રાસાયણિક ખાતરોનો કાર્યક્ષમ ઉપયોગ અને ફાયદાઓ, બીજ જાળવણી, જમીન જાળવણી વગેરે વિશે માહિતી અપાઈ
સુરેન્દ્રનગર જિલ્લાના નાના કાંધાસર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને જી.એસ.એફ.સી.લી. ભાવનગરનાં સંયુકત ઉપક્રમે તાજેતરમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ ડો.એ.આર.પાઠક અને વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.પી.વી.પટેલનાં માર્ગદર્શન હેઠળ એક દિવસીય ખેડુત તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું. આ તાલીમમાં સુરેન્દ્રનગર જીલ્લાના વિવિધ તાલુકાઓના ૧૧૩ જેટલા ખેડુત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા એમ.એફ.ભોરણીયાએ પ્રાસંગિક ઉદબોધનમાં રાસાયણિક ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ, આગામી ચોમાસુ સીઝનમાં વાવેતર કરવામાં આવનાર પાકોમાં બીજ માવજત અને કપાસમાં આવતી ગુલાબી ઈયળનાં નિયંત્રણ માટે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં એમ.ડી.પી. ટેકનોલોજી વિષયક માહિતી આપી હતી. જયારે ડો.બી.સી.બોચલ્યા, ડી.એ. પટેલ અને ડો.આર.પી.કાલમાએ પાણીમાં દ્રાવ્ય ખાતરોનાં ઉપયોગથી થતા ફાયદાઓ, પશુપાલનથી મળતા છાણીયા ખાતરનાં જમીન જાળવણી માટેના મહત્વ વિષયક માહિતી આપી હતી. તાલીમના અંતમાં ખેડુતોને મુંઝવતા ખેતી વિષયક પ્રશ્નોઅંગે પ્રશ્નોરી રાખવામાં આવેલ હતી.