અનાજનો જથ્થો મેળવવા માટે બહારથી મજૂરો બોલાવીને રૂ.૨૫૦૦નો ખર્ચ ભોગવતા દુકાનદારો
છેલ્લા બે મહિનાથી ડિલીવરીમાં ધાંધીયા, સસ્તા અનાજના દુકાનદારો અને રાશનકાર્ડ ધારકો ત્રસ્ત: કલેકટરને રજૂઆત
પુરવઠા નિગમનું ગોડાઉન મજૂર વિહોણુ થઈ જતા અનાજની ડિલીવરી છેલ્લા બે મહિનાથી ઠપ્પ થઈ ગઈ છે. જેથી સસ્તા અનાજના દુકાનદારો તેમજ રાશનકાર્ડ ધારકો ત્રસ્ત થયા છે. જો કે, ઘણા સસ્તા અનાજના દુકાનદારોને રૂ.૨૫૦૦ના સ્વ ખર્ચે બહારથી મજૂરો બોલાવીને અનાજનો જથ્થો મેળવવાની ફરજ પડી છે. આ મામલે આજે સસ્તા અનાજના દુકાન ધારકોએ જિલ્લા કલેકટરને રજૂઆત કરી તાત્કાલીક પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવાની માંગ પણ ઉઠાવી હતી.
પુરવઠા નિગમના ગોડાઉનમાં મજૂરો પુરા પાડવાનો કોન્ટ્રાકટ પૂર્ણ થયા બાદ નવો કોન્ટ્રાકટ અમલમાં મુકવામાં આવ્યો છે. આ દરમિયાન પુરવઠા નિગમના ગોડાઉનમાં મજૂરોનો ભારે દુકાન સર્જાયો છે. હાલ ગોડાઉનમાં એક પણ મજૂર ન હોવાથી સસ્તા અનાજનો જથ્થો ગોડાઉન ખાતે જ પડી રહ્યો છે. સસ્તા અનાજનો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં મજૂરોના અભાવે તેની ડિલીવરી થઈ શકતી નથી. છેલ્લા બે મહિનાથી સસ્તા અનાજની ડિલીવરી ન થતાં દુકાનદારો ત્રસ્ત થયા છે. ઉપરાંત સસ્તા અનાજની દુકાનમાંથી અનાજનો જથ્થો ન મળતા રાશનકાર્ડ ધારકો પણ હાલાકી વેઠી રહ્યાં છે.
આ અંગે રાજકોટ જિલ્લા સસ્તા અનાજ દુકાનદાર એસો.ના પ્રમુખ નરેન્દ્રભાઈ દવેએ જણાવ્યું હતું કે, એક તો અગાઉથી જ સસ્તા અનાજના દુકાનદારો મુશ્કેલી વેઠી રહ્યાં છે. ત્યારે મજૂરોના કારણે જે ધાંધીયા થઈ રહ્યાં છે તેનાથી પડયા પર પાટુ લાગવા જેવી સ્થિતિ નિર્માણ પામી છે. ૮ માસ પૂર્વે પુરવઠા નિગમે કોમ્પ્યુટર સીસ્ટમ બદલાવતા ફિંગર પ્રિન્ટ લીધા બાદ જ જથ્થો આપવાનો નિયમ અમલમાં મુકવામાં આવ્યો છે.
આ નિયમથી સસ્તા અનાજના દુકાનદારો કફોડી સ્થિતિમાં મુકાયા છે. ઉપરાંત કમિશનનો પ્રશ્ન પણ ભારે અન્યાયકર્તા છે. માત્ર રૂ.૫ થી ૫.૫૦ હજાર જેટલું કમિશનર સસ્તા અનાજના દુકાનદારોને ચૂકવવામાં આવે છે. જેના કારણે સસ્તા અનાજનો દુકાનદાર પોતાના બાળકની સ્કૂલ ફી ભરવા માટે પણ સક્ષમ હોતો નથી. આવા પ્રશ્નો વચ્ચે સસ્તા અનાજના દુકાનદારો ઝઝુમી રહ્યાં હતા. તે વેળાએ વધુ એક મજૂરનો પ્રશ્ન સર્જાતા દુકાનદારો મુસીબતમાં મુકાયા છે.
છેલ્લા બે મહિનાથી પુરવઠા નિગમના ગોડાઉનમાં એક પણ મજૂર નથી. જેથી સસ્તા અનાજના દુકાનદારોને બહારથી મજૂર બોલાવીને રૂ.૨૫૦૦નો ખર્ચ ભોગવીને અનાજનો જથ્થો મેળવવો પડે છે. ગોંડલ અને પડધરી પંથકમાં કોઈ પ્રશ્ન નથી પરંતુ આ સીવાયના જિલ્લાના તમામ કેન્દ્રોમાં આ પ્રશ્નના કારણે સસ્તા અનાજના દુકાનદારો મુસીબતમાં મુકાયા છે.
સસ્તા અનાજના દુકાનદારોએ મજૂરના અભાવે સર્જાયેલી સમસ્યા નિવારવા માટે જિલ્લા કલેકટરને આજે આવેદનપત્ર પાઠવ્યું હતું. આ તકે પ્રમુખ નરેન્દ્રભાઈ ડવ, ઝોનલ પ્રમુખ માવજીભાઈ રાખસીયા, અશોકભાઈ સિંધી, વી.એસ.શાહ અને ભરતભાઈ બગડા સહિતના જોડાયા હતા.