ભવ્ય-દિવ્ય ગુજરાતનાં સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાતીઓને શુભકામનાઓ પાઠવતા રાજુભાઈ ધ્રુવ
ગુજરાત સ્થાપના દિન નિમિતે વિશ્વભરના ગુજરાતીઓને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવતાં રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે, ગૌરવવંતા ગુજરાત રાજ્યનાં ૫૯માં સ્થાપના દિવસ ગુજરાત-દેશ અને સમસ્ત દુનિયામા વસતાં ગુજરાતીઓને માટે આનંદ ઉત્સાહ ઉજવણી અભિનંદન નું પર્વ છે. જણાવ્યુ હતું કે, ૧ મે ૧૯૬૦નાં રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંથી અલગ ગુજરાત રાજ્યની સ્થાપના રવિશંકર મહારાજના વરદ હસ્તે કરવામાં આવી હતી.
ત્યારની શુભ ઘડીથી લઈ આજ દિવસ સુધી દેશ અને દુનિયામાં ગુજરાત પોતાનાં ઝડપી વિકાસ અને ગુજરાતી પ્રજાની જાજરમાન પ્રગતિ માટે જાણીતું રાજ્ય બન્યું છે. પીવાના પાણી અને વીજળીની ચોવીસ કલાક સુવિધા સાથે પાકા રોડરસ્તા, આધુનિક બાંધકામ, અદ્યતન આરોગ્ય કેન્દ્રો, ગુણવત્તાયુક્ત શૈક્ષણિક સંસ્થાઓ, સ્વચ્છ પર્યટન સ્થળો અને સુરક્ષિત પવિત્ર યાત્રાધામો થકી ગુજરાતની રજૂ થતી ભાતીગળ સંસ્કૃતિ, રીતરિવાજ, પરંપરા, રહેણીકહેણી, સ્થાપત્યો, આદર સત્કાર ભાવના આકર્ષણનાં કેન્દ્રબિંદુ બન્યા છે.
વિકાસશીલ ગુજરાત રાજ્યની પવિત્ર અને પુરાતન ભોમકા જન્મ અને કર્મક્ષેત્ર હોવાનો સૌ કોઈ ગુજરાતી ગૌરવ અનુભવે છે. ૧લી મેનો દિવસ માત્ર ગુજરાતની પ્રજા માટે જ નહીં પરંતુ, વિશ્વના ખૂણે ખૂણે વસતા અબાલ-વૃદ્ધ, સર્વે ગુજરાતીઓ માટે ગૌરવવંતો અને સ્વાભિમાનનો દિવસ છે. ગુજરાતની ભવ્ય કલા-સંસ્કૃતિ, સંત અને શૂરવીરો, સાહિત્યકારો, જાહેર જીવનના પ્રતિષ્ઠિત અગ્રણીઓ, નેતાઓ, લોકસેવકો, દેશભકતો અને ગુજરાતી અસ્મિતાના ભેખધારીઓનાં અનન્ય પ્રદાન તેમજ સમર્પણને વાગોળવાનો, ગર્વ અનુભવવાનો આ દિવસ છે. જય જય ગરવી ગુજરાત ગાતી ભવ્ય પરંપરા અને નમામિ દેવી નર્મદેનું સાંસ્કૃતિક ગાન આ સભ્યતાની ઓળખ છે.
આજે આપણને સહુને ગુજરાતનાં પ્રાચીન ઈતિહાસથી લઈને તારીખ પહેલી મે ૧૯૬૦ના રોજ સ્વતંત્ર ભારતના રાજ્ય તરીકે ગુજરાત અસ્તિત્વમાં આવ્યું ત્યાં સુધીના મહાગુજરાતીઓ જેવા કે, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, આદ્ય કવિ નરસિંહ મહેતા, ક્રાંતિવીર કવિ નર્મદ, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, ગુજરાતની અસ્મિતાનાં સ્વપ્નદૃષ્ટા કનૈયાલાલ મુનશી જેવા અનેક મહાનુભાવોનું સ્મરણ થઈ આવે એ સ્વાભાવિક છે.
આપણી કળા અને સંત પરંપરાની વિરાસત સમા ગુર્જરરત્નો સ્વામી દયાનંદ સરસ્વતી, સ્વામિનારાયણ પરંપરાના સહજાનંદ સ્વામી, પ્રેમાનંદ, બાલશંકર, કવિ કલાપી અને કેટકેટલા સાક્ષરોએ ગુજરાતની ગરીમાને, સાંસ્કૃતિક પરંપરાને સિંચી છે, પોષી છે અને નવી નવી ઊંચાઈઓ બક્ષી છે. આપણી ધર્મધ્વજાના બે મહત્વના શિખર સમાન સોમનાથ જયોતિર્લીંગ અને દેવભૂમિ દ્વારકા અનેક પ્રચંડ આક્રમણોનો સામનો કર્યા પછી આજે પણ એટલાં જ ભવ્ય, દિવ્ય અને દેદીપ્યમાન રહ્યાં છે.
ગુજરાતની ધર્મ સંસ્કૃતિને દાદા મેકરણ જેવા અનેક સંતોએ સિંચી છે તે કચ્છ, સૌરાષ્ટ્રની ધરતી પર દેહોત્સર્ગ પામેલા ભગવાન કૃષ્ણ અને આધુનિક ભારતનાં યોદ્ધા’ સ્વામી વિવેકાનંદ આ બધાને આ સોમ-સૌરાષ્ટ્ર ભૂમિએ આવકાર્યા હતા અને સગી માથી વિશેષ પ્રેમ આપ્યો હતો. જેની તુલના હિમાલય સાથે કરવામાં આવે છે તે ગરવો ગઢ ગિરનાર અને પવિત્રતમ તીર્થ શેત્રુંજયની દિવ્યભૂમિ અનેક શૂરા, સંતો અને તીર્થંકરોની અધ્યાત્મિકતાની સાક્ષી પૂરે છે.બૌદ્ધ ધર્મ અને ભગવાન ગૌતમ બુદ્ધ નું સમરણ પણ અહીં ની પવિત્ર ભૂમિ કરાવે છે. પારસી ધર્મ અને સંજાણ પણ સર્વ ધર્મ સમભાવ ની પ્રતીતિ કરાવે છે.
આવી આ ગુજરાતની આપણી આ પવિત્ર ભૂમિએ રાષ્ટ્રને ૧૮૫૭થી શરૂ થયેલા સ્વાતંત્ર્ય આંદોલનમાં પુરાણી બંધુઓ, ભગતસિંહના સાથી ભગવતીચરણ અને દુર્ગાભાભી, ગદર’નો ક્રાંતિકાર છગન ખેરાજ વર્મા, પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા, સરદારસિંહ રાણા, મેડમ કામા જેવા જવલંત દેશભકતો આપ્યા છે. આ ઉપરાંત, ઈંદુલાલ યાજ્ઞિક, મહાદેવભાઈ દેસાઈ, ગોપાળદાસ નાનાભાઈ ભટ્ટ, પ્રભાશંકર પટ્ટણી, મોતીભાઈ અમીન, ઠક્કરબાપા, ભિક્ષુ અખંડાનંદ, પંડિત સુખલાલજી, રણજીતરામ મહેતા, કસ્તુરભાઈ લાલભાઈ, રવિશંકર મહારાજ, ગીજુભાઈ બધેકા, સ્વામી આનંદ, જીવરાજ મહેતા, ભાઈકાકા, રવિશંકર રાવળ, ડો. હોમી જહાંગીર ભાભા, વિક્રમ સારાભાઈ જેવા અનેક મહાનુભાવો ગુજરાતે આપ્યા જેઓએ ભારતીય અસ્મિતાની જાળવણીમાં પણ અમુલ્ય યોગદાન આપ્યું છે.
આધુનિક ગુજરાતનું ઘડતર કરનાર મહાનાયકો અને ઘટનાઓને યાદ કરીએ તો મહાગુજરાત આંદોલન, બારડોલી સત્યાગ્રહ, દાંડીકૂચ, સુરત, હરિપુરાના પ્રજાકીય અધિવેશન, ગોધરાની રાજકીય પરિષદ, સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રના અર્વાચીન મશાલચી એવા પ્રથમ ગુજરાતી નારી લેખિકા જમનાબાઈ પંડિત, સુધારક રાજવી સયાજીરાવ ગાયકવાડ, ભગવદ્દ ગોમંડલનાં પ્રેરક પ્રજાવત્સલ મહારાજા ભગતસિંહ, રાણપુરમાં સૌરાષ્ટ્રપત્રની આહલેક જગાવનાર અમૃતલાલ દલપતરામ શેઠ, ભીલ સેવાવ્રતી ઠક્કરબાપા, કવિવર્ય ઉમાશંકર જોષી, પ્રા. પુરૂષોત્તમ ગણેશ માવળંકર, પ્રખર ધારાશાસ્ત્રી ચંદ્રકાંત દરૂ જેવા ધુરંધરો સ્મૃતિપટ પર છવાઈ જાય છે, આ સર્વે કોઈ વ્યકિતવિશેષના ઉદાહરણો જ નહીં પરંતુ, ગુજરાતની અસ્મિતાનાં ભવ્ય પ્રતીકો, સ્મારકો છે.
સ્વાતંત્ર્ય-પ્રાપ્તિ પછીના ૫૯ વર્ષની લાંબી યાત્રા બાદ સાંસ્કૃતિક અને વિકસિત રાજય તરીકેની ખમીરવંતા ગુજરાતની ઓળખને વૈશ્વિક ફલક ઉપર ગૌરવન્વિત કરવાનું શ્રેય ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ફાળે જાય છે. આજે ગુજરાત એ ઉદ્યોગ સાહસિકોની પ્રથમ પસંદ છે. કારકિર્દી ઘડતર હોય કે રોજગારી નિર્માણ હોય ગુજરાત આર્થિક, ઔદ્યોગિક, વિદ્યાભ્યાસ, પ્રવાસનથી લઈ અનેક ક્ષેત્રે અવ્વલ અને આધુનિક બની ઈતિહાસનાં પાનાઓ પર ડંકો વગાડી રહ્યું છે.
મોટીમોટી કંપનીઓ, હોસ્પિટલ, સુવિધા કેન્દ્રો ગુજરાતમાં પોતાનો વેપાર ધંધો અને બંદર સ્થાપવા તત્પર છે. બીજી તરફ આધુનિક ટેક્નોલોજી અને પાયાની જીવનજરૂરી સુખસુવિધાઓ વડે આપણું ગુજરાત દિન-પ્રતિદિન અદ્યતન અને અલાયદું બની બીજા રાજ્યો માટે દ્રષ્ટાંતરૂપ સાબિત થયું છે. ગુજરાતમાં થયેલ ભૂકંપ, પૂર, દુષ્કાળ જેવી કુદરતી હોનારતો અને આતંકી હુમલાઓ જેવી આફતો સામે સામા પ્રવાહે બાથ ભીડી પ્રત્યેક ગુજરાતીએ દાખવેલી નીડરતા, ધીરજ અને લોકભાવનાને સલામી આપ્યા વિના રહેવાતું નથી. વળી આફતને અવસરમાં પલટાવવાની આવડત તો ગુજરાતીઓની નસેનસમાં છે.
અતિથ્ય સત્કાર અને સંસ્કાર માટે જાણીતા ગુજરાતે રાજપુરુષ મોરારજી દેસાઈ અને નરેન્દ્રભાઈ મોદી જેવા કર્મઠ વડાપ્રધાનની ભેટ ભારતને ધરી છે. ગુજરાત રાજ્યની સ્થાપના બાદ પ્રજાનાં પ્રતિનિધિ બની પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાથી લઈ વર્તમાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આપણાં રાજ્યનાં સર્વાગી વિકાસ, પાયાની સવલતો અને લોકકલ્યાણનાં પ્રજાવસત્ય કાર્યોને પૂર જોશમાં આગળ ધપાવી રહ્યા છે. બીજી તરફ કેન્દ્રમાં લોકનાયક નરેદ્રભાઈ મોદી ગુજરાત અને ભારતનો સૌનાં સાથ સૌના વિકાસ થકી સમગ્ર દેશ અને દુનિયામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી સૌ કોઈ ગુજરાતીઓ અને ભારતીયોને ગૌરવ અપાવી રહ્યા છે.