ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને અધિકારીઓને રોડમેપ તૈયાર કરવા સૂચના આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે આ ચૂંટણીનું પરણામ આવે તે પહેલા જ જો મોદી સરકાર આવે તો નવી સરકારના ૧૦૦ દિવસનું પ્લાનિંગ જાહેર કર્યું છે. જેમાં વડાપ્રધાન કાર્યાલયના ઉચ્ચ અધિકારીઓથી લઈ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અધિકારીઓને ૧૦૦ દિવસના પ્લાનિંગ સંદર્ભે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય એવા જે તે રાજ્યોનો રોડમેપ તૈયાર કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. નરેન્દ્ર મોદીએ નવી સરકારના ૧૦૦ દિવસના પ્લાનિંગમાં સૌપ્રથમ રોજગારી, ઘરનું ઘર અને પાણીને પ્રાધાન્ય આપ્યું છે. તેની સાથે સાથે દેશના વિકાસમાં અને ૨૦૨૨માં ભારતની આઝાદીને ૭૫ વર્ષ પુરા થઈ રહ્યા છે ત્યારે યુવાઓને પણ પોતાના જીવનના ૧૦૦ કલાક દેશ માટે આપવાની એક યોજના ઘડી કાઢી છે.નવી સરકારના ૧૦૦ દિવસના પ્લાનિંગના દેશના દરેક રાજ્યમાંથી બેરોજગારોની સંખ્યાથી લઈ રોજગારીની તકો અને નવા ઉદ્યોગો અંગેની વિસ્તૃત માહિતી મંગાવવામાં આવી છે. ખાસ કરીને જે તે રાજ્યના બેરોજગાર યુવાઓ અંગેની પણ માહિતી વડાપ્રધાન કાર્યાલય સુધી પહોંચાડવાના આદેશ કરાયા છે. જેના આધારે મોદીની નવી સરકારના ૧૦૦ દિવસના પ્લાનિંગને આખરી ઓપ આપવામાં આવશે.
આ અગાઉ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેઓએ ચૂંટણીમાં મતદાન થયા બાદ પોતાની સરકાર બનવાની મક્કમતા સાથે નવી સરકારની કામગીરી અંગે પહેલેથી જ પ્લાનિંગ તૈયાર કરી લેતા હતા. આ ઉપરાંત ગુજરાતમાં પણ નરેન્દ્ર મોદીએ યુવાઓ પાસે રાજ્ય માટે ૧૦૦ કલાક આપવા માટેની પહેલ કરી હતી. જેમાં યુવાઓ એક વર્ષમાં પોતાના ૧૦૦ કલાક આપવાના હતા, તે દરમિયાન તેઓ પોતાના નવરાશના સમયે ગુજરાતની પાણી, વીજળી, સ્વચ્છતા, ટેકનોલોજી સહિતની સમસ્યાઓનો ઉકેલ લાવવા મદદરૂપ થતા હતા. આ દરમિયાન સૌથી વધુ યુવાઓ ગુજરાતમાં સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. જેમાં પોતાની નવરાશનો સમય શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા ઝૂંબેશ પાછળ ફાળવતા હતા.