સુપ્રીમ કોર્ટ દ્વારા ૫૦ લાખ રૂપિયાના વળતરની સાથે સરકારી નોકરી આપવાના હુકમથી જાગ્યુ આશાનું કિરણ: બિલકીસ બાનુ
૨૦૦૨ના રમખાણમાં ગેંગરેપનો ભોગ બનેલી બિલકીશ બાનુ પોતાને ન્યાય મળે તે માટે લડી રહી છે. તેને વધુમાં જણાવ્યું હતું કે, જયારે કોઈ પરિવારનો નાશ થઈ જતો હોય ત્યારે લડવું ફરજીયાત બની જતુ હોય છે. તેને વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, તે પોતાની અને તેમના પરિવારના જીવનને સ્થિર કરવા માંગે છે. પત્રકાર પરિષદમાં તેણે ગુજરાતી તથા હિન્દી ભાષામાં અનેકવિધ માહિતી આપી હતી અને બિલકીશ બાનુ દ્વારા ભારતના ન્યાય તંત્રને પણ વખાણવામાં આવ્યું હતું.
બિલકીશ બાનુએ વધુમાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આસ્વાશનના કારણે તેઓને આશાની કિરણ દેખાઈ છે. સાથો સાથ કોર્ટ દ્વારા ગુજરાત સરકારને ૫૦ લાખનું વળતર આપવાનું પણ જણાવ્યું હતું. જેમાં તેમને નોકરી તથા એક ઘર આપવાની પણ તાકીદ કરી હતી. પરંતુ હાલ આ અંગે ગુજરાત સરકાર દ્વારા કોઈપણ પગલા લેવામાં આવ્યા નથી.
સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલો ઓર્ડર માત્ર નાણાકીય મુદ્દા પર આધારીત નથી પરંતુ તે એક સિગ્નલ છે સમગ્ર રાજય માટે કે કોઈપણ નાગરિકનો હકક કે અધિકાર છીનવી ન શકાય. વધુમાં જયારે પત્રકાર પરિષદમાં તેમની ત્રણ વર્ષની બાળકી અને તેમના ૧૪ સભ્યોના મોત વિશેની વાત ઉચ્ચારાઈ ત્યારે તે ભાવુક બની ગઈ હતી અને તેને માંગ પણ કરી હતી કે, તે એ મહિલાઓને મદદ કરવા માંગે છે કે જે ન્યાય માટે લડતી હોય. ત્યારે અંતમાં તેણે ભારતની ન્યાય પ્રણાલી પર ભરોસો દાખવ્યો હતો પરંતુ ગુજરાત સરકાર દ્વારા કોઈપણ સહાય ન મળતા તે અંગેનું દુ:ખ પણ તેમના દ્વારા વ્યકત કરવામાં આવ્યું હતું.