરિસ્સા જવાની પણ તૈયારી
ફેની નામનાં વાવાઝોડાએ ઓરીસ્સા સહિતનાં દેશનાં અનેક રાજયોમાં વિનાશ વેરી દિધો છે. ફેનીનાં પગલે આજે રાજય સરકારની સુચના બાદ મહાપાલિકાની ફાયર બ્રિગેડ શાખાનાં ૨૫૦થી વધુ કર્મચારીઓને હેડ કવાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યા છે. શહેરનાં તમામ ૮ ફાયર સ્ટેશન ખાતે સ્ટાફને સ્ટેન્ડ ટુ રહેવા માટેના નોટીસ બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે જો જરૂર જણાશે તો ફાયર બ્રિગેડનાં ૨૦થી વધુ જવાનોને ઓરીસ્સા રાહત અને બચાવ કામગીરી માટે મોકલવામાં આવશે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ફેની વાવાઝોડાએ દેશનાં ઓરીસ્સા સહિતનાં રાજયોમાં ભારે તબાહી મચાવી છે. આ વાવાઝોડું ગુજરાતમાં ખાસ અસર કરે તેવી શકયતા ખુબ જ નહિવત છે છતાં રાજય સરકારનાં આદેશનાં પગલે ફાયર બ્રિગેડનાં સ્ટાફને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
મહાપાલિકાની ફાયર બ્રિગેડ શાખાનાં ૧૬૦ કાયમી કર્મચારીઓ અને ઈઆરસીનાં ૯૦ જેટલા કર્મચારીઓને હવે પછી સુચના ન મળે ત્યાં સુધી હેડ કવાર્ટર ન છોડવા પણ આદેશ આપી દેવામાં આવ્યો છે. કેનાલ રોડ ફાયર સ્ટેશન, નિર્મલા રોડ ફાયર સ્ટેશન, મવડી ફાયર સ્ટેશન, કોઠારીયા ફાયર સ્ટેશન, ૧૫૦ ફુટ રીંગ રોડ ફાયર સ્ટેશન સહિતનાં આઠેય ફાયર સ્ટેશન ખાતે એલર્ટનાં બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. સ્ટાફની રજાઓ પણ કેન્સલ કરી દેવામાં આવી છે.
હાલ ફાયર બ્રિગેડ શાખાનાં ૨૦ જવાનોને ૬ બોટ અને જીવન રક્ષક સાધનો સાથે તૈનાત રાખવામાં આવ્યા છે. જો રાજય સરકાર દ્વારા આદેશ આપવામાં આવશે તો આ તમામને રાહત અને બચાવ કામગીરી માટે ઓરીસ્સા ખાતે મોકલવામાં આવશે.