બેગલુરુ પોલીસ કંટ્રોલ રુમને આવેલા નનામી ફોન કોલમાં તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગણા, પોંડીચેરી, ગોવા અને મહારાષ્ટ્રમાં આતંકિઓ હુમલાની ફિરાકમાં હોવાનો દાવો
શ્રીલંકામાં ઇસ્ટરના તહેવાર દરમિયાન કરવામાં આવેલ જઘન્યા આત્મઘાતી હુમલા બાદ ભારતના દરિયા કિનારા રાજ્યોમાં કોસ્ટ ગાર્ડ, કોસ્ટલ મરીન પોલીસ અને સ્થાનિક પોલીસ તો પહેલાથી જ એલર્ટ પર છે ત્યારે એક બેંગલુરુ પોલીસને આવેલ નનામા ફોન ફોલથી સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ કરી દેવામાં આવી છે. એક અજાણ્યા વ્યક્તિએ ફોન કોલ કરીને જણાવ્યા મુજબ તેની પાસે માહિતી છે કે આંતકવાદીઓ કર્ણાટક સહિત ૮ રાજ્યોમાં હુમલો કરવાની તાકમાં છે. આ વ્યક્તિના દાવાની જોકી પુષ્ટી નથી થઈ શકી પરંતુ તંત્ર કોઈ ચાન્સ લેવા માગતું ન હોવાથી કર્ણાટકના સહિત અન્ય ૭ રાજ્યો તામિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગણા, પુડુચેરી, ગોવા અને મહારાષ્ટ્રના ડીજીપીને પણ પત્ર દ્વારા જાણ કરી એલર્ટ કરવામાં આવ્યા છે.
હકીકતમાં પોતાને એક ટ્રક ડ્રાઇવર તરીકે જણાવીને શુક્રવારે સાંજે ૫ વાગ્યે સ્વામી સુંદર મૂર્તિ નામના એક વ્યક્તિએ બેંગલુરુ શહેર પોલીસના કંટ્રોલ રુમમાં ફોન કર્યો હતો. આ વ્યક્તિએ દાવો કર્યો કે તેને મળેલી જાણકારી અનુસાર તામિલનાડુ, કર્ણાટક, કેરલ, આંધ્રપ્રદેશ, તેલંગણા, પુડુચેરી, ગોવા અને મહારાષ્ટ્રના મોટા શહેરોને આ આતંકવાદીઓ નિશાને લેવા માગે છે. વ્યક્તિના જણાવ્યા મુજબ આતંકવાદી આ રાજ્યોમાં ટ્રેનમાં હુમલા કરી શકે છે. તેણે તામિલનાડુના રામનાથપુરમમાં ૧૯ આતંકવાદી હોવાનો પણ દાવો કર્યો.
આ દરમિયાન બીજા પણ એક અજાણ્યા વ્યક્તિએ ચેન્નઈ પોલીસને ફોન કરીને તામિલનાડુની ધર્મનગરી રામેશ્વરમમાં આવેલ પ્રસિદ્ધ પંબન સી બ્રિજને બ્લાસ્ટ દ્વારા ઉડાવી દેવાની ધમકી આપી છે. જે બાદ પોલીસે બોમ્બ ડિટેક્શન સ્ક્વોડ અને સ્નિફર ડોગ્સ સાથે સમગ્ર વિસ્તારમાં ઓપેશન શરું કર્યું છે. પોલીસે પંબન અને રામેશ્વરમને જોડતા રોડ અને રેલ માર્ગની તપાસ કરી હતી અને અહીંથી પસાર થતા વાહનોનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું.
આ ધમકી એવા સમયે આવી છે જ્યારે શ્રીલંકામાં ઇસ્ટરના તહેવાર દરમિયાન એકઠા થયેલા અનેક માસૂમ વ્યક્તિઓને આતંકવાદીએ શ્રેણીબદ્ધ બોમ્બ ધમાકા કરીને ઉડાવી દીધા છે. શ્રીલંકામાં હાલ ખૂબ માટાપાયે સૈન્ય અને સુરક્ષા એજન્સીઓના દરોડા પડી રહ્યા છે અને તમામ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી રહી છે. તેવા સમયે શુક્રવારે સાંજે પણ એક આત્મઘાતી હુમલો થયો હતો.