બાબા અમરનાથની વાર્ષિક તીર્થયાત્રા ૨૦૧૯ માટે હેલિકોપ્ટરનું ઓનલાઈન બુકિંગ પહેલી મેથી શરૂ થઈ જશે. જેની પાસે હેલિકોપ્ટર ટિકિટ હશે તેને તીર્થયાત્રા માટે વહેલું રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નહિ પડે. અમરનાથ યાત્રા ૧ જુલાઈથી શરૂ થઈ રહી છે. ૪૬ દિવસની યાત્રા ૧૫ ઓગસ્ટ રક્ષાબંધનના દિવસે સંપન્ન થશે.
પવિત્ર ગુફાની યાત્રા કરવા માટે હેલિકોપ્ટર સેવા લેવા માંગતા શ્રદ્ધાળુઓ ૧ મેના સવારે ૧૦ વાગ્યાથી બુકિંગ કરાવી શકે છે. બોર્ડે મેસર્સ ગ્લોબલ વેક્ટ્રા હેલિકોપ્ટર લિમિટેડ અને મેસર્સ હિમાલયન હેલી સર્વિસ પ્રાઈવેટ લિમિટેડની સેવા બાલતાલ-પંજતરણી રૂટ માટે લીધી છે. પહલગામ-પંજતરણી રૂટ માટે મેસર્સ યુટી એર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડની સેવા લેવામાં આવી છે.
અમરનાથ શ્રાઈન બોર્ડ (જઅજઇ)ના ચીફ એક્ઝિક્યુટિવ સીઈઓ ઉમંગ નરુલાએ જણાવ્યું કે યાત્રીઓ આ કંપનીની વેબસાઈટ પર જઈને ઓનલાઈન બુકિંગ કરાવી શકશે. તેમણએ જણાવ્યું, બાલતાલ-પંજતરણીના રુટ પર વ્યક્તિદીઠ ભાડુ ‚. ૧૮૦૪ થશે જ્યારે પહેલગામ-પંજતરણી રૂટ પર ભાડુ ‚. ૩૧૦૪ થશે.
હેલિકોપ્ટર સર્વિસ લેવા માંગતા યાત્રીઓએ હેલિકોપ્ટરમાં ચડતા પહેલા રાજ્ય સરકાર દ્વારા અધિકૃત ડોક્ટર્સ કે સંસ્થા દ્વારા અપાયેલા હેલ્થ સર્ટિફિકેટ રજૂ કરવા પડશે. યાત્રીઓને અધિકૃત હેલિકોપ્ટર ઓપરેટર્સ અને તેમના અધિકૃત એજન્ટ પાસેથી જ ટિકિટ લેવાની સલાહ અપાઈ છે. તેમને કોઈ છેતરપિંડીનો ભોગ બનવાથી કે ફેક ટિકિટ્સ ખરીદવાથી બચવાની ખાસ સલાહ અપાઈ છે