રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક કરાવેલી ખાસ વેફર માટેની જાતના બટાકા ઉગાડવા બદલ વિશ્વની અગ્રણી ચિપ્સ બ્રાન્ડ ‘લેઝ’ની માલિક પેપ્સિકો ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના નવ ખેડૂતોને ગત સપ્તાહે કોર્ટમાં ઢસડી ગઈ છે. એટલું જ નહીં, બુધવારે પેપ્સિકોએ અમદાવાદની કોર્ટમાં આ દરેક ખેડૂત સામે રૂ. 1-1 કરોડની નુકસાની માગી છે, જે મોડાસાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તમામ સામે કરેલા પ્રત્યેક રૂ. 20 લાખના નુકસાનીના દાવા ઉપરાંત છે.

હવે આ સમાચાર ફેલાતાં જ દેશભરના ટ્વીટરાટીસ એટલે કે ટ્વીટરનો ઉપયોગ કરનારાએ પેપ્સિકો સામે ઉગ્ર રોષ ઠાલવ્યો છે.1-1 કરોડનો દાવો માંડીને પેપ્સિકોએ પોતાની બેશરમીનું સૌથી મોટું ઉદાહરણ આપ્યું હોવાની લાગણી વ્યક્ત કરતા ટ્વીટરાટીસે હવેથી પેપ્સીની તમામ બ્રાન્ડ અને પ્રોડક્ટનો બહિષ્કાર કરવાની ધમકીઓ પણ આપી છે.

મોટાભાગની ટ્વીટ્સમાં પેપ્સિકોને ગાળો ભાંડવામાં આવી છે. જ્યારે 190થી વધુ ચળવળકારો-કાર્યકરો અને ખેડૂત હિમાયતીઓએ સરકારને વિનંતી કરી છે કે તે પેપ્સિકો પર દબાણ લાવે જેથી આ પ્રકારના ‘ખોટા’ કેસ તે કરે નહીં અને કરેલા કેસ પણ પાછા ખેંચે. પેપ્સીકોનો દાવો છે કે તેની પાસે જે બટાકાની જાતને ઉગાડવા માટેના પ્લાન્ટ વેરાઈટી પ્રોટેક્શન (પીવીપી) રાઈટ્સ છે તેનું આ ખેડૂતોએ ઉત્પાદન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.