કોર્પોરેશન આ પ્લોટ પર એમઆઈજી કેટેગરીનાં ૩૦૦ આવાસ બનાવશે
શહેરનાં કાલાવડ રોડ પર મોટામવા સ્મશાન પાસે દર શનિવારે ગુજરી બજાર ભરાઈ છે. દરમિયાન સ્થાનિક લતાવાસીઓએ આ બજાર બંધ કરવા માટે માંગણી કરી છે. સાથો સાથ મહાપાલિકા દ્વારા અહીં એમઆઈજી કેટેગરીનાં ૩૦૦ જેટલા આવાસ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હોય અંબિકા ટાઉનશીપ રોડ પર આવતીકાલથી શનિવાર ગુજરી બજાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે.
અંબિકા ટાઉનશીપ રોડ પર દર શનિવારે ગુજરી બજાર ભરાઈ છે. અહીં દારૂનું વેચાણ થાય છે, નોનવેજનું વેચાણ થાય છે અને નશાખોર અસામાજીક તત્વો મહિલાઓની છેડતી કરતા હોવાની ફરિયાદ સ્થાનિક લતાવાસીઓ દ્વારા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની સમક્ષ કરવામાં આવી હતી.
જેનાં પગલે આવતીકાલથી આ રોડ પર શનિવારી બજાર બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહીં કોર્પોરેશન દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત એમઆઈજી પ્રકારનાં ૩૦૦ જેટલા આવાસ બનાવવામાં આવનાર છે જેના માટે જમીન સમથળ અને પાયા ખોદવા સહિતની કામગીરી શ‚ કરી દેવામાં આવી હોવાનાં કારણે કાલથી શનિવારી બજાર બંધ કરી દેવાશે.