સાયબર ક્રાઈમ માથાનો દુ:ખાવો બને તે પહેલા પોલીસતંત્ર સજજ !!!
વડોદરા, સુરત, રાજકોટ સહિત ૯ રેન્જોને મળશે સાયબર પોલીસ સ્ટેશન
૨૦૧૯-૨૦૨૦માં સાયબર ગુનામાં ઘટાડો કરવા રોડમેપ અને એકશન પ્લાન બનાવવા ડી.જી.પી. શીવાનંદ ઝાનો આદેશ
દિન-પ્રતિદિન ઓનલાઈન ફ્રોડમાં વધારો જોવા મળી રહ્યો છે જે અન્વયે ગાંધીનગર ખાતે યોજાયેલી ડી.જી.પી. ક્રાઈમ કોન્ફરન્સમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતનાં શહેરોને સાયબર પોલીસ સ્ટેશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સાથોસાથ ૯ રેન્જોમાં પણ સાયબર પોલીસ સ્ટેશન સ્થાપવા માટે પણ મંજુરીની મહોર લગાવવામાં આવી હતી.
હાલ જે રીતે સાયબરનાં ગુનાઓનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે તે જોતાં માત્ર અમદાવાદ શહેરને છોડયા બાદ અન્ય શહેરોમાં સાયબર પોલીસ સ્ટેશન ન હોવાથી ગુનાનાં પ્રમાણમાં વધારો થતો જોવા મળે છે ત્યારે સાયબર પોલીસ સ્ટેશનની સ્થાપના થતાં જ જે સાયબર અને ઓનલાઈન ફ્રોડને લઈ ગુનાઓ થતાં તે અટકાવી શકાશે. ગુજરાત રાજયનાં ડી.જી.પી. શિવાનંદ ઝાએ ૧૦૮ પોલીસ અધિકારીઓને ૯ રેન્જ અને સાયબર પોલીસ સ્ટેશન માટે નિયુકત કર્યા હતા. અમદાવાદ શહેરને થોડા દિવસો પહેલા જ સાયબર પોલીસ સ્ટેશન મળી ગયું હતું ત્યારે બાકી રહેતા રાજકોટ, વડોદરા, સુરતને પણ સાયબર પોલીસ સ્ટેશનની સોગાત મળશે.
વરિષ્ઠ પોલીસ અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, રેન્જમાં સાયબર સેલ હેડ કવાર્ટરમાં એક પી.આઈ, એક ટેકનિકલ પી.એસ.આઈ અને ૬ અન્ય કર્મચારીઓનો સ્ટાફ રહેશે કે જે સાયબર ઈન્વેસ્ટીગેશનમાં મદદ‚પ થશે જેથી આવનારા ટુંક સમયમાં રાજકોટ, સુરત અને વડોદરામાં સાયબર પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવશે. જેમાં કુલ ૧૧ કર્મીઓને પ્રતિ સાયબર પોલીસ સ્ટેશનમાં તૈનાત કરાશે જેમાં એક પી.આઈ, એક પી.એસ.આઈ અને નવ અન્ય કુશળ અધિકારીઓ રહેશે. સાથો સાથ આ તમામ સાયબર પોલીસ મથકોમાં અનેકવિધ ઉપકરણોથી સુસજજ રહેશે જેથી સાયબરને લઈ જે ગંભીર ગુનાઓ બનતા હોય છે તેને નિવારી શકાય.
ડીજીપી કોન્ફરન્સનાં પ્રથમ દિવસે બનાસકાંઠા, જુનાગઢ તથા ભાવનગરમાં દિન-પ્રતિદિન વધતાં ક્રાઈમને લઈ ચર્ચા કરવામાં આવી હતી. જયારે બેઠકમાં ડીજીપી શિવાનંદ ઝાએ ૨૦૧૯થી ૨૦૨૦ સુધીમાં ગુનાનું પ્રમાણ ઘટાડવા માટેનાં રોડ મેપ એકશન પ્લાન સહિતનાં મુદાઓ ધ્યાને લેવાનું જણાવ્યું હતું. રાજયનાં ૪ કમિશનરને પણ તાકિદ કરતાં જણાવાયું હતું કે, આ અંગે મહત્વપૂર્ણ પગલા લેવામાં આવે જેથી રાજયમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિ જળવાય રહે અને નાગરિકોને સહેજ પણ તકલીફનો સામનો કરવો ન પડે.
જયારે ડીજીપી દ્વારા તમામ જિલ્લાઓનાં વડા એટલે કે એસ.પી. અને રેન્જ આઈજીને પણ તાકીદ કરતાં જણાવ્યું હતું કે,પોલીસ અધિકારીઓનાં વ્યવહારમાં સુધારો લાવવો ખુબ જ જરૂરી છે અને તેમની પાસે આવતા નાગરિકોને પોલીસ કર્મીએ શાંતીથી સાંભળી તેમની વ્યથાને સમજવાની જરૂર છે. અંતમાં એ વાતની પણ પુષ્ટિ કરવામાં આવી હતી કે, સાયબરનાં વધતા જતાં ગુનાને કઈ રીતે ડામી શકાય તેણે લઈ ૪ મોટા શહેરોને સાયબર પોલીસ સ્ટેશનથી સુજજ કરવાનો પણનિર્ણય લેવામાં આવ્યો હતો.