ગુજરાતમાં ભાજપને કેટલી બેઠકો મળશે: રાજકોટમાં કેટલી લીડ રહેશે જેવી ચર્ચાઓ મતદાન બાદ જામી
લોકસભાની ચુંટણીનાં ત્રીજા તબકકામાં ગઈકાલે ગુજરાતની તમામ ૨૬ બેઠકો માટે મતદાન પૂર્ણ થયા બાદ આજે સવારે તમામ સરકારી કચેરીઓ, જાહેર સ્થળો, પાનની દુકાનો સહિતની જગ્યાઓ પર એક જ ચર્ચા ચાલી રહી છે કે તમને શું લાગે છે ? ગુજરાતમાં આ વખતે ભાજપને કેટલી બેઠકો મળશે. રાજકોટમાં ભાજપ જીતશે તો કેટલી લીડ રહેશે. ટુંકમાં ચુંટણીલક્ષી ચર્ચાઓએ આજે સવારથી જોર પકડયું છે.
રાજયમાં લોકસભાની ચુંટણીનો માહોલ મતદાનના આગલા દિવસ સુધી બંધાયો ન હતો. જોકે મતદાન પૂર્ણ થયા બાદ આજે સવારથી લોકો ભારે ઉત્સુકતા સાથે ચુંટણી પરીણામોની ચર્ચા કરતા નજરે પડે છે. સરકારી કચેરીઓ, પાનની દુકાન, હેર સલુન સહિતનાં જાહેર સ્થળોએ બે-ચાર લોકો ભેગા થાય કે તરત એક જ વાતની ચર્ચાએ ચડી જાય છે કે તમને શું લાગે છે ? આ વખતે રાજયમાં લોકસભાની ચુંટણીનું પરીણામ શું આવશે. ભાજપ ૨૦૧૪ની માફક તમામ બેઠકો જીતશે કે પછી પક્ષને ગુજરાતમાં નુકસાની સહન કરવાનો વારો આવશે.
રાજકોટ બેઠક પર ભાજપનાં ઉમેદવાર મોહનભાઈ કુંડારીયા જીતશે કે કોંગ્રેસનાં લલિતભાઈ કગથરા માથુ કાઢશે તેવી રોમાંચક ચર્ચાઓ થતી જોવા મળે છે. જોકે મોટાભાગના લોકો એવું માની રહ્યા છે કે, રાજકોટમાં ભાજપ ૧૦૦ ટકા જીતી જશે પરંતુ મોહનભાઈની લીડ ૨૦૧૪ જેટલી રહેશે નહીં. આ વખતે ભાજપને રાજયની ૨૬ બેઠકો તો નહીં જ મળે. ૫ થી ૬ બેઠકોની નુકસાની ચોકકસ સહન કરવી પડશે. છેલ્લી ત્રણ લોકસભાની ચુંટણીથી એવું થાય છે કે, મતદાન અને પરીણામ વચ્ચે એક મહિનાનો લાંબો ગેપ રહેતો હોય છે. આ વખતે પણ એવું જ થયું છે. ગઈકાલે ૨૩મી એપ્રીલે મતદાન પૂર્ણ થયા બાદ બરાબર એક માસ એટલે કે ૨૩મી મેએ મતગણતરી હાથ ધરવાની હોય આગામી બે-ચાર દિવસ સુધી લોકમુખે માત્ર ચુંટણીલક્ષી જ ચર્ચાઓ થતી રહેશે.