ચૂંટણી પંચનો હાસ્યાસ્પદ નિર્ણય, ગુજરાતમા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ હોવા છતાં પ્રદેશના નેતા ઉપર કાલ સુધી પ્રચાર પ્રતિબંધ મૂક્યો
ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સામે આચારસંહિતા ભંગ બદલ ૭૨ કલાકનો પ્રચાર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ કાલ સુધી રહેવાનો છે. જો કે ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. જીતુ વાઘાણી સ્ટાર પ્રચારકની યાદીમાં પણ નથી. ત્યારે તેમના પર લગાવાયેલો પ્રચાર પ્રતિબંધ હાસ્યાસ્પદ બન્યો છે.
લોકસભા ચૂંટણી ૨૦૧૯માં આદર્શ ઈલેક્શન આચાર સંહિતાનું ઉલ્લંઘન કરનારા નેતાઓ પર ચૂંટણી પંચ દ્વારા પ્રચાર પર પ્રતિબંધ લગાવવાનો સિલસિલો સતત ચાલુ છે. આ લિસ્ટમાં નવુ નામ ગુજરાત બીજેપીના અધ્યક્ષ જીતુ વાઘાણી પણ સામેલ થયા છે. ચૂંટણી પંચે આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા પર જીતુ વાઘાણી પર ૭૨ કલાકનો પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધ મંગળવારે સાંજે ૪ વાગ્યાથી શરૂ થયો છે. ચૂંટણી પંચે જીતુ વાઘાણી પર આ કાર્યવાહી સુરત જિલ્લાના અમરોલીમાં આચાર સંહિતાના ઉલ્લંઘન કરવા ઉપર કરી છે.
રાજ્યમાં ચૂંટણી પુરી થયાને એક અઠવાડિયા બાદ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી પર ચૂંટણી પંચે પ્રચાર માટે પ્રતિબંધ લગાવ્યો છે. ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ સુરતના અમરોલીમાં ચૂંટણી સભા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે વિવાદિત ટિપ્પણી કરી હતી. જેને લઈને કોંગ્રેસે ફરિયાદ કરી હતી. શરૂઆતમાં સ્થાનિક ચૂંટણી અધિકારી દ્વારા ક્લીન ચીટ આપવાના અહેવાલો આવ્યા હતા, જેને પગલે કોંગ્રેસે કેન્દ્રીય ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. જેના પર કેન્દ્રીય ચૂંટણી પંચે નિર્ણય લીધો.
કેન્દ્રીય ચૂંટણી પંચે ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીના નિવેદનને આચારસંહિતાનો ભંગ ગણ્યું હતું અને મંગળવારે સાંજે ૪ વાગ્યાથી આગામી ૭૨ કલાક સુધી પ્રચાર માટે પ્રતિબંધ લગાવ્યો. જેના કારણે ભાજપ પ્રમુખ આગામી ૭૨ કલાક સુધી મીડિયા સમક્ષ કે ચૂંટણી પ્રચાર નહીં કરી શકે. ગુજરાતમાં કોઈ રાજકીય નેતા પર ચૂંટણી પ્રચાર માટે પ્રતિબંધ લાગ્યાનો આ પહેલો કિસ્સો બન્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઈ છે. અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સ્ટાર પ્રચારકની યાદીમા પણ નથી. જેથી તેઓને ક્યાંય પણ ચૂંટણીલક્ષી પ્રચાર કરવાની જરૂર નથી. ત્યારે ચૂંટણી પંચે તેઓ ઉપર પ્રચાર પ્રતિબંધ મુકતા સમગ્ર ઘટના હાસ્યાસ્પદ બની છે.