૧૦૫ કિલો અખાદ્ય સામગ્રીનો નાશ: શુદ્ધ ઘી અને ઉપહાર ખજુરનાં નમુના ફેઈલ
ઉનાળાનાં દિવસોમાં લોકો ગરમીથી રાહત મેળવવા માટે શેરડીના રસનો ઉપયોગ વધુ માત્રામાં કરતા હોય છે. કેટલાક ચીચોડાવાળા બિનઆરોગ્યપ્રદ શેરડીનો રસ વહેંચતા હોવાની ફરિયાદ મળતાં કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં ૩૭ સ્થળોએ શેરડીના ચીચોડાવાળાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ૨૮ને નોટીસ ફટકારી ૧૦૫ કિલો અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. અગાઉ ફુડ શાખા દ્વારા લેવામાં આવેલો ઘી અને સિલેકટેડ ખજુરનો નમુનો પરીક્ષણમાં નાપાસ જાહેર કરવામાં આવ્યો છે. આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, ફુડ શાખા દ્વારા શહેરનાં રૈયા રોડ, હનુમાનમઢી ચોક, નિર્મલા રોડ, સાધુ વાસવાણી રોડ, ગેલેકસી ટોકીઝવાળો રોડ, શ્રોફ રોડ, જામટાવર રોડ, કેસરી હિંદ પુલ, પારેવડી ચોક, કુવાડવા ચોક, ગ્રીનલેન્ડ ચોકડી, માર્કેટીંગ યાર્ડ પાસે સહિતનાં વિસ્તારોમાં શેરડીના રસના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
કુલ ૩૭ સ્થળે ચેકિંગ દરમિયાન અનહાઈજેનીક કંડિશન સબબ ૨૮ વેપારીઓને નોટીસ ફટકારવામાં આવી હતી અને ૧૦૫કિલો બિનઆરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. તેઓએ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, હોળીનાં તહેવારમાં મનહર પ્લોટ શેરી નં.૬નાં કોર્નર પર મંગળા મેઈન રોડ પર મેસર્સ પોપટ મહેન્દ્રભાઈ જમનાદાસને ત્યાંથી શુદ્ધ ઘીનો નમુનો લેવામાં આવ્યો હતો જે પરીક્ષણમાં નાપાસ જાહેર થયો છે. આ ઉપરાંત ગોંડલ રોડ જકાતનાકાની પાછળ ગીતાનગર સોસાયટી શેરી નં.૬માં ભાવના ફુડ પ્રોડકટમાંથી ઉપહાર સિલેકટેડ ડેટસ (ખજુર)નો નમુનો લેવામાં આવ્યો હતો જેમાં પેકિંગ પર ઉત્પાદનની તારીખ લખવામાં ન આવતા નમુનો પરીક્ષણમાં નાપાસ જાહેર કરવામાં આવ્યો છે.