જરૂરી પુરાવાઓ નિયત સમયમાં આપવામાં નિષ્ફળ રહેતાં ઈલેકશન કમિશને લીધો નિર્ણય
બુધવારનાં રોજ ચુંટણીપંચે સમાજવાદી પક્ષનાં લોકસભાનાં ઉમેદવાર તેજબહાદુર યાદવને નોટીસ આપતાં તેમનાં નોમીનેશનને ફગાવી દીધું છે. કોર્ટ દ્વારા તેજબહાદુરને આવશ્યક પ્રમાણપત્ર રજુ કરવા માટે પાંચ દિવસનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ તે કોર્ટ સમક્ષ પ્રસ્તુત ન કરી શકતાં તેમની ઉમેદવારી રદ કરવામાં આવી છે.
જિલ્લા ચુંટણી અધિકારી સુરેન્દ્રસિંહે પેપરોની ચકાસણી કરી તેજબહાદુરનાં નામાંકનને રદ કરવાની જાહેરાત કરી હતી. છેલ્લા પાંચ વર્ષમાં રાજય અથવા કેન્દ્ર સરકાર દ્વારા સેવામાંથી કાઢી નાખવામાં આવેલા લોકોને અથવા કોઈપણ રીતે બળતરફ કરવામાં આવ્યા હોય તેને ઈલેકશન કમિશન પાસેથી યોગ્ય પ્રમાણપત્ર લેવા અનિવાર્ય હોય છે પરંતુ તેમાં તે નિષ્ફળ નિવડતાં કોર્ટ દ્વારા તેજબહાદુરસિંહની ઉમેદવારી રદ
કરી છે.
તેજબહાદુરસિંહે માહિતી આપતાં જણાવ્યું હતું કે, તેને ૧૯ એપ્રિલ, ૨૦૧૭નાં રોજ ડિસમીસ કરવામાં આવ્યો હતો અને તે અંગેનાં હજી ૫ વર્ષ પણ પૂર્ણ થયા નથી તે માટે તેણે ચુંટણી લડવા ઈલેકશન કમિશન પાસેથી સર્ટીફીકેટ મેળવવાનું હોતું હોય છે પરંતુ યોગ્ય દસ્તાવેજો પુરતા ન હોવાનાં કારણે ઈલેકશન કમિશન દ્વારા તેની ઉમેદવારી રદ કરવામાં આવી છે. તેજબહાદુર દ્વારા નરેન્દ્ર મોદી સામે વારાણસી બેઠક પરથી ચુંટણી લડવાનો નિર્ણય લીધો હતો ત્યારે તેની ઉમેદવારી રદ થતાં તેજબહાદુરે જણાવ્યું હતું કે, યોગ્ય તમામ પુરાવાઓ ઈલેકશન કમિશનને સુપ્રત કરવામાં આવ્યા છે પરંતુ કોઈને કોઈ કારણે તેમની ઉમેદવારી રદ કરવામાં આવી છે જે યોગ્ય ન કહી શકાય.