કલેક્ટર ડો. રાહુલ ગુપ્તાએ પરિવાર સાથે મતદાન કર્યું
૧૦-રાજકોટ સંસદીય બેઠકના પ્રતિપ્રેષક અધિકારી અને કલેક્ટર ડો. રાહુલ ગુપ્તાએ પરિવાર સાથે સવારમાં મતદાન કર્યું હતું. ડો. ગુપ્તા, તેમની પત્ની શ્રીમતી અનુજા ગુપ્તા, માતા શ્રીમતી ક્રિષ્નાબેન ગુપ્તા અને પિતા શ્રી બાબુભાઇ ગુપ્તા સાથે કોઠી કમ્પાઉન્ડમાં આવેલા મતદાન મથક ખાતે પહોંચી ગયા હતા અને લાઇનમાં ઉભા રહી પોતાનો મતદાન કરવાનો ક્રમ આવે ત્યા સુધી રાહ જોઇ હતી. બાદમાં તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બાદમાં તેમણે જણાવ્યું હતું કે, મોટા પ્રમાણમાં લોકો મતદાન કરે એ જરૂરી છે. મુક્ત અને ન્યાયી રીતે ચૂંટણી યોજાય એ રીતે સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટ શહેર અને જિલ્લામાં સમગ્ર ચૂંટણી પ્રક્રીયા શાંતિપૂર્વક ચાલી રહી છે. તેમણે યુવામતદારોને મતદાન કરવા માટે ખાસ અપીલ કરી હતી.
મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ ધર્મપત્ની સીમા પાની સાથે કર્યું મતદાન
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ તેમના ધર્મપત્ની સીમા પાની સાથે આજે સવારે રાષ્ટ્રીય શાળા સામે આવેલ રાજકોટ મહાનગરપાલિકા સંચાલીત નગર પ્રાથમિક શિક્ષણ સમીતીની શાળા નં.૧૧ ખાતે મતદાન કર્યું હતું.
ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ પરિવાર સાથે કર્યું મતદાન
ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ આજે પરીવાર સાથે મતદાન કરીને રાષ્ટ્રીય ફરજ અદા કરી હતી. ચુંટણીપંચ દ્વારા રાજકોટના વતની એવા ક્રિકેટર ચેતેશ્વર પુજારાની ચુંટણીનાં બ્રાન્ડ આઈકોન તરીકે નિમણુક કરવામાં આવી હતી ત્યારે ચેતેશ્વર પુજારાએ મતદાન જાગૃતિ અર્થે મહત્વનું યોગદાન પણ આપ્યું છે. આજરોજ તેઓએ પરીવાર સાથે મતદાન મથકે જઈને મતદાન કર્યું હતું.
લોકસભાની ચૂંટણીમાં તમામ મતદાન મથકો પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત
સમગ્ર રાજ્યમાં આજે લોકસભાની ચૂંટણીનું મતદાન થઇ રહ્યું છે ત્યારે રાજકોટ જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થાય તે માટે પોલીસ દ્વારા ચૂસત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તમામ મતદાન મથકે પોલીસ કર્મચારીને સ્ટેન્ડબાય રાખીને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.
માંદગીને મ્હાત આપી રાજુભાઈ ધ્રુવનાં માતુશ્રીએ કર્યું મતદાન
ભાજપનાં સૌરાષ્ટ્ર ઝોનનાં મિડીયા ઈન્ચાર્જ રાજુભાઈ ધ્રુવે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમને પોતે પણ મતદાન કર્યું છે અને પોતાનાં ૮૫ની ઉમ્ર ધરાવતા તેમનાં માતાને પણ મતદાન માટે સાથે લાવ્યા હતા. તેમનાં માતાને શારીરિક રીતે પેરેલીસીસની અસર છે પરંતુ આમ છતાં તેમણે પોતે જ મતદાનની ફરજ બજાવવાનો દ્રઢ નિશ્ચય લીધો હતો અને અમને બધાને પણ આ વાતાવરણ જોઈને ખુબ જ આનંદ થાય છે. સરદાર પટેલ આપણને મહાન ભેટ આપીને ગયા છે ત્યારે આપણે એક મતદાન કરીને ભારતનું ભાવી નકકી કરવાના અધિકારનો ઉપયોગ કરી શકીએ છીએ.
SGVP સ્વામિનારાયણ ગુરુકુલના ર૦ સંતો દ્વારા મતદાન
વિશ્ર્વમાં આપણો ભારત દેશ વિશ્ર્વની એક વિશાળ લોકશાહી ધરાવતો દેશ છે. મત આપવો એ આપણી નૈતિક અને સામાજીક ફરજ છે. સંતો જયારે દેશ ભકિતની સમાજને પ્રેરણા આપે છે. ત્યારે તેમની પ્રથમ ફરજ છે કે તેણે લોકશાહીનું જતન કરવું જોઇએ. ને યોગ્ય ઉમેદવારને મત આપવો જોઇએ. અમેરિકા-જયોર્જિયા રાજયના સવાનાહ ખાતે સ્વામીનારાયણ સનાતન મંદીરમાં મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે અમેરિકા પધારેલ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી કોઠારી ધર્મનંદનદાસજી સ્વામીની આગેવાની નીચે, છારોડી એસજીવીપી સ્વામીનારાયણ ગુરુકુલ તેમજ મેમનગર ગુરુકુલના વયોવૃઘ્ધ પુરાણી ભકિતપ્રકાશધાજી સ્વામી સહીત ર૦ સંતો એ વહેલી સવારે છારોડી પ્રાથમીક શાળાના મતદાન મથકે જઇ પ્રથમ મતદાન કરેલ હતું.
રિલાયન્સ ગ્રુપનાં પરીમલ નથવાણીએ મતદાન કર્યું
આજે લોકસભાની ચુંટણીનું મતદાન થઈ રહ્યું છે. ત્યારે સૌ કોઈ મતદાન કરીને પોતાની ફરજ અદા કરી રહ્યાં છે ત્યારે રિલાયન્સ ગ્રુપનાં પરીમલ નથવાણીએ આજે સવારે ખંભાળીયા તાલુકા પંચાયત ખાતે આવેલા મતદાન મથકમાં જઈને મતદાન કરીને રાષ્ટ્રીય ફરજ નિભાવી હતી.
મતદાન માટે વિકલાંગોનો જોશ ‘હાઇ’
ચાલો કરીએ સૌ મતદાન, દેશને બનાવીએ મહાનનાં સુત્ર સાથે દેશભરમાં વહેલી સવારથી ૧૪ રાજયોમાં ચુંટણીજંગનાં ત્રીજા તબકકામાં લોકો કિંમતી મત આપી રહ્યા છે ત્યારે વિકલાંગો પણ મતદાન બુથમાં ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે જેને જોઈ દરેક મતદારોએ શિખવા જેવું છે કે, અવશ્ય મતદાન કરવું જોઈએ. દેશનાં વિકાસ માટે જો વિકલાંગો પણ મતદાન કરતા હોય તો આપણે આપણી ફરજ કઈ રીતે ચુકવી શકીએ.
વિન્ટેજ કારમાં બેસીને માંધાતાસિંહે કર્યું મતદાન
યુવરાજ જયદીપસિંહજી સજોડે મતદાન કરી યુવાનોને મતદાન કરવા કરી અપીલ
રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજાએ અનોખી રીતે મતદાન કર્યું હતું. માંધાતાસિંહજી અને એમના ધર્મપત્ની રાણી શ્રીમતી કાદમ્બરીદેવી ૧૯૫૦માં રાજકોટના રાજા પ્રદ્યુમ્નસિંહજી જાડેજાએ ખરીદેલી વિન્ટેજ કાર સેવરોલેટમાં મતદાન કરવા ગયા હતા.
માંધાતાસિંહજીએ જણાવ્યું કે ચૂંટણી એ લોકશાહીનો ઉત્સવ છે. આપણે ઘરના ઉત્સવમાં જે ઉત્સાહથી ભાગ લઈએ છીએ એમ જ આ ઉત્સવમાં પણ ભાગ લઈ કારમાં મતદાન કરવા આવ્યા છીએ તેમજ યુવરાજ સાહેબ જયદિપસિંહજી અને યુવરાણી સાહેબા શિવાત્મીકાદેવીએ લોકસભાના પર્વમાં ઉત્સાહભેર ભાગ લઈ મતદાન કર્યું હતું અને યુવાનોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી છે.
ગોંડલ ખાતે શ્રી હરિચરણદાસ બાપુએ લોકશાહીના પર્વમાં મતદાન કર્યું
ગોંડલના કાશી વિશ્વ ખાતે આવેલા શ્રી રામજી મંદિરના મહામંડલેશ્ર્વર અને શ્રી સદગુરૂ રણછોડદાસજીક બાપુના કૃપાપાત્ર શિષ્ય શ્રી હરીચરણદાસજી મહારાજે યોગીનગર ખાતે આવેલી શાળા નં. ૧૫ ખાતે મતદાન કરી લોકશાહીનાં મહાપર્વની ઉજવણી કરી મતદારોને મતદાન માટે પ્રેરણારૂપ બની મતદારોને ઉત્સાહ સાથે મતદાન કરવા અનુરોધ કર્યો છે.