૮મી જૂન સુધીમાં સેનામાં જોડાવા ઈચ્છતી મહિલાઓ અરજી કરી શકશે
હવે સ્ત્રી સશક્તિકરણ માત્ર વકતૃત્વમાં જ નહીં પરંતુ બોર્ડર ઉપર પણ દેખાશે. સૌપ્રથમ વખત સૈન્ય દ્વારા મહિલા જવાનોની નિમણૂંક અંગે જાહેરાત કરવામાં આવી છે. રેન્કના આધાર પ્રમાણે મિલીટરી પોલીસ કેડરમાં ૨૦ ટકા મહિલાઓની ભરતી કરવામાં આવશે. હવે કહી શકાય કે મેરા દેશ બદલ રહા હૈ, વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારતના સૈન્યની તાકાત પણ વિશ્વમાં બીજા નંબરની સૌથી મોટી સેના તરીકે ઓળખાય છે.
ભારતીય સેનાએ મહિલા સશક્તિકરણની દિશામાં મહત્વનું પગલુ ભર્યું છે. હવે મહિલાઓ બોર્ડર ઉપર સેનાના જવાનની ફરજ બજાવશે. આ પૂર્વે મહિલાઓને માત્ર મિલીટરીમાં અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવતી હતી. ઉલ્લેખનીય છે કે, આટલી મોટી સૈન્ય ક્ષમતા ધરાવતા ભારતના સંરક્ષણ મંત્રી પણ મહિલા છે અને વિદેશ મંત્રી પણ મહિલા છે. વર્તમાન સમયમાં ભૂમિદળમાં ૧૫૦૦, વાયુદળમાં ૧૬૦૦ અને નેવીમાં ૫૦૦ મહિલાઓની સેવા લેવામાં આવે છે. નેવીમાં ૧૪ લાખ આર્મ ફોર્સમાં ૬૫૦૦૦ માત્ર મહિલા ઓફિસર કેડર છે.
સરકારે ગયા વર્ષે જ મહિલા અધિકારીની નિમણૂંક તેમજ પોલીસ તરીકે મહિલાઓને મિલીટરી ફોર્સમાં સામેલ કરવાનું નકકી કર્યું હતું. સેનાએ ૮૦૦થી વધુ મહિલાઓને મિલીટરી પોલીસમાં સમાવેશ આપવાનો નિર્ણય કર્યો છે. વર્ષ દરમિયાન બળાત્કાર, જાતિય સતામણી જેવા કેસોની તપાસમાં સૈન્યમાં શીસ્ત અને કાયદા પાલનની સાથે સાથે કટોકટીની સ્થિતિમાં મહિલા આંદોલનકારીઓને કાબુમાં લેવા મહિલા પોલીસની જરૂર પડી છે. આ પરિસ્થિતિના અંત માટે સેનામાં પણ મહિલાઓની ભરતી માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ચૂકયું છે. ૮મી જૂન સુધીમાં સેનામાં જાેડાવા ઈચ્છતી મહિલાઓએ અરજી કરવાની રહેશે.
મિલીટરીમાં સીગ્નલ ઓફિસર, એન્જીનીયર, વાયુદળ, લોજીસ્ટીક, એર ટ્રાફિક કંટ્રોલ ક્ષેત્રે મહિલાઓને નિમણૂંક કરવાની દિશામાં કામ શરૂ થઈ ચૂકયું છે. સૈન્યમાં મહિલાઓને પુરુષ સમોવડી બનાવવામાં સેનાની આ પહેલ ખુબજ મહત્વની ભૂમિકા ભજવશે. આ ઉપરાંત મહિલા સૈનિકોને વાયુદળ અને પાયલોટ ટ્રેનીંગ આપવાનું પણ શરૂ કરાઈ ચૂકયું છે. અત્યાર સુધી કેટલીક બાબતોને લઈ સૈન્યમાં મહિલાઓને મર્યાદિત કામગીરી સોંપવામાં આવતી હતી. આ પ્રથાનો અંત કરી હવે સેનાના જવાનોની સાથે બોર્ડર પર તૈનાત રહી હવે દેશની દિકરી દેશની સુરક્ષા કરશે.