અખાત્રીજે થતી સોનાની ધુમ ખરીદી વખતે વધારે નફા માટે એપ્રિલમાં સોનાના દબાયેલા ભાવો વખતે રાજયભરનાં જવેલરોએ એક જ દિવસમાં ૨૦૦ કિલો સોનાની ખરીદી કરી
ભારતમાં સોનાને બચતનાં ‚પમાં ખરીદવાની પરંપરાગત રૂચિ છે. જેની, સમયાંતરે આવતા સારા પ્રસંગો પર સોનાના દાગીના ખરીદવામાં ભારતીયો હંમેશા તત્પરતા દાખવે છે. સોનું સ્ત્રીધન પણ મનાતુ હોય દેશના તમામ ભારતીયો પાસે થોડા ઘણા અંશે સોનું જોવા મળે છે. તેથી કહેવાય છે કે ભારતમાં સોનાનો ચળકાટ કદી ઝાંખો પડતો નથી. વણજોયલા શુભ મુર્હુતના દિવસ ગણતા અખાત્રીજ પર સોનાની ખરીદી શુભ મનાતી હોય હાલમાં સોનાના ભાવોમાં ભારે વધારો થયો હોવા છતાં અખાત્રીજ પર ભારે વેપાર મળવાની સોની વેપારીઓને હૈયાધારણ છે જેથી, રાજયભરનાં જવેલસોએ મોટી માત્રામાં સોનાની અવનવી ડીઝાઈનના આભુષણોથી દુકાનોને લાદી દીધી છે.
અખાત્રીજ પર રાજયભરમાં સોનાના આભુષણોની ભારે ખરીદી થતી હોય એપ્રીલ માસમાં ગુજરાતમાં સોનાની આયાતમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. અમદાવાદ એર કાર્ગો કોમ્પ્લેક્ષના આંકડાઓ અનુસાર સામાન્ય રીતે રાજયમાં સોનાની આયાત ૫.૩ મેટ્રીક ટનની હતી જેમાં એપ્રિલ માસમાં ૧૮૩ ટકાના ઉછાળો આવ્યો છે. અને આ એક માસમાં ૧.૮૩ મિલીયન ટન સોનાની આયાત થવા પામી છે. સોનાની આયાતમાં થયેલા વધારા અંગે અગ્રણી જવેલરે જણાવ્યું હતુ કે અખાત્રીજના શુભ મુહુર્તમાં સોનાના આભુષણોમાં ભારે વેંચાણ જોવા મળે છે. જેથી એપ્રીલ માસમાં સોનાના વૈશ્વિક્ભાવોમાં અંશત: ઘટાડો થતા વેપારીઓએ મોટી માત્રામાં સોનાની ખરીદી કરી હતી જેથી આયાત વધવા પામી હતી.
અગ્રણી બુલીયનકારે જણાવ્યું હતુ કે ગયા વર્ષે ૧૦ ગ્રામ સોનાના ભાવો ૩૨,૩૫૦ હતા રાજયના સોનાના વેપારીઓએ એક જ દિવસમાં ૨૦૦ કિલો સોનાની ખરીદી કરી હતી. હાલમાં ૨૪ કેરેટ ૧૦ ગ્રામ સોનાની કિંમત ૩૨,૮૦૦ છે તેમાં ૩ ટકા જીએસટીનો સમાવેશ થાય છે. જવેલરોએ એપ્રિલ માસમાં સોનાની ભારે ખરીદી કરી ત્યારે સોનાના આભુષણોની ખરીદી પ્રમાણ કરી હતી જેમાં આ ખરીદી અખાત્રીજની ઘરાકીને ધ્યાનમાં રાખીને જ જવેલરોએ કરી છે તેમ માની શકાય જોકે, ૨૩મી એપ્રીલ સુધી રાજયમાં આચાર સંહિતા અમલમાં હતી જેથી સોનાની કુલ માંગ પ્રમાણ ઓછી હતી.
શહેરના એક અગ્રણી જવેલરે આ અંગે જણાવ્યું હતુ કે વૈશાખ માસમાં લગ્નસરાની સીઝન આવશે એટલે પણ સોનાના આભુષણોની ખરીદીમાં વધુ ખરીદી નીકળવાની સંભાવના છે. જેથી વેપારીઓએ અખાત્રીજ અને વૈશાખ માસ બંને સીઝનોને ધ્યાનમાં લઈને મોટા પ્રમાણમાં સોનાના આભુષણો પોતાની દુકાનોમાં લાદી દીધા છે. વૈશાખ માસની લગ્ન સરાની ખરીદી ચૈત્ર માસના આખરી દિવસોમાં શરૂ થઈ જાય છે. જયારે સંગ્રહકારો સિકકા અને સોનાની લગડીની બારે માસ ખરીદી કરતા હોય છે.