મુસ્લિમોને વંદેમાતરમ્ અને ભારત માતા કી જય બોલવા મુદ્દે ધમકી આપવા જતા ગિરિરાજ ફસાયા
લોકસભાની ચૂંટણીનું પ્રચાર કાર્ય ચરમસીમાએ પહોચ્યું છે. ત્યારે મતદારોને આકર્ષવા નેતાઓ બેફામ બનીને વાણી વિલાસ કરવા લાગ્યા છે. કેન્દ્રીય મંત્રી અને બિહારની બેગુસરાય બેઠક પરના ભાજપી ઉમેદવાર ગિરીરાજસિંહે ગઈકાલે એક જાહેરસભામાં મુસ્લિમો વિશે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતુ જેથી જિલ્લા ચૂંટણી તંત્રએ આ નિવેદનને ચૂંટણી આચારસંહિતાના ભંગ સમાન માનીને ગિરીરાજસિંહ સામે બેગુસરાય પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ બિહારના બેગુસરાયમાં ભાજપના ઉમેદવાર ગિરીરાજ સિંહના સમર્થનમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની એક ચૂંટણી સભા યોજાઈ હતી. આ જાહેરસભા દરમ્યાન ગિરીરાજસિંહ મુસ્લિમ સમાજના લોકોને ચેતવણી આપી હતી કે કબર માટે ત્રણ હાથ જમીન જોતી હોય તો આ દેશમાં વંદેમાતરમ્ ગાવવું પડશે અને ભારત માતા કી જય કહવું પડશે.
જો તમે આવું નહી કરી શકો તો દેશ તમને માફ નહી કરે તેમને વધુમાં એમ પણ જણાવ્યું હતુ કે કેટલાક લોકો બિહારની ધરતીને સાંપ્રદાયીક આગ ફેલાવીને રકતરંજીત કરવા માંગે છે. પરંતુ જયાં સુધી ભાજપ છે ત્યાં સુધી તેઓ આવું થવા નહી દે દરભંગા બેઠક પરના આરજેડીના ઉમેદવાર અબ્દુલ બારી સિદીકીના વંદેમાતરમ્ નહી બોલવા માટે કરેલા પ્રવચનનો જવાબ આપતા ગિરીરાજે આ વિવાદાસ્પદ નિવેદન કર્યું હતુ.
ગિરીરાજસિંહના મુસ્લિમો માટેનું વિવાદાસ્પદ નિવેદન દિવસભર મીડીયામાં ઉછળ્યું હતુ જેથી હરકતમાં આવેલા જિલ્લા ચૂંટણી તંત્રએ આ નિવેદનથી ગંભીર નોંધ લીધી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા અધિકારી રાહુલકુમારે આ મામલે આવુ વિવાદાસ્પદ નિવેદનને ચૂંટણીની આદર્શ આચાર સંહિતાના ભંગ સમાન ગણાવીને બેગુસરાય પોલીસ સ્ટેશનમાં ગિરીરાજસિંહ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ પોલીસ ફરિયાદ બાદ ગિરીરાજસિંહની મુશ્કેલીમાં વધારો થવા પામ્યો છે. ગિરીરાજસિંહ સામે સીપીએમ પાર્ટીએ યુવા નેતા કનૈયાકુમારને ચૂંટણી મેદાનમા ઉતાર્યા છે. જયારે રાજદ દ્વારા મુસ્લિમ ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે.