રાજકોટ ડિવિઝન ૧૦ અને ૧૧ની કાર્યવાહીથી વેપારીઓની ‘ઈયર એન્ડ’ની પ્રોસેસ વખતે જ વધુ એક પરેશાની
ઈ.વે.બિલ અને ૩.બી રિટર્નમાં વેચાણનાં આંકડા ઈ.વે. બિલની ટોટલ રકમ સાથે મેચ ન થતા
રાજકોટ જીએસટી વિભાગનાં ડિવીઝન ૧૦ અને ૧૧ના સતાવાળાઓ દ્વારા તાજેતરમાં જ અનેક વેપારીઓને ‘મિસમેચ’ની નોટીસો ફટકારવામાં આવતા વેપારીઓ પરેશાન થઈ ગયાનું જાણવા મળેલ છે.
આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ ઈ.વે.બિલ અને ૩-બી રિર્ટનમાં, વેંચાણનાં આંકડા ઈવે મિલની ટોટલ રકમ સાથે મેચ નથી થતા આવા અનેક કિસ્સામાં વેપારીઓને ‘મિસમેચ’ અંગેની નોટીસો ફટકારવામાં આવી છે.જેથી વેપારીઓ હાલ પરેશાન થઈ
ગયા છે.
આ અંગે રાજકોટ જી.એસ.ટી. બાર એસોસિએશનનાં પ્રમુખ જીતેન્દ્ર ચાવડાનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ હતુ કે રાજકોટ જી.એસ.ટી. ડિવીઝન ૧૦ અને ૧૧ દ્વારા ઈ.વે.બિલ અને ૩ બી રિર્ટનમાં વેચાણનાં આંકડા ઈ.બિલની ટોટલ રકમ સાથે મેચ નથી થતા તેવા અત્યાર સુધીનાં લગભગ ૧૫૦૦ જેટલા કિસ્સામાં વેપારીઓને ‘મિસ મેચ’ અંગેની નોટીસો ફટકારવામાં આવી છે. આ નોટીસોનાં કારણે વેપારીઓ સામે વિવિધ પ્રશ્ર્નો ખડા થયા છે અને પરેશાની ઉભી થઈ છે.
આ અંગે જી.એસ.ટી. બાર એસો.ના પ્રમુખ જીતેન્દ્ર ચાવડા વધુમાં જણાવેલ છે કે, આ નોટીસોમાં વેપારીઓને કલેરી ફીકેશન માટે માત્ર એક જ સપ્તાહનો ઓછો કહી શકાય તેટલો જ સમય અપાયો છે.
ઉપરાંત હાલમાં વેપારીઓ ઈયર એન પ્રોસેસમાં રોકાયેલા હોય ત્યાં જ આ નોટીસના કલેરીફીકેશનની વધારાની કામગીરી આવી પડી છે. જયારે, ઈ.વે. બિલની સાઈટ ઉપર હાલ જૂના ઈ.વેબિલને રેકોર્ડ પણ જોવા મળી રહ્યો નથી જેથી વેપારીઓને મેળવણુ કરવામા પણ ભારે મુશ્કેલી પડી રહી છે.
ઉલ્લેખનીય છે કે, તંત્ર દ્વારા આવી નોટીસો હજુ પણ કાઢવામાં આવી રહી છે. જેથી વધુને વધુ વેપારીઓ પરેશાનીમાં મૂકાઈ
રહ્યા છે.