ચૂંટણી પૂર્ણ થયા બાદ આજે રાશનકાર્ડની કામગીરી શરૂ થતાં વેંત જ સર્વરના ધાંધીયા
પુરવઠા વિભાગનું ઓનલાઈન સર્વર આજે ઠપ્પ થયું હોવાનું સામે આવ્યું છે. જેના કારણે હાલ સસ્તા અનાજના દુકાનદારો મુસીબતમાં મુકાયા હોવાનું જાણવા મળ્યું છે. ચૂંટણી પૂર્ણ થતાં આજરોજ રાશનકાર્ડની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ ટાંણે જ સર્વરના ધાંધીયા થતાં દુકાનદારો તેમજ લાભાર્થીઓમાં રોષ પ્રવર્તયો છે.
લોકસભાની ચૂંટણીમાં ગઈકાલે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી જે સંદર્ભે છેલ્લા ઘણા સમયથી પુરવઠાનો સ્ટાફ ચૂંટણી કામગીરીમાં રોકાયેલ હતો. જો કે આજરોજ ગુજરાત રાજય નાગરિક પુરવઠા વિભાગનું ઓનલાઈન સર્વર ઠપ્પ થઈ ગયું હતું. ચૂંટણી કામગીરી સ્ટાફ એક સપ્તાહથી રોકાયેલો હતો ત્યારે આજે ચૂંટણી પૂર્ણ થતાં સ્ટાફે રેશનકાર્ડની કામગીરી શરૂ કરી હતી પરંતુ ટાંણે જ ઓનલાઈન સર્વર ઠપ્પ થતાં રાશનકાર્ડની કામગીરી ખોરવાઈ હતી.
આજરોજ પુરવઠા વિભાગનું ઓનલાઈન સર્વર ઠપ્પ થઈ જતાં સસ્તા અનાજના દુકાનદારો તેમજ રાશનકાર્ડ ધારકોમાં દેકારો મચી જવા પામ્યો છે. રાશનકાર્ડની કામગીરી બંધ થતાં અનાજ વિતરણ વ્યવસ્થા પણ ઠપ્પ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.