વડાપ્રધાન રાણીપ વિસ્તારમાં નિશાન હાઈસ્કુલમાં મત આપશે: અમિત શાહ કરશે અમદાવાદમાં મતદાન: નાણામંત્રી અરૂણ જેટલી પણ મત આપવા માટે આવશે
ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકો માટે આવતીકાલે મંગળવારે સવારે ૭ વાગ્યાથી લઈ સાંજના ૬:૦૦ વાગ્યા સુધી મતદાન યોજાવાનું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ અને કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલી મત આપવા માટે આવતીકાલે સવારે ગુજરાતમાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે સવારે ૯:૩૦ કલાકથી ૧૦ કલાક સુધી રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન હાઈસ્કુલ ખાતે મતદાન કરવા માટે આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૪માં તેઓએ લોકસભાની ચુંટણી દરમિયાન અહીં મતદાન બાદ કમળનાં પ્રતિક સાથે સેલ્ફી લેતા આચારસંહિતાભંગની ફરિયાદ થઈ હતી અને વિવાદનો મધપુડો છેડાયો હતો.
વર્ષ ૨૦૧૭માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં પણ તેઓ મત આપવા માટે આવ્યા હતા. ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકો માટે કાલે યોજાનારા મતદાનમાં પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખાસ કાલે સવારે ગુજરાતની મુલાકાતે આવશે અને મત આપશે. આ ઉપરાંત ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ અમદાવાદ ખાતે સવારે ૯ કલાકે મતદાન કરશે. જયારે નાણામંત્રી અરૂણ જેટલી ૧૦ વાગ્યે એસ.જી.હાઈવે પર કર્ણાવતી કલબની બાજુની શાળામાં આવેલા મતદાન મથક પર મતદાન કરશે.