મહારાષ્ટ્રનાં સ્થાપનાં દિવસે જ નકસલીઓએ સુરક્ષા દળનાં વાહનને નિશાન બનાવીને બોમ્બથી ઉડાવ્યું: ત્રણેક ડઝન વાહનોને આગ ચાંપી
મહારાષ્ટ્રનાં ગઢચિરોલીમાં નકસલીઓ દ્વારા આજે સુરક્ષા દળનાં વાહન ઉપર આઈઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રનાં સ્થાપના દિવસે જ થયેલા આ હુમલામાં ૧૫ જવાન શહિદ થતાં અરેરાટી મચી જવા પામી છે. ઉપરાંત નકસલીઓએ ત્રણેક ડઝન વાહનોને આગ પણ ચાંપી દીધી હોવાનું જાણવા મળ્યું છે.
મહારાષ્ટ્રનાં ગઢચિરોલી વિસ્તારમાં વિશાળકાય જંગલ આવેલું છે. નકસલીઓ આ જંગલને આશરો બનાવતાં રહે છે. અગાઉ પણ વર્ષ-૨૦૧૮માં જંગલમાં છુપાયેલા નકસલીઓનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું જેમાં ૧૪ નકસલીઓને ઠાર કરાયા હતા. આ તકે એક પોલીસ જવાન પણ શહિદ થયા હતા. આ જંગલમાં છુપાયેલા નકસલીઓએ આજે કુરખેડા નજીક પસાર થઈ રહેલા સુરક્ષા દળનાં વાહન ઉપર આઈઈડી બોમ્બ ફેંકીને બ્લાસ્ટ કર્યો હતો. કમાન્ડોનું યુનિટ અહીંના રોડ પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે આઈઈડી બ્લાસ્ટ થવાનાં કારણે ૧૫ જવાનો શહિદ થયા છે.
આજે ૧ મેનાં રોજ મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ છે ત્યારે આજે જ નકસલીઓએ હુમલાને અંજામ આપીને તબાહી મચાવી છે. મળતી વિગત પ્રમાણે મહારાષ્ટ્રમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં થયેલા ભારે મતદાનનાં કારણે નકસલવાદીઓમાં ભારોભાર રોષની લાગણી પ્રવર્તી હતી જેના કારણે તેઓએ આઈઈડી બ્લાસ્ટને અંજામ આપ્યો છે જોકે આ પૂર્વે છતીસગઢમાં પણ નકસલવાદીઓએ હુમલો કર્યો હતો જેમાં ભાજપના ધારાસભ્યનું મોત પણ નિપજયું હતું. ઉપરાંત ઝારખંડમાં નકસલીઓએ ભાજપનાં કાર્યાલયને બોમ્બથી ઉડાવી દીધું હતું.
આમ છેલ્લા થોડા દિવસોમાં નકસલવાદીઓએ કરેલા અનેક હુમલાઓ સામે આવ્યા છે જોકે મહારાષ્ટ્રમાં આજે થયેલા હુમલામાં ૧૫ જવાનો શહિદ થયા છે ત્યારે આ ઘટનાને ઠેર-ઠેરથી વખોડી કાઢવામાં આવી રહી છે. ઉપરાંત ઘટનાનાં પગલે સમગ્ર મહારાષ્ટ્રમાં અરેરાટી મચી જવા પામી છે.