ગંગોત્રી સ્કૂલના છાત્રોની શાહી સવારી ગોંડલના રાજમાર્ગો પર નિકળી: સ્કૂલની વિદ્યાર્થીની પ્રીન્સીએ ૯૯.૯૯ પીઆર મેળવ્યા

ભગવતસિંહજીની ગોંડલ નગરી શિક્ષણમાં ઉતરોતર સફળતાનાં શિખરો સર કરી રહી છે ત્યારે ગંગોત્રી સ્કૂલે પણ ગોંડલના મસ્તક પર એક કલગી ઉમેરી છે. ધોરણ-૧૨ સાયન્સ અને ધોરણ-૧૦ના જવલંત પરિણામ પછી ગંગોત્રી સ્કુલે પરિણામની હેટ્રિક લગાવી છે. ગંગોત્રી સ્કૂલની વિદ્યાર્થીની દુધાત્રા પ્રિન્સીએ ૯૯.૯૯ પીઆર સાથે સમગ્ર બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. બોર્ડ ટોપ ટેનમાં પણ ગંગોત્રી સ્કૂલના ૭ વિદ્યાર્થીઓ ઝળકયા છે. ત્યારે ગંગોત્રી સ્કૂલની શાહી સવારી ગોંડલના રાજમાર્ગો પર નિકળી હતી. ડીજેના તાલે ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉ ગીત પર વિદ્યાર્થીનીઓએ ડાન્સ કર્યો હતો. તેમજ બોર્ડમાં ટોપ પર આવેલા વિદ્યાર્થીઓને બગીમાં બેસાડી ફુલના હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તથા અગ્રણીઓએ ગંગોત્રી સ્કૂલના વિદ્યાર્થીઓ તથા ચેરમેન સંદિપભાઈ છોટાળાને શુભેચ્છા પાઠવી હતી.

દૂધાત્રા પ્રિન્સીએ ૯૯.૯૯ પીઆર સાથે સમગ્ર બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ૯૯.૯૮ પીઆર સાથે બોર્ડમાં દ્વિતીય સ્થાન ચોટાલિયા પ્રજ્ઞેશે મેળવ્યું છે. ગોંડલીયા માનસી પણ ૯૯.૯૮ પીઆર સાથે બોર્ડમાં બીજા સ્થાને આવી છે. ૯૯.૯૬ પીઆર સાથે બોર્ડમાં ચોથુ સ્થાન પ્રાપ્ત કરનાર સોલંકી ચિરાગ પણ સામાન્ય પરિવારમાંથી આવે છે. કાચા દેવાંગીએ ૯૯.૯૫ પીઆર સાથે એ-૧ ગ્રેડ મેળવી ગુજરાત બોર્ડમાં પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

૭ વિદ્યાર્થીઓ સમગ્ર બોર્ડ ટોપ ટેનમાં ઉતીર્ણ થયા છે અને ૯૯ પીઆર ઉપર ૨૧ વિદ્યાર્થીઓ, ૯૮ પીઆર ઉપર ૨૮ વિદ્યાર્થીઓ, ૯૭ પીઆર ઉપર ૩૫ વિદ્યાર્થીઓ અને ૯૬ પીઆર ઉપર ૪૫ વિદ્યાર્થીઓ આવ્યા છે. સાથે-સાથે એ-૧ ગ્રેડ મેળવનાર ૫ વિદ્યાર્થીઓ અને એ-૨ ગ્રેડ મેળવનાર ૨૩ વિદ્યાર્થીઓ છે.

બોર્ડમાં સ્થાન પામેલ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવા માટે ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ગંગોત્રી સ્કૂલે પધાર્યા હતા અને વિદ્યાર્થીઓને વ્યકિતગત મળી તેમને બિરદાવ્યા હતા. નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન સાવલિયા, ગોંડલ તાલુકા પંચાયત કચેરીના ચેરમેન પ્રફુલભાઈ ટોળીયા, જિલ્લા ભાજપ મંત્રી અરુણભાઈ ઠુંમર તથા ગોંડલ શહેરના અગ્રણીઓએ પણ ગંગોત્રી સ્કૂલ પર પહોંચી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.