કરોડોની વેટચોરીમાં ‘ગુટખા કીંગ’ સહિત ત્રણની ધરપકડ
સેલ્સ ટેકસ દ્વારા ૨૭ લોકો વિરુઘ્ધ ક્રાઈમ બ્રાંચમાં નોંધાવી ફરિયાદ
અમદાવાદ સીઆઈડી ક્રાઈમ બ્રાંચે તમાકું ઉત્પાદનોનાં રૂ.૯૦૦ કરોડનાં વેટની ચોરી કરતાં ૩ વ્યકિતઓની ધરપકડ કરી છે. કહી શકાય કે, તમાકુંનું ઝેર વેટને પણ આભડી ગયું છે. આ અંગે ક્રાઈમ બ્રાંચનાં અધિકારીઓએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ધર્મપાલ સત્યપાલ લીમીટેડ અને અમદાવાદનાં તેનાં ડાયરેકટર અને અન્ય વેપારીઓ સહિત ૨૭ જુદા-જુદા લોકો સામે સેલ્સ ટેકસ અધિકારી બાબુભાઈ મોતીભાઈ પ્રભાકર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, આરોપીઓની મોડેસ ઓપરેન્ડી ખુબ જ સરળ હતી.
ધર્મપાલ સત્યપાલ લીમીટેડનાં નિર્દેશક અને તેમનાં ગુજરાતનાં વેપારીઓ રાજયમાં ગુટકા અને અન્ય તમાકુંનું ઉત્પાદન રાજયમાં બિલ વિના લાવવાનાં હતા અને તે બજારમાં વેચાણ કરી આમ મુલ્ય ઉમેરાયેલા કરને દુર કરવાની વાત કરતાં વેટ ચોરી કરવાનું નકકી કર્યું હતું. કહેવામાં આવે છે કે વેટ ચોરી ૯૦૦ કરોડ સુધી પહોંચી હતી તેમ સેલ્સ ટેકસ ડિપાર્ટમેન્ટનાં અધિકારીઓએ જણાવ્યું હતું.
અધિકારીઓ દ્વારા મળતી વિગત મુજબ ધર્મપાલ સત્યપાલનાં ડાયરેકટર તથા તેની માર્કેટીંગ એજન્સી ગરીબ લોકોનો સંપર્ક કરી તેનાં નામે વેચાણ યુનિટો શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. કંપનીના ડાયરેકટર તથા માર્કેટીંગ એજન્સી ગુટકા અને ગુટકા સાથે સંકળાયેલી અન્ય ચીજ વસ્તુઓ ગરીબ લોકોનાં નામે લઈ વેટ ટેકસમાંથી બચવા માટેનાં હિન પ્રયાસો કરવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાંચ દ્વારા મોડેલ ટાઉનનાં રહેવાસી જયપ્રકાશ ઉર્ફે લાલી બંસલ અને દિલ્હીમાં મોડેલ ટાઉનમાં રહેતા રવિન્દ્રનાથ મહેન્દ્રનાથ ગોયલની ધરપકડ કરી છે. જયારે અમદાવાદ સ્થિત રાજેન્દ્ર જેઠાલાલ કેશવનીએ જયપ્રકાશને પૈસા પણ મોકલ્યા હતા જેથી તે નજીકનાં
લોકોનાં બેંક ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરવાની પણ વાત સામે આવી હતી. દરમ્યાન આ કૌભાંડ અંગે જી.એસ.ટી.ના અમદાવાદ સ્થિત એન્ફોર્સમેન્ટ, વિંગના ડે. કમિશ્નર પઠાણનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ હતુ કે રજનીગંધા ગ્રુપનું વેટ ચોરીનું આ કૌભાંડ વર્ષ ૨૦૧૬/૧૭માં તંત્રના ધ્યાને આવેલ હતુ.
આ કૌભાંડમાં ગુજરાતમાં જુદા જુદા વ્યકિતઓનાં નામે બોગસ નંબરો લઈ અને તેના ઉપયોગથી માલ દિલ્હી અને ય.પી.થી ગુજરાતમાં લવાયો હતો અને બે નંબરીમાં વેચી નાંખ્યો હતો. અને વેટ તંત્રને એવું દેખાડયું કે માલ દિલ્હીમાં જ વેંચ્યો છે. જો કે આ માલ ગુજરાતમાં જ વેંચાયો હતો. આ પ્રકરણમાં રૂ ૯૦૦ કરોડનાં વ્યવહારો થયા હતા અને રૂ.૧૨૦ થી ૧૩૦ કરોડની કરચોરી કરાઈ હતી બાદ ઉપર મૂજબની પોલીસ ફરિયાદ કરાઈ હતી જે કાર્યવાહી હજુ ચાલુ છે.