આધારકાર્ડમાં નામમાં સુધારો, ખોવાઈ ગયેલા કાર્ડ ફરી કઢાવવા સહિતની કામગીરી કલાકો સુધી બંધ રહેતા અરજદારોની લાંબી લાઈનો લાગી
કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં આજે સવારે સર્વર ઠપ્પ થઈ જવાનાં કારણે આધારકાર્ડની કામગીરી બંધ થઈ જવા પામી હતી જેને લીધે અરજદારોની લાંબી કતારો લાગી જવા પામી હતી. નામમાં સુધારો, ખોવાઈ ગયેલા કાર્ડ ફરી કઢાવવા સહિતની કામગીરી માટે આવેલા લોકોને ધકકા થયા હતા. કલાકો સુધી સર્વર ઠપ્પ રહેતા ભારે દેકારો બોલી ગયો હતો.
કેન્દ્ર સરકાર દ્વારા મોટાભાગની કામગીરીમાં આધારકાર્ડ ફરજીયાત કરી દેવામાં આવ્યું હોવાનાં કારણે હાલ આધારકાર્ડમાં નામ સુધારણા, અટક સુધારણા, જન્મ તારીખમાં સુધારણા, ખોવાઈ ગયેલા કાર્ડ ફરી કઢાવવા સહિતની કામગીરી માટે કોર્પોરેશનમાં સારો એવો ધસારો રહે છે. હાલ બે જ કિટ ઉપલબ્ધ હોવાનાં કારણે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં લોકોનો વારો આવતો નથી. દરમિયાન આજે સવારે અચાનક સર્વર ઠપ્પ થઈ જવાનાં કારણે આધારને લગતી મોટાભાગની કામગીરી સજજડ બંધ થઈ ગઈ હતી.
સોફટવેરમાં ખામી સર્જાતા અરજદારોને આજે આધારને લગતી કોઈ કામગીરી થશે નહીં તેવા જવાબ આપવામાં આવતા હતા. હાલ મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં રૂમ નં.૨૦માં આધારકાર્ડને લગતી કામગીરી ચાલી રહી છે. જેમાં માત્ર બે જ કિટ ઉપલબ્ધ હોવાનાં કારણે રોજ અરજદારોની લાઈનો લાગે છે. રાજકોટ શહેર તો ઠીક આસપાસનાં ગામોમાંથી પણ લોકો આધારમાં સુધારા-વધારા માટે કોર્પોરેશન કચેરીએ આવતા હોવાનાં કારણે સારો એવો ધસારો રહે છે જોકે સર્વર ઠપ્પ થઈ જવાનાં કારણે આજે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.