હિંસાત્મક કૃત્યોમાં જીવ ગુમાવનાર કર્મચારીને રૂ.૩૦ લાખ તેમજ ઈજાગ્રસ્ત થયેલા કર્મચારીને રૂ.૧૫ લાખ અપાશે: રાજય સરકારે જાહેર કર્યો પરિપત્ર, ૧૦ માર્ચથી થશે અમલ

રાજય સરકારે ચૂંટણી ફરજ દરમિયાન મૃત્યુ પામનાર કર્મચારીને રૂ.૧૫ લાખની સહાય ચૂકવવાની જાહેરાત કરી છે ઉપરાંત હિંસાત્મક કૃત્યોમાં એટલે કે બોમ્બ ધડાકા, હુમલામાં જીવ ગુમાવનાર કર્મચારીને રૂ.૩૦ લાખ તેમજ ઈજાગ્રસ્ત થયેલ કર્મચારીને રૂ.૧૫ લાખ સહાય પેટે ચૂકવવાનો પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્રની અમલવારી ગત ૧૦ માર્ચથી કરી દેવામાં આવનાર છે.

ચૂંટણી ફરજને રાષ્ટ્રીય ફરજ ગણવામાં આવે છે. ચૂંટણીની પ્રક્રિયામાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની વિશેષ ભૂમિકા રહેતી હોય છે. દરેક જિલ્લાઓમાં મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણી ફરજમાં રોકવામાં આવે છે. ચૂંટણી દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓ દિવસ-રાત જોયા વગર ચૂંટણી લક્ષી કામગીરીમાં જોતરાઈ જાય છે. ત્યારે તેઓને જો કોઈ હાની પહોંચે તો પરિવારને તેના બદલામાં રાહત મળે તેવો સરકારે નિર્ણય કર્યો છે.

વહીવટી વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ચૂંટણી ફરજમાં જો કોઈ અધિકારી કે કર્મચારી અકસ્માતમાં કે કુદરતી રીતે મૃત્યુ પામે તો તેને રૂ.૧૫ લાખની સહાય ચૂકવવામાં આવશે જયારે ઉગ્રવાદીઓ અથવા અસામાજિક તત્ત્વો દ્વારા આચરવામાં આવતા હિંસાત્મક કૃત્યો જેવા કે, ભૂમિગત સુરંગ, બોમ્બ ધડાકા, સશસ્ત્ર હુમલા વગેરેને લીધે અવસાન થવાના કિસ્સામાં મૃતકના પરિવારને કે વારસદારને રૂ.૩૦ લાખ ચૂકવવામાં આવશે. ઉપરાંત જો કોઈ અકસ્માત કે કુદરતી રીતે અધિકારી કે કર્મચારી કાયમી અશક્તિનો ભોગ બને તો તેને રૂ.૭.૫ લાખની સહાય તેમજ જો હિંસાત્મક કૃત્યમાં ઈજા થાય તો સક્ષમ તબીબી અધિકારીના પ્રમાણપત્રના આધારને ધ્યાનમાં રાખીને રૂ.૧૫ લાખની સહાય ચૂકવવામાં આવશે.

આ સહાય ચૂંટણી ફરજમાં રાજયની બહારથી આવતા સલામતી દળો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસદળો, સીઆરપીએફ, એસએપીએસ, ભાડે રાખેલા વાહનોના ડ્રાઈવર કે કલીનરોને પણ મળશે. રાજયના વહીવટી વિભાગ દ્વારા આ પરિપત્રની અમલવારી ગત તા.૧૦ માર્ચથી કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, અગાઉ ચૂંટણી ફરજમાં મૃત્યુ પામેલા તેમજ ઈજાગ્રસ્ત થયેલા અધિકારી તથા કર્મચારીઓને સહાય આપવામાં આવતી જ હતી. પરંતુ સમય સંજોગ અને મોંઘવારીને ધ્યાને રાખી વહીવટી વિભાગ સહાયની રકમમાં વધારો કરતો પરિપત્ર જાહેર કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.