વિદ્યાર્થીઓની સલામતીને લઈને થયેલી અરજી બાદ હાઈકોર્ટનો આદેશ: ૧૭મી જુન સુધીમાં એકશન ટેકન રીપોર્ટ જમા કરાવવાની તાકીદ

વિદ્યાર્થીઓની સલામતીને લઈને હાઈકોર્ટમાં અરજી થઈ હતી જેનાં પગલે હાઈકોર્ટે તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં સીસીટીવી કેમેરા ફરજીયાતપણે લગાવવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત હાઈકોર્ટે ૧૭મી જુન સુધીમાં એકશન ટેકન રીપોર્ટ જમા કરાવવા સરકારને તાકીદ પણ કરી હોવાનું જાણવા મળ્યું છે.

રાજયની અનેક સ્કુલોમાં હજુ સુધી સીસીટીવી કેમેરા લાગ્યા નથી જેનાં કારણે ઘણી વખત શાળાઓમાં દુર્ઘટના સર્જાયા બાદ તંત્ર હકિકતથી વાકેફ થઈ શકતું નથી. સીસીટીવી કેમેરા કોઈપણ દુર્ઘટના સમયે ખુબ જ મદદરૂપ થતા હોય છે તેમ છતાં રાજયની અનેક સરકારી તેમજ ખાનગી શાળાઓમાં સીસીટીવી કેમેરાઓ હજુ સુધી ફીટ કરાવવામાં આવ્યા નથી ત્યારે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.

જેને લઈને હાઈકોર્ટે આજરોજ તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં ફરજીયાતપણે સીસીટીવી કેમેરા લગાવવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત હાઈકોર્ટે ૧૭ જુન સુધીમાં એકશન ટેકન રીપોર્ટ રજુ કરવા તંત્રને તાકીદ પણ કરી છે.

ઉલ્લેખનીય છે કે, શાળાઓમાં ઘણાં બનાવો એવા બનતા હોય છે કે મામલો પોલીસ મથક સુધી પહોંચતો હોય છે ત્યારે સીસીટીવી કેમેરાનાં અભાવે પોલીસ હકિકતથી વાકેફ થઈ શકતી નથી માત્ર સાક્ષીઓનાં આધારે જ તપાસ ચલાવવી પડતી હોય છે ત્યારે આવા સમયે સીસીટીવી કેમેરાની ખોટ વર્તાય છે પરંતુ હાઈકોર્ટનાં આદેશથી હવે શાળાઓમાં સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવનાર છે જેથી પોલીસનું કામ પણ ખુબ જ સરળ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.