૬૮૦૬૫ લોકોએ ભર્યો એડવાન્સ ટેકસ
ગત વર્ષે આજ સુધીમાં થઈ હતી રૂ.૧૬.૮૪ કરોડની આવક, આ વર્ષે રૂ.૩૦.૫૯ કરોડની આવક
રાજકોટ મહાનગરપાલિકાની ટેકસ બ્રાંચને વેરા વળતર યોજના અંતર્ગત ચાલુ વર્ષે ગત નાણાકીય વર્ષ કરતા બમણી આવક થવા પામી છે. ગત વર્ષે આજ સુધીમાં ૪૬,૮૪૮ કરદાતાઓએ એડવાન્સ ટેકસ ભરી મહાપાલિકાની તિજોરીમાં ૧૬.૮૪ કરોડ ઠાલવ્યા હતા. આ વર્ષે આજ સુધીમાં ૬૮,૦૬૫ કરદાતાઓએ એડવાન્સ ટેકસ ભરી મહાપાલિકાની તિજોરીમાં ૩૦.૫૯ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે.
આ અંગે ટેકસ બ્રાન્ચના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ ગત ૭ એપ્રીલથી વેરા વળતર યોજના શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત આજ સુધીમાં ૬૮૦૬૫ કરદાતાઓએ આ યોજનાનો લાભ લેતા મહાપાલિકામાં રૂ.૩૦.૫૯ કરોડ ઠાલવ્યા છે જે ગત વર્ષની સરખામણીએ લગભગ બમણા જેવા થાય છે.
ગત વર્ષે આજ સુધીમાં ૪૬૮૪૮ કરદાતાઓએ જ વેરો ભરપાઈ કર્યો હતો અને મહાપાલિકાને રૂ.૧૬.૮૪ કરોડની આવક થવા પામી હતી. આ વખતે આ આંક ૩૦.૫૯ કરોડે પહોંચ્યો છે. વેરા વળતર યોજના અંતર્ગત આગામી ૩૧મી મે સુધીમાં એડવાન્સ ટેક્ષભરનાર કરદાતાને વેરામાં ૧૦ ટકા અને મહિલાઓને વિશેષ ૫ ટકા સાથે ૧૫ ટકાનું રિબેટ આપવામાં આવી રહ્યુ છે.જુન માસમાં અનુક્રમે ૫ અને ૧૦ ટકા વળતર આપવામાં આવશે માત્ર ૧ પખવાડીયામાં જ વેરા વળતર યોજનાનો ૬૮૦૬૫ લાભ લઇ કોર્પોરેશનની તીજોરી રીતસર છલકાવી દીધી છે
કોમર્શીયલ અને ઈન્ડસ્ટ્રીયલમાં પતરાવાળા બાંધકામમાં ૨૦ ટકા રાહત
મિલકત વેરામાં કાર્પેટ એરીયા આધારીત પધ્ધતિમાં કોમર્શીયલ હેતુની મિલકતનો ભારાંક ૨૨ ‚પિયા નકકી કરવામાં આવ્યો છે. જો કે, ટેકસ બ્રાંચ દ્વારા કોમર્શીયલ અને ઈન્ડસ્ટ્રીયલ હેતુનું બાંધકામ પાકકુ અને સ્લેબવાળુ હોવાના બદલે જો પતરાવાળુ હોય તો તેમાં ભારાંકમાં ૨૦ ટકા સુધીની રાહત આપવામાં આવે છે. આ વાતથી કેટલાય કારખાનેદારો અજાણ હોવાના કારણે તેઓ વળતરનો લાભ લેવાનું ચૂકી જતા હોય છે જો કે, એ વાતનું ખાસ ધ્યાન રહે કે, મિલકત વેરાના બીલમાં ૨૦ ટકા નહીં પરંતુ ભારાંકમાં ૨૦ ટકાની રાહત આપવામાં આવી છે.