ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્ચ 2019માં લેવાયેલી ધોરણ 12 સાયન્સની સેમેસ્ટર પદ્ધતિની પરીક્ષાનું પરિણામ 9 મેના રોજ જાહેર કરવામાં આવશે. સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ www.gsed.org પર મુકવામાં આવશે. વિદ્યાર્થીઓને માર્કશીટ, પ્રમાણપત્ર અને ગુજકેટની પરીક્ષાની માર્કશીટ જે તે જિલ્લાના નિયત કરેલા સ્થળો પરથી 9મે 2019ના રોજ સવારે 10થી સાંજે 4 વાગ્યા દરમિયાન મળશે.
ગુજરાત રાજ્યમાંથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા સાથે લેવાયેલી ગુજકેટની પરીક્ષામાં એ, બી અને એબી ગ્રુપમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સરકાર દ્વારા નક્કી કરાયું છે કે ગુજકેટના પરીક્ષાના પરિણામ પણ 9મી મેના રોજ જ જાહેર થશે. 26મી એપ્રિલના રોજ યોજાયેલી ગુજકેટની પરીક્ષામાં રાજ્યના 607 કેન્દ્રો પર 1,34,846 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા આ વર્ષે વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસના એડમિશન લેવામાં તકલીફ ન પડે તેથી ગુજકેટનું પરિણામ પણ એક જ દિવસે જાહેર કરવાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને માર્કશીટ પણ પરિણામના દિવસે જ મળી જશે.