ઇન્દિરા સર્કલ પાસે કાઠી યુવાની હત્યામાં સંડોવાયેલા બંને પોલીસમેનને બચાવવા તપાસ રફેદફે કરી નાખતા ટ્રાફિક વોર્ડને પણ કરી હત્યા : ટ્રાફિક વોર્ડને યુવતીની કરેલી છેડતીના મુદે ઠપકો દેતા યુવકનું ઢીમઢાળી દીધું: રાતે માથાકૂટ થતા ઘટના સ્થળે આવેલી પીસીઆરવાનના સ્ટાફે કાર્યવાહી ન કરતા યુવાને જીવ ગુમાવ્યો
શહેરમાં ઇન્દિરા સર્કલ પાસે કાઠી યુવાનની બે પોલીસમેને હત્યા કરી નાખ્યાની ઘટના બાદ શહેર પોલીસે બંને આરોપી પોલીસમેનની ઇન્ડાયરેકલી મદદરૂપ થઇ સમગ્ર તપાસને રફેદફે કરી નાખતા પોલીસ અને તેની સાથે જોડાયેલાઓને હત્યા કરવાની છૂટ હોય તે રીતે ભીમરાવનગરમાં ટ્રાફિક વોર્ડને પોતાના ભાઇઓ અને પિતા સાથે મળી યુવાનને છરીના ૨૦ ઘા ઝીંકી હત્યા કર્યાનું પોલીસમાં નોંધાયું છે. છેડતીના પ્રશ્ને ટ્રાફિક વોર્ડનના પરિવાર સાથે છેલ્લા એક સપ્તાહથી ચાલતા વિવાદ અંગે ગતરાતે થયેલી માથાકૂટ દરમિયાન પીસીઆર વાનના સ્ટાફે કાયદેસર કાર્યવાહી કરી હોત તો યુવાનનો જીવ બચી શકે તેમ હોવાનું પરિવારજનોએ આક્ષેપ કરી હત્યાની ફરિયાદ ચાર શખ્સો સામે નોંધાવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભીમરાવનગરમાં રહેતા મુરારી કેશુભાઇ મકવાણા નામના ૨૧ વર્ષના યુવાનને તેના પાડોશમાં રહેતા ટ્રાફિક વોર્ડન ડબુ ઉર્ફે ઇસુ ભરત મકવાણા, અનિલ ભરત મકવાણા, ભૂક્કો ઉર્ફે પ્રફુલ ભરત મકવાણા અને ભરત મકવાણા નામના શખ્સોએ ઘરમાં ઘુસી છરીના ૨૦ જેટલા ઘા ઝીંકી કરપીણ હત્યા કર્યાનું આજી ડેમ પોલીસમાં નોંધાયું છે.
ટ્રાફિક વોર્ડન તરીકે ફરજ બજાવતા ડબુ ઉર્ફે ઇસુ મકવાણાએ એકાદ સપ્તાહ પૂર્વે મુરારીની બેનની છેડતી કરી હોવાથી બંને પરિવાર વચ્ચે ઝઘડો થયો હોવાથી ગતરાત ઝઘડા અંગે સમાધાન માટે બંને પરિવાર એકઠાં થયા હતા ત્યારે બંને પક્ષે ઉગ્ર બોલાચાલી થતા પોલીસ કંટ્રોલ ‚મમાં ફોન કરી પીસીઆર વાન બોલાવવી પડી હતી.
ભીમરાવનગરમાં તપાસ અર્થે ગયેલી પીસીઆરવાનના સ્ટાફે કંઇ કાર્યવાહી કર્યા વિના જ બંને પક્ષને ઠપકો દઇ જતા રહ્યા હતા. રાતે ત્રણ વાગ્યા સુધી ઝઘડો ચાલ્યો હોવાથી મુરારી મકવાણા કારખાને ગયો ન હતો અને પોતાના ઘરે સુતો હતો ત્યારે ટ્રાફિક વોર્ડન ડબુ ઉર્ફે ઇસુ તેના ભાઇઓ અને પિતા સાથે છરી સાથે મુરારી મકવાણાના ઘરમાં ઘુસી ગયા હતા ત્રણ શખ્સોએ મુરારી મકવાણાને પકડી રાખ્યો હતો અને ટ્રાફિક વોર્ડન ડબુ ઉર્ફે ઇસુએ ઝનુનથી છરીના ૨૦ જેટલા ઘા ઝીંકી ચારેય શખ્સો ભાગી ગયા હતા. મુરારી મકવાણા લોહીલુહાણ હાલતમાં ઢળી પડતા તેને ૧૦૮ની મદદથી સારવાર માટે હોસ્પિટલ લઇ જવા પ્રબંધ કરાયો હતો જયાં તેનો મૃતદેહ જ પહોચ્યો હતો. ટ્રાફિક વોર્ડન સહિતના શખ્સોએ હત્યા કર્યાની આજી ડેમ પોલીસ મથકમાં જાણ થતા પી.આઇ. વાઘેલા સહિતના સ્ટાફે ચારેય શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી ચારેય શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.