બુધવાર સુધી રાજયભરમાં સુર્યપ્રકોપ યથાવત રહેશે: ઓરેન્જ એલર્ટ જારી: કાળઝાળ ગરમીથી જીવ માત્ર ત્રાહિમામ
કંડલાનું તાપમાન રેકોર્ડબ્રેક ૪૬.૮ ડિગ્રી નોંધાયું: સુરેન્દ્રનગર ૪૪.૭ ડિગ્રી, અમરેલી ૪૪.૬ ડિગ્રી, જુનાગઢ ૪૪.૫ ડિગ્રી, રાજકોટ ૪૪ ડિગ્રી સાથે અગનભઠ્ઠીમાં ફેરવાયા
છેલ્લા એક માસથી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજયભરમાં સુર્યપ્રકોપે માજા મુકી છે. એપ્રીલ માસમાં આકાશમાંથી અગનવર્ષા થઈ રહી છે. મે માસમાં કેવી ગરમી પડશે તે વિચારીને ધ્રુજારી છુટી જાય છે. આજે રાજયભરમાં સિવિયર હીટવેવની આગાહી આપવામાં આવી હોય મહતમ તાપમાનનો પારો ૪૫ ડિગ્રીએ પહોંચે તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે. બુધવાર સુધી રાજયભરમાં આકાશી સુનામીનો કહેર યથાવત રહેશે. ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કાળઝાળ ગરમીથી જીવ માત્ર ત્રાહિમામ પોકારી ગયો છે.
રવિવારે સુર્યનારાયણ કાળઝાળ બન્યા હતા. સવારે ૧૦ વાગ્યાથી લઈ સાંજના ૭ વાગ્યા સુધી ગરમીનો પ્રકોપ રહેવા પામ્યો હતો જોકે રાજકોટમાં શનિવારની સરખામણીમાં રવિવારે મહતમ તાપમાનમાં ૦.૭ ડિગ્રી સેલ્શીયસનો ઘટાડો નોંધાયો હતો. હીટવેવનાં કારણે લોકો રીતસર અકળાઈ ઉઠયા છે. ગઈકાલે કંડલાનું મહતમ તાપમાન રેકોર્ડબ્રેક ૪૬.૮ ડિગ્રી સેલ્શીયસે પહોંચી જવા પામ્યું હતું તો સુરેન્દ્રનગરનું તાપમાન ૪૪.૭ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. અમરેલીનું તાપમાન ૪૪.૬ ડિગ્રી, જુનાગઢનું તાપમાન ૪૪.૫ ડિગ્રી, રાજકોટ અને ભાવનગરનું તાપમાન ૪૪ ડિગ્રી, અમદાવાદનું તાપમાન ૪૩.૭ ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન ૪૩.૬ ડિગ્રી, વડોદરાનું તાપમાન ૪૪.૪ ડિગ્રી, સુરતનું તાપમાન ૪૩.૩ ડિગ્રી, પોરબંદરનું તાપમાન ૪૨.૧ ડિગ્રી જયારે જામનગરનું તાપમાન ૪૦ ડિગ્રી સેલ્શીયસે પહોંચી જવા પામ્યું હતું. સામાન્ય રીતે દરિયાકાંઠા વિસ્તારમાં તાપમાનનો પારો થોડો નીચો રહેવા પામતો હોય છે પરંતુ રવિવારે દરિયાઈ વિસ્તાર શહેરોમાં પણ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર પહોંચી ગયો હતો.
સામાન્ય રીતે રેકોર્ડબ્રેક તાપમાન મે માસમાં નોંધાતું હોય છે પરંતુ આ વર્ષે ઉનાળાની સીઝનમાં એપ્રીલ માસમાં જ તાપમાનનો પારો જે રીતે ૪૫ ડિગ્રીને લગોલગ પહોંચી ગયો છે તે જોતા એવું લાગી રહ્યું છે કે, આ વર્ષે ઉનાળો પાછલા તમામ વર્ષનાં રેકોર્ડબ્રેક કરશે. આ વખતે તાપમાનનો પારો ૪૬ ડિગ્રી સુધી પહોંચી જાય તેવી શકયતા પણ નકારી શકાતી નથી. આજે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં સિવિયર હીટવેવની આગાહી આપવામાં આવી છે એટલે કે તાપમાનનો પારો ૪૫ ડિગ્રી સુધી પહોંચી શકે તેમ છે. હીટવેવમાં લોકોને સનસ્ટ્રોકથી બચવા માટે સરકારી વિભાગો દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.
જે રીતે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં સુર્યપ્રકોપ વરસી રહ્યો છે તેની સામે ગરમીમાં એસી, વોટર કુલર અને પંખા સહિતનાં ઉપકરણો પણ બિનઅસરકારક સાબિત થઈ રહ્યા છે. બપોરે ૧૨ વાગ્યાથી લઈ સાંજના ૬ વાગ્યા સુધી રાજમાર્ગો પર સ્વયંભુ સંચારબંધી જેવો માહોલ સર્જાઈ જાય છે. દિવસભર આકરા તાપમાં સેકાયા બાદ લોકો રાત્રી દરમિયાન થોડીઘણી ઠંડક મેળવવા માટે રીતસર રાજમાર્ગો પર ઉમટી પડે છે. આજે રાજકોટનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે પારો ૪૫ ડિગ્રી સુધી પહોંચે તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે. આગામી બુધવાર સુધી ગરમીમાં કોઈપણ પ્રકારની રાહત મળે તેવી સંભાવના દેખાતી નથી. બુધવાર બાદ મહતમ તાપમાનનો પારો એકાદ-બે ડિગ્રી સુધી પટકાશે અને લોકોને ગરમીમાં સામાન્ય રાહત મળે તેવી આશા જણાઈ રહી છે. કાળઝાળ ઉનાળામાં સૌરાષ્ટ્રનાં અનેક ગામોમાં પાણીનો પોકાર સર્જાયો છે. એક બેડા પાણી માટે મહિલાઓએ કિલોમીટર ચાલીને જવું પડે છે. ચોમાસાને હજી બે મહિનાની વાર હોય આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં પાણીની મોટી રામાયણ સર્જાય તેવી ભીતિ પણ દેખાઈ રહી છે.