ઝીંઝુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે ફરજ બજાવતા ધામાની મહિલાએ વિસાવડી સબ સેન્ટરમાં ગોળીઓ ખાઇને મોતને વહાલું કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મોતને ભેટેલી નર્સના પિતાએ ઝીંઝુવાડા મેડીકલ ઓફિસરે નોકરી બાબતે ત્રાસ આપતા મારી દીકરીએ મોતને વ્હાલુ કર્યાની ફરીયાદ નોંધાવતા આ કેસમાં નવો વળાંક આવ્યો છે.
પાટડી તાલુકા બ્લોક હેલ્થ ઓફિસના તાબામાં આવતા ઝીંઝુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે ફરજ બજાવતા મયુરીબેન કાળુભાઇ પરમારે ૨૪મી એપ્રિલે બપોરના સમયે વિસાવડી સબસેન્ટર ખાતે કોઇ અગમ્ય કારણોસર આપઘાત કરવાના ઇરાદે સંખ્યાબંધ ગોળીયો ખાઇ લેતા એને બેભાન હાલતમાં પ્રાથમિક સારવાર અર્થે વિરમગામ અને ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં રીફર કરાતા એનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અમદાવાદ હોસ્પિટલમાં આ મહિલાનું પોસ્ટ મોર્ટમ કરાવાયા બાદ શુક્રવારે ધામા ખાતે એની અંતિમ વિધી કરાઈ હતી. બીજી બાજુ આજે આ મૃતક મહિલાના પિતા કાળુભાઇ ગાડાભાઇ પરમારે ઝીંઝુવાડા પોલિસને ઝીંઝુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો.નરેશભાઇ મકવાણા દ્વારા મારી દીકરીને અવારનવાર નોકરી બાબતે ટોર્ચર કરતા મારી દીકરી મયુરીએ મોતને વ્હાલું કર્યું હોવાના આક્ષેપ સાથે ડો.નરેશભાઇ મકવાણા વિરુદ્ધ ઝીંઝુવાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. આ કેસની વધુ તપાસ ઝીંઝુવાડા પોલીસ મથકના પીએસઆઇ જે.જે.ચૌહાણ ચલાવી રહ્યાં છે.