૫૯ ટ્રકો અને બસો ડિટેઈન કરાયા: રૂ.૩૬,૩૭ લાખના દંડની સ્થળ ઉપર જ વસુલાતછેલ્લા એક સપ્તાહથી ચાલતી કાર્યવાહી: આજે પણ સવારથી ચેકીંગ ચાલુ
તાજેતરમાં જ રાજયનાં વાહન વ્યવહાર, કમિશ્નરે રાજકોટ સહિત રાજયભરમાં દરેક જિલ્લાનાં આર.ટી.ઓ તંત્રને હાઈવે ઉપર માલવાહક તથા ખાનગી પેસેન્જર વાહનોનું સઘન ચેકીંગ કરવાનાં આદેશો આપ્યા છે. આ આદેશોના પગલે રાજકોટ જિલ્લા આરટીઓ તંત્ર દ્વારા પણ છેલ્લા એકાદ સપ્તાહથી હાઈવે ઉપર વાહન ચેકીંગની ઘોંસ બોલાવી છે અને આરટીઓ ના જુદા જુદા નિયમોનો ભંગ કરતા ટ્રક-ખાનગી બસો સહિતનાં સંખ્યાબંધ વાહનો સામે કેસો કરી અને દંડાત્મક કાર્યવાહી કરી લાખો રૂ.ના દંડની વસુલાત પણ કરી છે. અને સાથોસાથ અનેક વાહનો ડિટેઈન પણ કર્યા છે.
આ અંગેની રાજકોટ આર.ટી.ઓ કચેરીનાં સુત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ છેલ્લા એક સપ્તાહનાં હાઈવે ચેકીંગ દરમ્યાન આર.ટી.ઓ તંત્રએ ટ્રકો અને ખાનગી પેસેન્જર બસો મળી કુલ ૫૪૮ કેસો કર્યા છે. અને ૫૯ જેટલા હેવી વાહનો ડિટેઈન કરી લેવાયા છે. આ ઉપરાંત જુદા જુદા નિયમોનાં ભંગ બદલ રૂ. ૩૬,૩૭ લાખથી વધુ રકમનાં દંડની સ્થળ ઉપર વસુલાત કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલનાં ચેકીંગ દરમ્યાન રાજકોટ જિલ્લા આર.ટી.ઓ તંત્રએ કુલ ૫૧ વાહનો સામે કેસો કર્યા હતા અને ૮ વાહનો ડિટેઈન કર્યા હતા. જયારે સૌથી વધુ ગઈકાલે રૂ. ૬.૬૮ લાખના દંડની રિકવરી કરી હતી. વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ છેલ્લા સપ્તાહ દરમ્યાન આર.ટી.ઓ તંત્રએ કરેલા ચેકીંગ દરમ્યાન ગત તા.૧૮ના રોજ સૌથી વધુ ૧૦૧ વાહનો સામે કેસો કર્યા હતા. અને આ દિવસે ૫ ખાનગી વાહનો ડિટેઈન કર્યા હૈતા તેમજ રૂ.૨ લાખના દંડથી વસુલાત કરી હતી.આ ઉપરાંત ગત તા.૧૭ના રોજ આજ સુધીનાં સૌથી વધુ ૧૩ ખાનગી વાહનો ડિટેઈન કર્યા હતા. અને રૂ.૪,૨૭ લાખનાં દંડની સ્થળ ઉપર વસુલાત કરવામાં આવી હતી.
દરમ્યાન આર.ટી.ઓ કચેરીનાં સુત્રોનાં જણાવ્યા મુજબ આજરોજ પણ જિલ્લા આરટીઓ તંત્ર દ્વારા ગ્રીન લેન્ડ ચોકડી, અમદાવાદ, હાઈવે સહિતનાં વિસ્તારોમાં સવારથી તંત્રની ચેકીંગ ટીમો ઉતરી પડી છે. અને પેસેન્જર તથા માલ વાહન વાહનોનું સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.આ ચેકીંગ હજુ પણ આવનારા દિવસોમાં ચાલુ રહેનાર હોવાનું આર.ટી.ઓ કચેરીનાં સુત્રો જણાવે છે.